
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ એક વિડીયો મારફતે જણાવ્યુ હતું કે, વડાપ્રધાનશ્રીએ દેશભરમાં પેપર લીક સામે કડક કાયદા બનાવવા, ફાસ્ટ ટ્રેક કોર્ટ ઊભી કરવા અને દોષિતોને જેલભેગા કરવાની મોટી મોટી વાતો કરી હતી. તાજેતરમાં જ ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું ત્યારે પણ વડાપ્રધાને દેશને કડક પગલાં લેવાનું આશ્વાસન આપ્યું હતું. પરંતુ વડાપ્રધાનની આ વાતોની ગુજરાત સરકાર પર કોઈ અસર થઈ હોય તેમ લાગતું નથી. તાજેતરમાં જ ગુજરાત રાજ્યની આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા લેવાયેલી પરીક્ષામાં ‘શલ્યતંત્ર ભાગ-૧’નું પેપર લીક થઈ ગયું છે, જે દર્શાવે છે કે સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી.
’આપ’ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પેપર લીકની નવી પદ્ધતિનો પર્દાફાશ કરતા જણાવ્યું કે, આ વખતે આખું પેપર લીક કરવાના બદલે આયુર્વેદના વિદ્યાર્થીઓને વોટ્સએપ પર ‘મહત્વના પ્રશ્નો’ (IMP)ના નામે એડવાન્સમાં ૧૨ પ્રશ્નોનું લિસ્ટ મોકલી દેવાયું હતું. આશ્ચર્યજનક રીતે, વાસ્તવિક પરીક્ષામાં એ ૧૨માંથી ૧૧ પ્રશ્નો બેઠા પૂછાયા હતા. તેમણે સવાલ ઉઠાવ્યો કે વડાપ્રધાન ગમે તેટલા કડક કાયદા બનાવે, પણ જો ચોરી કરનારાઓને શાસક પક્ષનો જ સપોર્ટ હોય તો આ કૌભાંડ કેવી રીતે રોકાશે? તેમણે ઉમેર્યું કે પેપર લીક સામેની લડાઈ હજુ પૂરી થઈ નથી અને ગુજરાતના યુવાનોની કારકિર્દી બચાવવા માટે સૌએ એક થઈને અવાજ ઉઠાવવો પડશે.




