
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા) સુરત.
સંસદમાં સોમવારે ચોમાસુ સત્રનો પ્રથમ દિવસ હતો. ત્યારે બીજી બાજુ દિલ્હીના જંતર-મંતર પર કેન્દ્રિય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગણી સાથે હજારો ઝેન-ઝી (યુવાનો)એ ભેગા થઈને દિલ્હીના આંદોલન સ્થળ જંતર-મંતરે થી સંસદ સુધી માર્ચ કરી હતી. અને સવારથી શરૂ થયેલી આ માર્ચને રોકવા માટે જંતર-મંતરેથી જ પોલીસ ધ્વારા લાઠીચાર્જ કરવાની શરૂઆત કરવામાં આવતા ભાગાભાગી સાથે અફરાતરફી મચી જતાં હંગામો શરૂ થઈ ગયો હતો.
સાથે સાથે ટીયરગેસના સેલ પણ છોડવામાં આવતા અનેક યુવાનો ઘાયલ થયા હોવા છતાં યુવાનોએ હાર માની ન હતી. ઉપરાંત આટલી મોટી સંખ્યામાં યુવાનોને આવતા જોઈને સંસદના કેટલાક એન્ટ્રી ગેટ બંધ કરવા પડયા હતા. આ આંદોલનમાં દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યા માં યુવાનો દિલ્હી પહોંચીને આંદોલનમાં જોડાયા હતા. જેને રોકવા મોદી સરકારે આકાશ પાતાળ એક કરી બધાજ પ્રકારના ઉપાયો કરવામાં પાછી પાની કરી ન હતી. જેમાં જેમર લગાવી નેટવર્ક જામ કરી દેવામાં આવ્યું હતું. જ્યારે કેટલાક યુવાનો મેટ્રોનો ઉપયોગ કરીને આંદોલનમાં જોડાવા જઈ રહ્યા હોવાની જાણ થતાં દિલ્હીના મેટ્રો સ્ટેશનો પણ બંધ કરવા પડયા હતા.
આમ નીટ-યુજીનું પેપર લીક થયા બાદ યુવાનોમાં રોષ વધવા લાગ્યો હતો. આ દરમ્યાન કોકરોચ જનતા પાર્ટીની રચના થઈ અને બાદમાં અનેક લોકો જુદા-જુદા સ્થળેથી આંદોલનમાં ભેગા થવા લાગ્યા હતા. અને સોમવારે સંસદ ચલો માર્ચમાં સૌથી વધુ સંખ્યા જોવા મળી સાથે આંદોલન ના પ્રણેતા અભિજીત દીપકે સહિત અનેક લોકોની પોલીસ ધ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી.
જ્યારે અનેક વિદ્યાર્થીઓ, યુવાનો પોલીસના લાઠીચાર્જમાં ઘાયલ થયા હતા. આ કાર્યવાહી દરમ્યાન પોલીસ જવાનો પણ ઘાયલ થયા હતા. બીજી તરફ આ આંદોલનમાં સામેલ અને હાલ દિલ્હીની હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચૂકે જાહેરાત કરી છે કે તેઓ પોતાની ભૂખ હડતાળ નહીં તોડે અને ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું ના આપે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે.
દરમિયાન આંદોલનમાં સામેલ કોકરોચ જનતા પાર્ટીના બે આગેવાનો કેન્દ્રિય સ્વાસ્થય મંત્રી જે.પી.નડ્ડા ને મળ્યા હતા. અને સરકારને આ મામલે આવેદન આપવામાં આવ્યું છે. પરંતુ સરકાર તરફથી કોઈ પ્રત્યુત્તર આપવામાં આવ્યો નથી. આમ લોકશાહી દેશમાં હકની વાત કરનારાઓ અને, હકકની લડાઈ લડનારાઓને મળે છે બર્બરતા પૂર્વકનો લાઠીમાર અને ટીયર ગેસના સેલથી આંસુ વહાવવાનો એક માત્ર માર્ગ.
અત્રે ઉલ્લેખનીય છે કે જે પોલીસોએ કે સાદા ડ્રેસમાં રહેલા અન્યોએ વિદ્યાર્થીઓ ઉપર જે રીતે આડેઘડ લાઠી ચાર્જ કરી અને ટીયર ગેસ છોડી ગંભીર રીતે વિદ્યાર્થીઓને (યુવાન અને યુવતીઓને) ઘાયલ કરી લોહી લુહાણ કર્યા છે. એમને જનતા એક જ સવાલ પૂછે છે કે શું આજ વિદ્યાર્થીઓમા તમારા જ સંતાનો (લાઠીચાર્જ કરનારા અને એનો આદેશ આપનારાઓના) હોત અને એમની આ હાલત જોઈ તમને કેવી લાગણી થાત? એટલું આત્માના અવાજને પૂછવું જોઈએ કે વિદ્યાર્થીઓની વેદના શું હોય છે? ત્યારે આવી સંવેદનહિન સરકાર માટે આનાથી બીજી શરમજનક બાબત શું હોઈ શકે?




