
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કરે એક વિડીયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આપને જાણીને આશ્ચર્ય થશે કે 71% બાળકો કુપોષણના શિકાર છે. નાના, મધ્યમ અને ગરીબ પરિવારો જે મજૂરી કરીને આપણા માટે મોટા મોટા બિલ્ડિંગો બનાવે છે, એ મજૂર પરિવારોના બાળકો આજે કુપોષણના શિકાર છે. નથી એમને પૂરતું ખાવાનું મળી રહ્યું કે નથી એમનું આંગણવાડીમાં રજીસ્ટ્રેશન થતું, આ સિવાય જે મોટી મોટી ગ્રાન્ટો અને ફંડ હોય છે એની સહાય પણ આ પરિવારો અને તેના બાળકો સુધી પહોંચતી નથી. આ લોકોને સ્વાસ્થ્યની પણ યોગ્ય સુવિધાઓ નથી મળતી. આવા પરિવારોનો ખૂબ જ મોટો વર્ગ છે.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા હિમાંશુ ઠક્કરે જણાવ્યું હતું કે, આ મજૂર અને ગરીબ પરિવારના બાળકો જો કુપોષણના શિકાર બનશે તો આવનાર ભવિષ્ય કેવું તૈયાર થશે? અને કઈ રીતે દેશમાં સ્વસ્થ, સશક્ત અને તંદુરસ્ત બાળકો આગળનું ભવિષ્ય બનાવશે? સરકારે આ મુદ્દા પર ગંભીરતાથી વિચાર કરવાની જરૂરત છે. ઝૂંપડામાં અને કાચા મકાનોમાં રહેતા તથા વારંવાર જેમનું સ્થળાંતર થતું હોય છે એવા લોકોની સંખ્યા ખૂબ જ મોટી છે, તો એમના સ્વાસ્થ્ય માટે પણ કંઈક વિચાર થવો જોઈએ. ભ્રષ્ટાચાર ઓછો થવો જોઈએ અને જે વ્યવસ્થા બની છે એની સુવિધા લોકો સુધી પહોંચવી જોઈએ.



