
(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા) સુરત
ભારતના કેટલાય રાજ્યોમાં તો પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે રાજસ્થાનના મેવાડ વિસ્તારમાં હજી જોઈએ એવો વરસાદ આવ્યો નથી. એવામાં મહિલાઓએ ઈન્દ્રદેવ ને રિઝવવા માટે સદીઓ જૂની અનોખી પરંપરા નિભાવી હતી.
શુક્રવારે સાંજે ભોઈવાડા ના રાજ માળી સમાજની મહિલાઓએ ઘરેથી પાણી ભરેલા માટલા લઈને રસ્તામાં સરઘસ કાઢયુ હતું. માટલા લઈને ગણગૌર ઘાટ પહોંચેલી મહિલાઓએ પહેલા ત્યાં આવેલા સરોવરની પૂજા અર્ચના કરી અને ઘૂઘરી નામની વાનગી નો ભોગ ધરાવ્યો. એ પછીથી ઘરે પાછા ફરતી વખતે એ માટલા મંદિરો અને દુકાનોની ચોખઠ પર ફેંકીને ફોડ્યા હતા.
આ પરંપરા પાછળ માન્યતા છે કે દુકાનદારો આ માટલા ફૂટવાથી ગુસ્સે થાય તો એ નારાજગી ઇન્દ્રદેવ સુધી પહોંચે છે અને તેઓ પણ ધરતી પર વરસવા આવી જાય છે. બીજી તરફ કેટલાક લોકો માને છે કે મહિલાઓ જે દુકાનની બહાર માટલું ફોડે એ દુકાનમાં સારી બરકત થાય છે.




