
શિવમહાપુરાણ અનુસાર ભગવાન શ્રી ગણેશની દિવ્ય ઉત્પત્તિ અને લીલાકથા
શિવમહાપુરાણની રૂદ્રસંહિતા અંતર્ગત આવેલ કુમારખંડમાં વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીના પ્રાગટ્યની અત્યંત પાવન અને દિવ્ય કથા વર્ણવવામાં આવી છે.પુરાણોમાં વર્ણવ્યા અનુસાર કલ્પભેદથી ગણેશજીના જન્મની વિવિધ કથાઓ પ્રાપ્ત થાય છે.એક કલ્પમાં શનિદેવની વક્ર દ્રષ્ટિ પડવાથી ગણેશજીનું મસ્તક છેદાઈ ગયું હતું અને તેમના પર હાથીનું મસ્તક જોડવામાં આવ્યું હતું પરંતુ વર્તમાન શ્વેતવરાહ કલ્પમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની અદભૂત લીલા દ્વારા ગણેશજીનો જન્મ કેવી રીતે થયો, તેમનો શિરચ્છેદ અને પુનર્જીવન કેવી રીતે થયું તેનું અત્યંત રોચક અને અધ્યાત્મથી સભર વર્ણન શિવમહાપુરાણમાં મળે છે.
સ્વતંત્ર ગણની આવશ્યકતા અને ગણેશજીનું નિર્માણ..
ભગવાન શંકર સૃષ્ટિના આદિ કારણ,સગુણ અને નિર્ગુણ પરબ્રહ્મ છે,તેમના વિવાહ પશ્ચાત જ્યારે તેઓ કૈલાસ પર્વત પર વિરાજમાન હતા ત્યારે એક સમયે જગતજનની માતા પાર્વતી પોતાની પ્રિય સખીઓ જયા અને વિજયા સાથે ચર્ચા કરી રહ્યાં હતાં.સખીઓએ મા પાર્વતીને નિવેદન કર્યું કે હે દેવી ! નંદી,ભૃંગી,મહાકાળ વગેરે સમસ્ત પ્રમથગણો કેવળ ભગવાન શિવની આજ્ઞાનું પાલન કરનારા છે,તેઓ શિવજીના આદેશ વગર દ્વાર પર કોઈને અટકાવતા નથી.આપણું પોતાનો કોઈ સ્વતંત્ર ગણ નથી જે ફક્ત આપણી આજ્ઞાનું પાલન કરે,તેથી આપે પણ એક એવા ગણની રચના કરવી જોઈએ જે માત્ર આપના પ્રત્યે સમર્પિત હોય. માતા પાર્વતીને આ વિચાર અત્યંત યોગ્ય લાગ્યો.એક દિવસ જ્યારે મા પાર્વતી સ્નાન કરવા માટે જઈ રહ્યાં હતાં ત્યારે તેમણે પોતાના શરીરના દિવ્ય મર્દન-ઉબટનમાંથી સર્વલક્ષણ સંપન્ન,અત્યંત સુંદર, મહાબળવાન,વિશાળકાય અને પરાક્રમી બાળકની આકૃતિ બનાવી,તેમાં પ્રાણ પૂરીને એક દિવ્ય પુત્રનું નિર્માણ કર્યું.માતા પાર્વતીએ તેમને ઉત્તમ વસ્ત્રો,દિવ્ય આભૂષણો અને શ્રેષ્ઠ આશીર્વાદ આપ્યા.ગણેશજીએ માતાને પ્રણામ કરીને પૂછ્યું હે મા ! મારા માટે શો આદેશ છે? માતા પાર્વતીએ તેમના હાથમાં એક દંડ-લાઠી આપીને કહ્યું કે હે પુત્ર ! આજથી તું મારો દ્વારપાળ છે.મારી સંમતિ વગર કોઈપણ વ્યક્તિ અંદર પ્રવેશ કરી શકવી જોઈએ નહીં.
શિવજી સાથે ગણેશજીનો અજ્ઞાત સંગ્રામ..
જ્યારે માતા પાર્વતી સ્નાન કરી રહ્યાં હતાં ત્યારે પરમ કૌતુકી ભગવાન શિવજી કૈલાસના પોતાના ભવન તરફ આવ્યા.બાલ ગણેશ પોતાના પિતા શિવજીના સ્વરૂપથી અજ્ઞાત હતા.માતાના આદેશનું અક્ષરસઃ પાલન કરતા બાળકે શિવજીને રોક્યા અને કહ્યું કુ હે દેવ ! મારી માતાની આજ્ઞા વગર આપ અંદર પ્રવેશ કરી શકો નહીં. ભગવાન શિવજીએ આશ્ચર્ય પામીને કહ્યું કે હે અજ્ઞાની બાળક ! તું કોને રોકી રહ્યો છે? તું મને ઓળખતો નથી? હું પાર્વતીનો પતિ શિવ છું અને આ મારૂં જ ઘર છે. આમ કહી જેવા શિવજી અંદર પ્રવેશ કરવા ગયા કે તુરંત બાળ ગણેશે પોતાની લાઠી વડે શિવજી પર પ્રહાર કર્યો.શિવજીએ પોતાના ગણોને આ બાળકની ઓળખ મેળવવા અને તેને સમજાવવા મોકલ્યા તથા સ્વયં એક કોશ દૂર જઈને એક શિલા પર બિરાજમાન થયા.
