
NEET પેપર લીક મામલે દેખાવોનો મામલો લાલુના પુત્ર તેજ પ્રતાપ યાદવને ૧૪ દિવસની જેલ પટના પોલીસે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા હતા, જ્યાંથી ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા NEET પેપર લીક અને વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં શનિવારે બોલાવવામાં આવેલા બિહાર બંધ દરમિયાન પ્રદર્શન અને પોલીસ સાથેના ઘર્ષણ મામલે RJD પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના મોટા દીકરા તેજ પ્રતાપ યાદવને જેલભેગા કરવામાં આવ્યા છે. પટના પોલીસે તેમની ધરપકડ કર્યા બાદ શનિવારે મોડી સાંજે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા હતા. જ્યાંથી તેમને ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, તેજ પ્રતાપ યાદવ બંધના સમર્થનમાં વિદ્યાર્થીઓ સાથે પટનાના રામગુલામ ચોક પહોંચ્યા હતા અને રસ્તા પર ધરણાં પર બેસી ગયા હતા. જ્યારે તેઓ વિદ્યાર્થીઓ સાથે ડાક બંગલા ચોક તરફ કૂચ કરી રહ્યા હતા, ત્યારે એક્ઝિબિશન રોડ પાસે પોલીસે તેમને અટકાવીને કસ્ટડીમાં લીધા હતા. જાેકે, બાદમાં સાંજે તેજ પ્રતાપ પટનાના એક મોલમાં હાજર હતા, ત્યારે પટના પોલીસની એક ટીમ ભારે પોલીસ બંદોબસ્ત સાથે ત્યાં પહોંચી હતી અને તેમની ધરપકડ કરી પોતાની સાથે લઈ ગઈ હતી. પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવાતી વખતે તેજ પ્રતાપ યાદવ પોલીસ વાહનના દરવાજે લટકતા જાેવા મળ્યા હતા. તેમણે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે, “અમે વિદ્યાર્થીઓ સાથે ખભેખભો મિલાવીને ઊભા છીએ. જાે જરૂર પડશે તો હું વિદ્યાર્થીઓના અધિકારો માટે મારો જીવ આપવા પણ તૈયાર છું.” પ્રદર્શનમાં જાેડાતા પહેલા તેમણે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પણ દોહરાવી હતી.
બિહાર બંધ દરમિયાન ડાબેરી છાત્ર સંગઠનોએ પણ અનેક જિલ્લાઓમાં પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન કેટલીક જગ્યાએ પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. રાજધાની પટનામાં ડાક બંગલા ચોક પર પથ્થરમારાની ઘટના સામે આવી હતી, ત્યારબાદ પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી દીધી છે. જાેકે, પોલીસના જણાવ્યા મુજબ બંધની અસર સમગ્ર બિહારમાં એકસરખી ન હતી. નાલંદા, નવાદા, જહાનાબાદ અને રોહતાસ જેવા જિલ્લાઓમાં બંધની અસર પ્રમાણમાં ઓછી જાેવા મળી હતી.




