
દ્વાદશ જ્યોર્તિલિંગ પૈકીનું છઠ્ઠું ભીમાશંકર મહાદેવનું મંદિર પુનાથી ૧૨૭ કિમી દૂર સહ્યાદ્રીની
પર્વતમાળામાં ભીમા નદીના ઉદગમ સ્થાન પાસે આવેલું છે.
સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં ભગવાન શિવના દ્વાદશ પવિત્ર જ્યોતિર્લિંગોનું અત્યંત મહિમાવંત સ્થાનાંતર છે.આ બાર જ્યોતિર્લિંગો ભગવાન શિવના સાક્ષાત દિવ્ય પ્રગટીકરણના પ્રતીક મનાય છે જ્યાં મહાદેવ સ્વયં સ્વયંભૂ જ્યોતિ સ્વરૂપે બિરાજમાન થઈ ભક્તોના કલેશ દૂર કરે છે.દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્ર મુજબ "ભીમાશંકર એ આ ૧૨ પવિત્ર ધામો પૈકીનું છઠ્ઠું જ્યોતિર્લિંગ છે.
આ પવિત્ર ધામ મહારાષ્ટ્ર રાજ્યના પુણે જિલ્લાના ખેડ-રાજગુરૂ નગર તાલુકામાં આવેલું છે.પુણેના શિવાજી નગરથી આશરે ૧૨૭ કિલોમીટર દૂર પશ્ચિમ ઘાટની રમણીય સહ્યાદ્રિ પર્વતમાળાના ઉત્તુંગ શિખરો, ગીચ જંગલો અને વાદળોની વચ્ચે સ્થિત આ તીર્થધામ શ્રદ્ધાળુઓ માટે ભક્તિ-સાધના અને પ્રકૃતિનો અદભુત ત્રિવેણી સંગમ પૂરો પાડે છે.
ભૌગોલિક સ્થાન,પ્રાકૃતિક વાતાવરણ અને ભીમા નદીનું ઉદગમ.. ભીમાશંકર માત્ર એક પાવન ધાર્મિક સ્થાન નથી પરંતુ પ્રકૃતિપ્રેમીઓ,પર્વતારોહકો અને સાધકો માટે પણ પૃથ્વી પરનું સ્વર્ગ સમાન છે.સહ્યાદ્રિ પર્વતમાળાના ઊંચા શિખરો,બારેમાસ હરિયાળીથી આચ્છાદિત ગીચ વનરાજી,પર્વતો પરથી વહેતા કલકલ નિર્મળ ઝરણાં અને આકાશને આંબતા સફેદ વાદળો વચ્ચે આ
મંદિર શોભી રહ્યું છે.શહેરી કોલાહલ અને ધાંધલધમાલથી દૂર અહીં પહોંચતાં જ કોઈપણ વ્યક્તિના મનને એક અનોખી શાંતિ અને દિવ્યતાનો અનુભવ થાય છે.
આ પવિત્ર ક્ષેત્ર દક્ષિણ ભારતની અત્યંત મહત્વપૂર્ણ એવી ભીમા નદી; નું ઉદગમ સ્થાન પણ છે. ભીમાશંકરના પર્વતોમાંથી પ્રગટ થઈને ભીમા નદી અગ્નિ દિશા તરફ આગળ વધે છે અને આગળ જઈને કર્ણાટક તથા આંધ્રપ્રદેશના સીમાડા નજીક રાયચુર પાસે પવિત્ર કૃષ્ણા નદીમાં વિલીન થાય છે. ભીમાશંકર મંદિરની આસપાસનો સમગ્ર પ્રદેશ ભીમાશંકર વન્યજીવ અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો છે.આ ગીચ જંગલોમાં અનેક દુર્લભ વનસ્પતિઓ,ઔષધીય જડીબુટ્ટીઓ અને લુપ્તપ્રાય પ્રાણીઓ વસવાટ કરે છે.મહારાષ્ટ્રનું રાજ્ય પ્રાણી ગણાતી શેકરૂ વિશાળ ભારતીય ખિસકોલી ખાસ કરીને આ જંગલોમાં મુક્તપણે વિહરતી જોવા મળે છે.જંગલોની અવિરત હારમાળા,પર્વત શિખરો અને ભીમા નદીના નિર્મળ જળનો મધુર ગણગણાટ આ સમગ્ર વાતાવરણને સાચે જ દિવ્ય અને આહલાદક બનાવે છે. ભીમાશંકર મહાદેવનું મંદિર તેના પ્રાચીન અને અર્વાચીન સ્થાપત્યનો એક બેનમૂન નમૂનો છે.આ મંદિરનું બાંધકામ મુખ્યત્વે પ્રાચીન અને અર્વાચીન નાગર શૈલી માં કરવામાં આવ્યું છે.મંદિરના સૌથી પ્રાચીન ગર્ભગૃહ ભાગનું નિર્માણ આશરે ૧૩મી સદીમાં થયું હોવાનું મનાય છે.૧૩મી સદીના મરાઠી અને સંસ્કૃત સાહિત્યમાં ભીમાશંકર મંદિર તથા ભીમા નદીનો સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળે છે,ત્યારબાદ ૧૮મી સદીમાં મરાઠા સામ્રાજ્યના મંત્રી અને મુત્સદ્દી નાના ફડનવીસે આ મંદિરનો ભવ્ય જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને વિશાળ સભામંડપ તથા મંદિરના ઊંચા શિખરનું નિર્માણ કરાવ્યું હતું.અન્ય પ્રાચીન શિવ મંદિરોની જેમ આ મંદિરનું ગર્ભગૃહ પણ જમીનના નીચાણમાં આવેલું છે.શ્રદ્ધાળુઓએ સીડીઓ ઊતરીને ગર્ભગૃહમાં બિરાજમાન સ્વયંભૂ શિવલિંગના દર્શન કરવા જવું પડે છે.
