
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા) સુરત.
રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગ નવી દિલ્હીના માનનીય સદસ્ય કરમસિંહ કર્માના પ્રમુખ સ્થાને કલેક્ટર કચેરી સુરતના સભાખંડમાં સવારે ૧૧:૩૦ કલાકે સુરત મ.ન.પા સફાઈ કામદાર યુનિયનોના પ્રતિનિધિઓ, મંડળીઓ, આઉટસોર્સ એજન્સીઓ, કોન્ટ્રાકટરો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જિલ્લા કલેક્ટર તેજસ પરમાર, ઈન્ચાર્જ પોલીસ કમિશ્નર વાબાંગ જામીર, નાયબ નિયામક વી.એમ પટેલ સમાજ કલ્યાણ ખાતું અને સુરત મ.ન.પાના આરોગ્ય અધિકારી ડો.પ્રદીપ ઉમરીગર અને મોટી સંખ્યામાં યુનિયન આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શરૂઆતમાં કરમાજીએ The Prohibrion of employment as manual Scavnger and their Rehabilitation Act 2013 અંગે સમજ આપી હતી. સુરત શહેરમાં હાલમાં ડ્રેનેજમાં કામગીરી કરતાં ચાર કર્મચારીઓના અવસાન અંગેની નોંધ લઈ માલિક વિરુધ્ધ FIR કરવાની સૂચના આપી હતી. તેમજ મરનાર સફાઈ કર્મચારીઓના વારસદારોને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી રૂપિયા ૩૦ લાખ સુધીનું વળતર આવા અકસ્માત મૃત્યુ કેસોમાં આપવા જાહેર કરેલ છે. તેમ જણાવી મરણ પામનાર કર્મચારીઓના વારસદારોને રૂપિયા ૩૦ લાખ સુધીનું વળતર આપવા સૂચના આપી હતી.
સુરત મ.ન.પા કર્મચારી યુનિયન વતી જયંતિભાઈ વાઘેલાએ સુરત મ.ન.પા ના યુનિયનોની ઓફિસો રાત્રે ૧૨ વાગે તાળાં તોડી ગેરકાયદેસર કબજો લેવા અંગે અને યુનિયનોના સામાન ઓફિસોમાંથી બહાર ફેંકી દેવા અંગે રજૂઆત કરી હતી. આ અંગે સખત વાંધો લેતા કરમાજીએ તાળાં તોડનાર અધિકારીઓ સામે પણ FIR કરવાની તાકીદ કરી હતી. સુરત મ.ન.પામાં સફાઈ કર્મચારીઓના દવા અંગેના પ્રશ્નોની પણ રજૂઆત થઈ હતી. ઇકબાલ મોહમ્મદ શેખે સેનેટરી સબ ઇન્સપેક્ટરોની ભરતીમાં અન્યાય થતાં તેઓએ કોર્ટમાં જવું પડયું અને કોર્ટે સુરત ડે. કમિશનર નિધિ સિવાચને બોલાવી જે કર્મચારીઓના પ્રમોશન ખોટી રીતે આપવામાં આવેલા તેઓના હુકમો રદ કરાવેલ અને આ અંગે કોર્ટમાં જવું પડેલ હોય ડે.કમિશ્નર નિધિ સિવાચે યુનિયનો પ્રત્યે પૂર્વગ્રહ રાખી ગેરકાયદેસર રીતે યુનિયન ઓફિસોના કબજા લઈ લીધા હતા.એવી રજૂઆત કરી હતી. જે અંગે કરમાજીએ જણાવેલ કે, યુનિયનની એક્ટિવિટી આખા દેશમાં ચાલે છે. દિલ્હીમાં પણ ચાલે છે.ત્યારે સુરત પણ તેમાંથી બાકાત નથી. શ્રીમતી નિધિ સિવાચને બોલાવી યુનિયનોની ઓફિસો અંગે પૂછતા તેઓએ યુનિયનો ધ્વારા સભ્ય સંખ્યા, હોદ્દેદારોની વિગતો, રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ વિગેરે આપતા ના હોય તેવી ખોટી રજૂઆત કરેલી. આ અંગે યુનિયનના પ્રતિનિધિઓએ જણાવેલું કે દર વર્ષે ટ્રેડ યુનિયન એક્ટ ૧૯૨૬ ની જોગવાઈઓ મુજબ દરેક યુનિયને ૨૯ સપ્ટેમ્બર પહેલા યુનિયનની સભ્ય સંખ્યા, હોદ્દેદારોની વિગતો, રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ સંસ્થામાં રજૂ કરવાની હોય છે. અને તે મુજબ વર્ષોથી તમામ યુનિયનો આ પ્રમાણેની માહિતી પૂરી પાડે છે. તેમ છતાં તેઓ પ્રત્યે ભેદભાવ અને કિન્નાખોરી રાખી યુનિયનોની ઓફિસોના અડધી રાત્રે તાળાં તોડાવી કબજા લેવડાવ્યા છે. કરમાજીએ સુરત મ્યુ.કમિશ્નરને ટેલિફોનિક વાત કરી યુનિયનોના પ્રતિનિધિઓને સાંભળવા અને તેઓના પ્રશ્નોનો નિકાલ કરવા જણાવતા કમિશનરે યુનિયનોના હોદ્દેદારોને બોલાવી તેઓના પ્રશ્નોનો નિકાલ કરવા જણાવેલ છે.
આ મિટિંગમાં વિજય શેણમારે, શશીકાન્તભાઈ સોલંકી, હરીશભાઈ રાઠોડ, સુભાષભાઈ સોલંકી, કિરીટ વાઘેલા, અજયભાઈ સોલંકી વિગેરેએ રજુઆતો કરી હતી. સુરત મ.ન.પા કર્મચારી મહાસંઘના પ્રમુખ ભાઈલાલ બી. વૈષ્ણવે રહેમરાહે સફાઈ કામદારોની ભરતીમાં વાલ્મીકિ સમાજના કર્મચારીઓના વારસદારોને અન્યાય થતું જણાવી રજૂઆતો કરી હતી. આ મિટિંગમાં દિલિપભાઈ દેસાઇ, જગદીશ પટેલ, અર્જુન વિરાસ,મોહનભાઈ રાઠોડ, ભરતભાઈ ઠાકુર વિગેરે હાજર રહ્યા હતા.
કરમાજીએ વધુમાં જણાવ્યુ હતું કે , એક દેશમાં એક કાયદો ચાલે જે અમદાવાદ માં હોય તે સુરતમાં પણ હોવો જ જોઈએ. તમામ અરજદારોની રજૂઆતો શાંતિપૂર્વક સાંભળી તેના યોગ્ય નિકાલ માટે જે તે અધિકારીનું ધ્યાન દોર્યું હતું. તેમજ મિટિંગની મિનિટસ તમામ ને પૂરી પાડવા સૂચના આપી હતી.




