
ભારત અને જાપાન વચ્ચે રમાશે ઐતિહાસિક ટી૨૦ મેચ ભારત અને જાપાન વચ્ચે ઐતિહાસિક ટી૨૦ મુકાબલો ૨૨ સપ્ટેમ્બરે રમાશે : મેચ માટે ભારતીય ટીમ જાપાનનો પ્રવાસ કરશે
ભારત અને જાપાન વચ્ચે ઐતિહાસિક ક્રિકેટ મેચ રમાશે. ભારતીય ક્રિકેટ બોર્ડે શુક્રવારે જાપાન વિરુદ્ધ રમાનારા મુકાબલાનો કાર્યક્રમ જાહેર કર્યો છે.
આ મેચ ભારત અને જાપાનના રાજદ્વારી સંબંધોની ૭૫મી વર્ષગાંઠના જશ્નની શરૂઆત માટે રમાશે. મેચ ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૬ના તોચિગી પ્રાન્તના સાનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાશે.
મેચને લઈને બીસીસીઆઈ તરફથી કહેવામાં આવ્યું જાપાન ક્રિકેટ એસોસિએશન અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને તે જાહેરાત કરતા ખુશી થઈ રહી છે કે ભારત-જાપાન રાજદ્વારી સંબંધોની ૭૫મી વર્ષગાંઠના જશ્નની શરૂાત માટે બંને દેશોની પુરૂષ ટીમો એક ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમશે.
મહત્વનું છે કે આ પ્રથમવાર હશે જ્યારે ભારત અને જાપાન વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તર પર કોઈ ફોર્મેટનો મુકાબલો રમાશે. આ ખરેખર રસપ્રદ મુકાબલો હશે. એક તરફ દુનિયાની ટોપ ટીમોમાં સામેલ ભારતીય ટીમ હશે. બીજીતરફ ક્રિકેટમાં હજુ પાપાપગલી કરી રહેલી જાપાનની ટીમ હશે.
રિલીઝમાં આગળ કહેવામાં આવ્યું આ મેચ સ્પોર્ટ ૭૫ નું પ્રથમ પગલું હશે. આ પહેલ જાપાનના પ્રધાનમંત્રી સનાએ તાકાઇચી અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે એક બેઠકમાં થયેલી સમજુતિથી શરૂ થઈ છે. તેનો ઉદ્દેશ્ય રમતના ક્ષેત્રમાં ભારત અને જાપાન વચ્ચે લોકોના આપસી આદાન-પ્રદાન અને સહયોગ વધારવાનો છે, સાથે ૨૦૩૬મા ઓલિમ્પિક અને પેરાલિમ્પિક રમતોની યજમાની કરવાની ભારતની મહત્વકાંક્ષાને ધ્યાનમાં રાખવાનો છે.
મેચને લઈને બીસીસીઆઈ સચિવ દેવજીત સૈકિયાએ કહ્યુ બોર્ડ આ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બની ખુશ છે, કારણ કે ભારત અને જાપાનની પુરૂષ ટીમો જાપાનમાં એક ખાસ આંતરરાષ્ટ્રીય ટી૨૦ મેચ માટે એક સાથે આવી રહી છે. આ ક્રિકેટ માટે એક મહત્વની ક્ષણ છે. તેનાથી ભારતીય ટીમ એક નવી જગ્યાએ જઈ રહી છે અને જાપાન તથા પૂર્વ એશિયામાં વધુ લોકો સુધી આ રમતને પહોંચાડવાની તક મળી રહી છે.




