
આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ વિડિયો સંદેશ દ્વારા માહિતી આપતા જણાવ્યું છે કે, ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં તારીખ ૨૭/૦૭/૨૦૨૬, સોમવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે છોટાઉદેપુરના ફતેપુરા બસ સ્ટેશન પાછળ આવેલા ખુલ્લા મેદાનમાં એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં ગામે-ગામ અને ઘરે-ઘરે જઈને ’આપ’ ના આગેવાનો દ્વારા ચાલી રહેલા હસ્તાક્ષર અભિયાન અંતર્ગત લાખો લોકોના સમર્થન પત્રો એકત્રિત કરવામાં આવ્યા છે.
આવતીકાલે આ જનસભા બાદ સૌ સાથે મળીને છોટાઉદેપુર કલેક્ટરને આવેદનપત્ર સોંપશે, જેમાં મહામહિમ રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને રજૂઆત કરવામાં આવશે કે ચૈતરભાઈ વસાવા સામે ખોટા કેસો કરીને તેમને ફસાવવામાં આવ્યા છે. આથી, આમ આદમી પાર્ટી દ્વારા છોટાઉદેપુરની તમામ જનતા, ભાઈઓ, બહેનો અને યુવા મિત્રોને આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે.




