
(નીડર,નિષ્પક્ષ,તટસ્થ છગનલાલ મેવાડા) સુરત.
દેશભરમાં માત્ર ઝેન-ઝી જ નહીં પણ આબાલવૃધ્ધ સૌ સડેલી શિક્ષણ સિસ્ટમ સામે આક્રોશિત પણ છે અને આંદોલિત પણ છે ત્યારે રાષ્ટ્રની પ્રજાની નાડ પારખવાને બદલે જો સરકાર તેને રાજકીય ત્રાજવે જ તોલશે તો એ તેની મોટી ખામી ગણાશે.
આજે દેશમાં સૌથી મોટો પ્રશ્ન એ નથી કે NEETનું પેપર કોણે લીક કર્યું? સવાલ એ છે કે લાખો વિદ્યાર્થીઓનો વિશ્વાસ કોણે લીક થવા દીધો? એક એવી પરીક્ષા જેના પરિણામ પર ડોક્ટરની આગામી પેઢી ઊભી થવાની છે, તેની વિશ્વાસનિયતા વારંવાર સવાલોના ઘેરામાં આવે અને સરકાર હજુ પણ તેને માત્ર “પ્રશાસનિક ખામી” તરીકે રજૂ કરવાનો પ્રયત્ન કરે તો આ વલણ પોતે જ સમસ્યાનો ભાગ બની જાય છે.
NEET માત્ર એક પ્રવેશ પરીક્ષા નથી, તે ગરીબ, મધ્યમવર્ગીય અને ગામડાના વિદ્યાર્થીઓ માટે સામાજિક ઉન્નતિનું સૌથી મોટું ધ્વાર છે. કોઈ ખેડૂત પોતાના ખેતર વેચી ને સંતાનને કોચિંગ અપાવે છે,કોઈ મજૂર વધારાની મજૂરી કરીને ફી ભરે છે, કોઈ વિદ્યાર્થી વર્ષો સુધી રૂમમાં બંધ રહીને તૈયારી કરે છે. પરંતુ જ્યારે પેપર લીકના સમાચાર આવે છે, ત્યારે આ વિદ્યાર્થીઓને એવું લાગે છે કે તેમની મહેનત કરતાં ગરેકાયદેસર નેટવર્ક વધુ શક્તિશાળી છે.
ભારતની સૌથી મોટી મૂડી તેની યુવા શક્તિ છે. જોઆ યુવાનોને એવું લાગવા માંડશે કે સફળતા મહેનતથી નહીં પરંતુ ભ્રષ્ટાચારથી મળે છે, તો દેશની લોકશાહી, અર્થવ્યવસ્થા અને સંસ્થાઓ ત્રણેય માટે તે ખતરનાક સંકેત હશે.
આજે દેશને તપાસ સમિતિ નહીં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાની રાજકીય ઈચ્છાશક્તિ જોઈએ છે. NEET કૌભાંડ કોઈ એક વર્ષનો અકસ્માત નથી. તે વર્ષોથી વધતી આવેલી બેદરકારીનું પરિણામ છે. હવે સરકાર પાસે બે જ રસ્તા છે. એક લોકોને પકડીને મામલો ઠંડો કરવો અથવા પરીક્ષા પ્રણાલીમાં સુધારા કરી યુવાનોને ન્યાય અપાવવો.