નંદી,ભૃંગી વગેરે શિવગણોએ આવીને બાળકને કહ્યું કે અમે ભગવાન શિવના મુખ્ય ગણ છીએ.તું અહીંથી હટી જા,નહિતર તારે યુદ્ધ કરવું પડશે પરંતુ ગણેશજી પોતાના ક્ષાત્રધર્મ અને માતૃભક્તિ પર દ્રઢ રહ્યા,તેમણે તમામ શિવગણો પર પ્રહાર કરીને તેમને પરાસ્ત કરી ભગાડી મૂક્યા.
દેવો-ઋષિઓ અને મહાવિનાશક યુદ્ધ..
શિવગણોની પરાજયના સમાચાર સાંભળીને શિવજીએ પોતાના પાર્ષદો,ઇન્દ્રાદિ દેવતાઓ,ભૂત-પ્રેત, પિશાચો અને ભગવાન વિષ્ણુને પણ યુદ્ધ મોરચે મોકલ્યા.બ્રહ્માજી સ્વયં શાંતિનો પ્રસ્તાવ લઈને ગયા પરંતુ ક્રોધિત ગણેશજીએ બ્રહ્માજીની દાઢી પકડી લીધી.બ્રહ્માજીએ ક્ષમા માંગીને શાંતિની વિનંતી કરી. આ ગંભીર પરિસ્થિતિ જોઈને માતા પાર્વતીએ પોતાના ગણની સહાયતા માટે બે પ્રચંડ શક્તિઓ
ઉત્પન્ન કરી.એક શક્તિએ કાળા પર્વત જેવું વિશાળ મુખ ફેલાવ્યું અને બીજી વિદ્યુત સમાન ચિરંતન તેજસ્વી મહાદેવી હતી.દેવતાઓએ છોડેલાં તમામ અસ્ત્ર-શસ્ત્ર આ શક્તિઓએ ગળી લીધાં.બાલ ગણેશના અદભૂત પરાક્રમ સામે ત્રિલોકના સમસ્ત દેવતાઓ અને શિવગણો નિષ્ફળ સાબિત થયા.
છેવટે ભગવાન વિષ્ણુએ વિચાર્યું કે આ બાળક છળ વગર પરાસ્ત થઈ શકે તેમ નથી.ભગવાન વિષ્ણુએ પોતાની માયાથી બાળ ગણેશનું ધ્યાન ભંગ કર્યું.આ તકનો લાભ લઈને ભગવાન શિવજીએ પોતાના પિનાક ધનુષ્ય અને ત્રિશૂળના પ્રહારથી બાળ ગણેશનું મસ્તક છેદી નાખ્યું.
જગદંબાનો ક્રોધ અને દેવતાઓની સ્તુતિ..
પોતાના પુત્રનો શિરચ્છેદ થયેલો જોઈ માતા પાર્વતી અત્યંત કોપાયમાન થયાં,તેમણે પ્રલય લાવવા માટે કરોડો શક્તિઓને પ્રગટ કરી.આ શક્તિઓએ સમગ્ર ચરાચર જગતમાં હાહાકાર મચાવી દીધો.અગ્નિ જેમ સુકા ઘાસને બાળી મૂકે તેમ આ શક્તિઓ સંહાર કરવા લાગી.બ્રહ્મા,વિષ્ણુ અને શિવજી સહિત સમસ્ત ત્રિલોક ભયભીત થઈ ગયું.
દેવતાઓની વિનંતીથી દેવર્ષિ નારદ અને ઋષિગણો માતા પાર્વતીની સ્તુતિ કરવા પહોંચ્યા.નારદજીએ કહ્યું કે હે જગદંબે ! આપ આદિશક્તિ છો,સૃષ્ટિનું સર્જન,પાલન અને સંહાર કરનારી પરાશક્તિ છો.આપ શાંત થાઓ,આપના ક્રોધથી ત્રણેય લોક ભસ્મીભૂત થઈ રહ્યા છે. માતા ચંડીકાએ શાંત થઈને શરત મૂકી કે જો મારો પુત્ર પુનઃ જીવિત થાય અને તેને સમસ્ત દેવતાઓમાં પ્રથમ પૂજ્ય તથા ગણોના અધ્યક્ષનો દરજ્જો આપવામાં આવે તો જ આ પ્રલય અટકશે અને શાંતિ સ્થપાશે.
