
(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા) સુરત
બિહારના પૂર્વ મુખ્યપ્રધાન ભાગવત ઝા આઝાદના પુત્ર યશોવર્ધન આઝાદ ૧૯૭૬ બેચના IPS અધિકારી છે. જેમણે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા તંત્રના સર્વોચ્ચ પદો પર સેવા આપી છે. ઈન્ટેલિજન્સ બ્યુરોના સ્પેશિયલ ડિરેક્ટર તરીકે તેમણે આતંકવાદ સામેની લડાઈ અને વ્યુહાત્મક જોખમ વચ્ચેના ક્ષેત્રમાં કામ કર્યુ. અને અફઘાનિસ્તાન તથા બાંગ્લાદેશમાં વિવિધ જવાબદારીઓ પૂર્ણ કરી હતી.
આ ગુપ્તચર વિભાગના ભૂતપૂર્વ સ્પેશિયલ ડિરેક્ટર યશોવર્ધન આઝાદ દ્વારા લખાયેલા "પોલીસીંગ ધ રીપબ્લિક" નામના પુસ્તકનું ૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ નવી દિલ્હીમાં વિધિવત લોકાપર્ણ કરવામાં આવનાર છે. દેશના સૌથી અનુભવી કાયદા અમલીકરણ સુકાનીએ એમના અનુભવના આધારે આ પુસ્તકમાં ભારતની પોલીસ વ્યવસ્થા, ગુપ્તચર તંત્ર, રાષ્ટ્રીય સુરક્ષાના પડકારો અને લોકશાહી સંસ્થાઓના મોટો ખુલાસો કર્યો છે.
યશોવર્ધન આઝાદે તેમના પુસ્તક "પોલીસીંગ ધ રીપબ્લિક" માં ભારતીય પોલીસ વ્યવસ્થા, ભ્રષ્ટાચાર, રાજકારણના અપરાધીકરણ, આતંકવાદ, બળવાખોરી, ગુપ્તચર કામગીરી, શાસન અને રાષ્ટ્રીય સુરક્ષાનું એક શક્તિશાળી અને સ્પષ્ટ વિશ્લેષણ રજૂ કર્યું છે. પોતાના અંગત અનુભવના આધારે, તેમણે ખુલાસો કર્યો છે કે કેવી રીતે રાજકીય દખલગીરી, વ્યાપક ભ્રષ્ટાચાર અને નબળી સંસ્થાઓએ ન્યાયને નબળો પાડીને, ભારતના નાગરિકોને આપવામાં આવેલા લોકશાહીના આદર્શોને પાંગળા કર્યા છે.
આ પુસ્તક માત્ર એક સંસ્મણ નથી, પણ આધુનિક ભારતના માળખાકીય પડકારોનું એક ગહન અને વિચાર માંગી લે તેવું વિશ્લેષણ છે. ઉપરાંત પુસ્તકમાં યશોવર્ધન આઝાદે અધિકારપૂર્વક ભારતના આંતરિક સુરક્ષા તંત્રના વિકાસની ચર્ચા કરી છે. પોલીસ અને ગુપ્તચર એજન્સીઓની કામગીરીની સમીક્ષા કરી છે અને અર્થપૂર્ણ સંસ્થાગત સુધારા માટે વ્યવહારુ તથા નીતિગત ઉકેલો રજૂ કર્યા છે.
સિવીલ સર્વિસ અને UPSC ના ઉમેદવારો, નીતિ ઘડનારાઓ, પોલીસ અને સુરક્ષા અધિકારીઓ, રાજ્યશાસ્ત્રના વિદ્યાર્થીઓ તેમજ ભારતીય રાજકારણ અને વહીવટમાં રસ ધરાવનારાઓ માટે આ પુસ્તક ખૂબ જ ઉપયોગી છે. જેમાં જાણવા મળશે ભારતીય તંત્ર કઈ રીતે કામ કરે છે? અને તેને ભવિષ્યમાં વધુ મજબૂત કેવી રીતે બનાવી શકાય? તેની આ પુસ્તકમાં અદ્ભુત સમજણ આપવામાં આવી છે.




