
એવું કંઈ જ નથી, પણ નસીબનો સાથ જરૂરી… ટીમ ઇન્ડિયામાં સિલેક્શન મુદ્દે શિખર ધવનનો જવાબ શ્રીનગરમાં શિખર ધવને ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગી અંગેના પક્ષપાતના આક્ષેપોને નકારી કાઢ્યા છે ભારતીય ક્રિકેટ ટીમના સિલેક્શનમાં પ્રદેશ કે ક્ષેત્રના આધારે પક્ષપાત થતો હોવાના સવાલો પર ટીમના પૂર્વ દિગ્ગજ ઓપનર શિખર ધવને સ્પષ્ટ અને ખુલ્લો જવાબ આપ્યો છે. શ્રીનગરમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે ધવનને પૂછવામાં આવ્યું કે શું જમ્મુ-કાશ્મીરના ખેલાડીઓ સાથે ભેદભાવ થાય છે કારણ કે તેમને પૂરતી તકો મળતી નથી, ત્યારે ભારતના આ પૂર્વ ઓપનરે ક્ષેત્રીય ભેદભાવની વાતને સંપૂર્ણપણે નકારી કાઢી હતી. જાેકે, તેણે સ્વીકાર્યું હતું કે સિલેક્શન પ્રક્રિયામાં ક્યારેક નસીબ પણ ભાગ ભજવે છે.
“ના, ચોક્કસપણે કોઈ ભેદભાવ થતો નથી. જાે તમે સારું રમશો તો આખી દુનિયામાં કોઈ તમને બહાર નહીં રાખી શકે. તમારો ખેલ જ તમારી ઓળખ બને છે. ક્યારેક કિસ્મત પણ ભૂમિકા ભજવે છે. આ વાત માત્ર જમ્મુ-કાશ્મીર પૂરતી મર્યાદિત નથી. દિલ્હીનો છોકરો હોય કે મુંબઈનો, તમને એવા અસંખ્ય ઉદાહરણો મળશે જ્યાં કોઈ ખેલાડી તકનો હકદાર હતો છતાં તેને તક ન મળી અને તેની જગ્યાએ કોઈ અન્યને પસંદ કરી લેવામાં આવ્યો. આ રમતનો જ એક ભાગ છે.”
આ પ્રેસ કોન્ફરન્સ પ્રો સ્ટાર ક્રિકેટ લીગની બીજી સિઝનની સત્તાવાર જાહેરાત માટે બોલાવવામાં આવી હતી. આ ટુર્નામેન્ટ આગામી વર્ષે માર્ચના પ્રથમ સપ્તાહમાં શ્રીનગરથી શરૂ થશે અને તેની ફાઇનલ મેચ દહેરાદૂનમાં રમાશે. આ લીગમાં શિખર ધવન અને જમ્મુ-કાશ્મીરના ઓલરાઉન્ડર પરવેઝ રસૂલને આઇકોનિક ખેલાડી જાહેર કરવામાં આવ્યા છે.
પરવેઝ રસૂલે વર્ષ ૨૦૧૪માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું અને તેણે ૧ વનડે તેમજ ૧ T20I મેચ રમી છે. ભારત અને IPL રમી ચૂકેલા પરવેઝ રસૂલ તેમજ સ્પીડસ્ટાર ઉમરાન મલિક(જેણે ૨૦૨૩માં ડેબ્યૂ કરીને ૧૦ વનડે અને ૮ T20I રમી છે)નો ઉલ્લેખ કરતાં ધવને કહ્યું કે આ ખેલાડીઓને ઉત્તમ પ્લેટફોર્મ મળ્યું છે, પરંતુ સૌથી મહત્ત્વપૂર્ણ એ છે કે ખેલાડી તે સ્તરે સતત સારું પ્રદર્શન કરતો રહે. નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીરના અત્યાર સુધી માત્ર ત્રણ ક્રિકેટર—પરવેઝ રસૂલ, ઉમરાન મલિક અને આકિબ નબી—રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવી શક્યા છે.
પ્રો સ્ટાર ક્રિકેટ લીગના કમિશનર અને ભારતના પૂર્વ ક્રિકેટર તેમજ જાણીતા કોમેન્ટેટર આકાશ ચોપડાએ જણાવ્યું કે ખેલાડીઓની પસંદગીમાં નસીબનો ફાળો હોય છે, પરંતુ ભારતીય ક્રિકેટમાં સ્પર્ધા અત્યંત આકરી છે. આ વિશે આકાશ ચોપડાએ ઉમેર્યું હતું કે: “નસીબનો રોલ હોય છે, પરંતુ તમારા નિયંત્રણમાં માત્ર સખત મહેનત કરવી અને સતત શ્રેષ્ઠ પ્રદર્શન આપવું જ છે. ભારતીય ક્રિકેટ અત્યારે એવા મોડ પર છે જ્યાં જાે તમારી પાસે વાસ્તવિક પ્રતિભા હશે તો તે તમને મંચ જરૂર આપશે.