ગણેશજીનું પુનર્જીવન અને પ્રથમ પૂજ્યતાનો અધિકાર..
ભગવાન શિવે કલ્યાણકારી આદેશ આપ્યો કે ઉત્તર દિશા તરફ જાઓ અને જે પણ પ્રાણી પ્રથમ મળે અને જેનું મોઢું દક્ષિણ તરફ ન હોય તેનું મસ્તક કાપીને લઈ આવો. શિવગણો ઉત્તર દિશા તરફ ગયા જ્યાં તેમને એકદંત ધરાવતો દિવ્ય હાથી મળ્યો.ગણોએ તે હાથીનું મસ્તક કાપીને બાળક ગણેશના ધડ પર ગોઠવી દીધું. ભગવાન શિવ,બ્રહ્માજી અને વિષ્ણુજીએ મંત્રોચ્ચાર કરી તેમાં પોતાનું તેજ પ્રવિષ્ટ કર્યું.બાળ ગણેશ સજીવન થઈ ઊઠ્યા.ભગવાન શિવે તેમને પોતાના સમસ્ત ગણોના સ્વામી બનાવી ગણેશ અને ગણાધ્યક્ષ; નામ આપ્યું.શિવજીએ આશીર્વાદ આપ્યા કેભાદ્રપદ માસના શુક્લ પક્ષની ચતુર્થી-ભાદરવા સુદ ચોથના દિવસે તમારો જન્મ થયો છે.આ દિવસે જે મનુષ્ય વ્રત-પૂજન કરશે તેના તમામ વિઘ્નો દૂર થશે અને મનોકામનાઓ પૂર્ણ થશે.
પૃથ્વી પરિક્રમા,બુદ્ધિચાતુર્ય અને વિવાહ..
સમય વિતતા ગણેશજી અને કાર્તિકેયજી મોટા થયા.માતા-પિતાએ તેમના વિવાહનો વિચાર કર્યો ત્યારે બંને ભાઈઓમાં પ્રથમ વિવાહ કોનો થાય તે અંગે સ્પર્ધા થઈ.ભગવાન શિવ અને માતા પાર્વતીએ શરત મૂકી કે તમારામાંથી જે સમગ્ર પૃથ્વીની પ્રદક્ષિણા સૌથી પહેલા કરીને આવશે તેનો વિવાહ પ્રથમ કરવામાં આવશે.આ સાંભળીને શ્રીકાર્તિકેયજી પોતાના વાહન મયૂર પર સવાર થઈને પૃથ્વી પરિક્રમા માટે નીકળી પડ્યા પરંતુ બુદ્ધિના દાતા ગણેશજીએ વિચાર્યું કે તેમનું વાહન મૂષક-ઉંદર છે અને તેઓ ભારે શરીરવાળા છે તેથી દોડમાં જીતવું સરળ નથી.ગણેશજીએ શ્રદ્ધાપૂર્વક માતા પાર્વતી અને પિતા શિવજીને એક આસન પર બેસાડી તેમની પૂજા કરી અને સાતવાર પ્રદક્ષિણા કરી.
જ્યારે માતા-પિતાએ પૂછ્યું ત્યારે વિદ્વાન ગણેશજીએ કહ્યું કે શાસ્ત્રો અને વેદોનો નિશ્ચય છે કે માતા- પિતાની પ્રદક્ષિણા કરવાથી સમુદ્રપર્યંત સમગ્ર પૃથ્વીની પ્રદક્ષિણા કરવાનું ફળ પ્રાપ્ત થાય છે.માતા-પિતાના ચરણ કમળ જ પુત્ર માટે સમસ્ત તીર્થો સમાન છે.
ગણેશજીની આ ઉત્તમ બુદ્ધિ અને માતૃ-પિતૃ ભક્તિથી પ્રસન્ન થઈને શિવ-પાર્વતીએ પ્રજાપતિ વિશ્વરૂપની બે દિવ્ય કન્યાઓ સિદ્ધિ અને બુદ્ધિ સાથે તેમના વિવાહ સંપન્ન કરાવ્યા.કાળક્રમે સિદ્ધિથી ક્ષેમ-શુભ અને બુદ્ધિથી લાભ નામના બે પુત્રોનો જન્મ થયો.જ્યારે કાર્તિકેયજી પૃથ્વી પરિક્રમા કરીને પાછા ફર્યા અને ગણેશજીના લગ્ન થઈ ગયાનું જાણ્યું ત્યારે તેઓ નારાજ થઈને ક્રૌંચ પર્વત પર ચાલ્યા ગયા.
આલેખન:
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)




