
૧૫ મિનિટમાં બનેલી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ વિસનગરની જ્વેલર્સમાંથી ધોળેદિવસે રૂ.૯.૫૨ લાખનાં ઘરેણાં-રોકડ ચોરાયાં દુકાનદારના પિતાને વાતોમાં પરોવી ત્રણ મહિલાઓએ બેગ તફડાવી લીધી : વેપારીએ ફરિયાદ નોંધાવી
વિસનગર શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા ત્રણ ટાવર વિસ્તારમાં સોના-ચાંદીની દુકાનમાંથી ૩ અજાણી મહિલાઓ માત્ર ૧૫ મિનિટમાં સોના-ચાંદીનાં ઘરેણાં અને રૂ.૨.૫૦ લાખ રોકડ રકમ મળી કુલ રૂ. ૯.૫૨ લાખની મત્તા ભરેલી થેલી ચોરી જતાં વેપારી આલમમાં ચકચાર મચી ગઈ છે.વિસનગરના એમ.એન.કોલેજ રોડ પર આવેલી ઉમિયાનગર સોસાયટીમાં રહેતા અને ત્રણ ટાવર અંદર સન્માન જ્વેલર્સમાં વેપાર કરતા પ્રકાશભાઈ દશરથલાલ પટેલ શનિવારે સવારે ઘરેથી કાળા રંગની બેગમાં રૂ.૨,૫૦,૦૦૦ રોકડ રકમ તેમજ સોનાની વીંટી, કાનની ચેઈન, બુટ્ટી, બેસલેટ (લકી), કાચબો તથા ચાંદીના સિક્કા, લકી અને ડબ્બી મળી કુલ રૂ.૯,૫૨,૪૦૦નો કિંમતી સામાન લઈને દુકાને આવ્યા હતા અને બેગ તિજાેરી પાસે મૂકી હતી. સવારે દસેક વાગ્યે તેમના વૃદ્ધ પિતા દશરથલાલ દુકાને બેસવા આવ્યા હતા. સવારે અગિયારેક વાગ્યે પ્રકાશભાઈ તેમના મિત્ર સાથે નજીકની વાસણની દુકાને ગયા હતા, ત્યારે જ્વેલર્સ પર તેમના પિતાજી એકલા હાજર હતા. આ તકનો લાભ ઉઠાવી સવારે ૧૧:૧૫થી ૧૧:૩૦ વાગ્યાના ગાળામાં ૩ અજાણી મહિલાઓ ગ્રાહકના સ્વાંગમાં દુકાનમાં આવી હતી. તે પૈકીની બે મહિલાઓએ વેપારીના પિતાને વાતોમાં પરોવી રાખી તેમની નજર ચુકવી હતી, જ્યારે ખૂણામાં બેઠેલી ત્રીજી અજાણી મહિલાએ તિજાેરી પાસે મૂકેલી ઘરેણાં અને રોકડ ભરેલી કાળા કલરની બેગ સેરવી લીધી હતી અને ત્રણેય મહિલાઓ સરકી ગઈ હતી. પ્રકાશભાઈ દુકાને પરત આવતાં બેગ ગાયબ જણાતાં પિતાજીને પૂછપરછ કરી હતી, પરંતુ તેઓ અજાણ હોવાનું જણાવતાં સીસીટીવીના ફૂટેજ ચેક કરતાં મહિલા ત્રિપુટીની આ ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી સ્પષ્ટપણે કેદ થયેલી હતી. બનાવ અંગે ખાતરી-તપાસ કર્યા બાદ પ્રકાશભાઈ પટેલે વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ત્રણ અજાણી મહિલાઓ સામે ગુનો નોંધી પીએસઆઈએ સીસીટીવી ફૂટેજના આધારે તસ્કર મહિલાઓની શોધખોળ હાથ ધરી છે.




