
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ દમન અંગે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગઈકાલે મોદી સરકારે આપણા દેશના માસૂમ બાળકો અને યુવાનો પર જે નિર્દયતાથી હુમલો કર્યો છે તે અત્યંત શરમજનક છે, જેનાથી અંગ્રેજો પણ શરમાઈ જાય. સોશિયલ મીડિયા પર યુવાનો પર થયેલા લાઠીચાર્જ, ટીયર ગેસના ગોળા અને ખોટા કેસ દાખલ થવાના વિડીયો જોઈને કાળજું કંપી ઉઠે છે. જે વાલીઓના બાળકો ગુમ છે અથવા જેમના પર ખોટી એફઆઈઆર (FIR) થઈ છે, તેમની મદદ માટે આમ આદમી પાર્ટીએ સ્પેશિયલ લીગલ અને મેડિકલ ટીમ તૈયાર કરી છે. કોઈ પણ પ્રકારની કાનૂની મદદ માટે 85888-33548 નંબર પર મેસેજ કરવાથી તુરંત કોલ બેક આવશે અને જરૂર પડશે તો દેશના શ્રેષ્ઠ વકીલો રોકીને પણ બાળકોને ન્યાય અપાવાશે. કેજરીવાલે ઉમેર્યું કે તેઓ હોસ્પિટલમાં દાખલ ઘાયલ યુવાનોના હાલચાલ પૂછવા જઈ રહ્યા છે અને ત્યારબાદ પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન જઈને કયા-કયા બાળકોને કઈ જેલમાં રાખવામાં આવ્યા છે તેની સંપૂર્ણ માહિતી મેળવશે.
અરવિંદ કેજરીવાલે વધુમાં સ્પષ્ટતા કરી કે, તેઓ પંજાબના પૂર્વ નિર્ધારિત કામમાં વ્યસ્ત હોવાથી સંસદ માર્ચમાં વ્યક્તિગત રીતે આવી શક્યા નહોતા, પરંતુ તેમના બંને બાળકો પોતે ચાર-પાંચ કલાક સુધી આંદોલનમાં યુવાનો સાથે ખભેથી ખભો મિલાવીને ટીયર ગેસના ગોળા વચ્ચે ઊભા રહ્યા હતા. ૧૪૦ કરોડ દેશવાસીઓ આપણો એક જ પરિવાર છે અને આપણે સહુએ મળીને આ અન્યાય સામે લડવું પડશે. આપણી માંગણીઓ બિલકુલ ન્યાયસંગત છે; દેશમાં એક યોગ્ય શિક્ષણ વ્યવસ્થા હોવી જોઈએ, પરીક્ષાઓ પારદર્શક રીતે લેવાવી જોઈએ અને પેપર લીક થતા અટકવા જોઈએ. કોઈપણ જવાબદાર સરકારની આ પ્રાથમિક ફરજ હોય છે. પરંતુ પોતાની જવાબદારી નિભાવવાને બદલે હક માંગતા બાળકો પર આંસુ ગેસના ગોળા છોડવા અને લાઠીચાર્જ કરવો એ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં.