મંદિરના વિશાળ પટાંગણમાં રોમન શૈલીનો એક અત્યંત આકર્ષક અને વિશિષ્ટ મોટો ઘંટ જોવા મળે છે.આ ઘંટ વીર ચિમાજી અપ્પા બાજીરાવ પેશ્વા પ્રથમના ભાઈ અને નાનાસાહેબ પેશ્વાના કાકા દ્વારા પોર્ટુગીઝો સામે વસઈના યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ ભીમાશંકર મહાદેવને ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યો હતો. મંદિરની લગોલગ કમલાજા દેવીનું પવિત્ર સ્મારક આવેલું છે.કમલાજા એ માતા પાર્વતીનો જ એક અવતાર છે,જેમણે ત્રિપુરાસુર સામેના યુદ્ધમાં ભગવાન શંકરને સહાય કરી હતી.સૃષ્ટિના સર્જક બ્રહ્માજીએ કમળના પુષ્પો વડે દેવીની પૂજા કરી હોવાથી તેઓ કમલાજા તરીકે પૂજાયા. દાનવો સામેના મહાયુદ્ધમાં ભગવાન શિવની સાથે તેમના ગણ એવા શાકિની અને ડાકિનીએ અગત્યની ભૂમિકા ભજવી હતી તેથી અહીં તેમની પણ શ્રદ્ધાપૂર્વક પૂજા કરવામાં આવે છે. મંદિરની પાછળ મોક્ષકુંડ તીર્થ આવેલું છે જેનો સંબંધ મહાન ઋષિ કૌશિક સાથે જોડાયેલો છે.આ ઉપરાંત અહીં સર્વતીર્થ, કુશારણ્ય તીર્થ અને જયકુંડ આવેલા છે.કુશારણ્ય તીર્થ આગળથી જ ભીમા નદી પોતાનું પૂર્વ તરફનું અવિરત વહેણ શરૂ કરે છે.
ભીમાશંકર જ્યોતિર્લિંગના પ્રગટીકરણ પાછળ શિવપુરાણમાં એક અત્યંત રોચક,કરૂણ અને પ્રેરણાદાયી કથા આલેખાયેલી છે. આજથી હજારો વર્ષો પહેલાં સહ્યાદ્રિ પર્વતના ગીચ જંગલોમાં કર્કટી નામની એક અત્યંત પ્રભાવશાળી,સુંદર અને કડક સ્વભાવની રાક્ષસી રહેતી હતી.આસપાસના લોકો પર તેનું ભારે વર્ચસ્વ હતું.સમાજમાં તેનો આદર થતો અને લોકો પોતાની સમસ્યાઓના ઉકેલ માટે તેની સલાહ લેવા આવતા હતા.સામાન્ય રીતે રાક્ષસ એટલે મોટો ભયંકર ચહેરો,લાંબા દાંત અને મોટા નખ ધરાવતી
આકૃતિ એવી આપણી સમજણ હોય છે પરંતુ પૌરાણિક દ્રષ્ટિએ રાક્ષસત્વ એ ચહેરા પર નહીં પરંતુ મનોવૃત્તિમાં હોય છે.જે વ્યક્તિ ;ખાઓ-પીઓ અને મજા કરો" એવા ભોગવાદી જીવનમાં રચ્યાપચ્યા રહે, ઈશ્વરનો અનાદર કરે અને કલ્યાણકારી વિચારોથી વિમુખ રહે તે જ વાસ્તવમાં રાક્ષસી વૃત્તિ છે. કર્કટીનો ભૂતકાળ અને ભીમનો ક્રોધ..
કર્કટીને એક અત્યંત હોશિયાર,ચબરાક અને પરાક્રમી ભીમ નામનો પુત્ર હતો.એકવાર પોતાનો અતીત યાદ આવતાં કર્કટી વૃક્ષની પાછળ છુપાઈને નિરાધારની જેમ રડી રહી હતી.ભીમે આ જોઈને આશ્ચર્ય સાથે પૂછ્યું કે માતા ! આખી દુનિયા જેને પૂજે છે તેવી મારી બળવાન અંબા કેમ રડે છે? તને મારા પિતાજીની યાદ આવે છે? મને બતાવ કે મારા પિતા કોણ છે અને ક્યાં છે?
ભીમની અતિશય જીદ સામે કર્કટીએ હૈયું ઠાલવતાં કહ્યું કે બેટા ! મારા લગ્ન તર્કટ-વિરાધ નામના શક્તિશાળી વીર સાથે ઠાઠમાઠથી થયા હતા પરંતુ દંડકારણ્યમાં ઋષિમુનિઓના રક્ષણ અર્થે આવેલા રામ સાથેના સંઘર્ષમાં મારા પતિ વિરાધ હણાયા.મારૂં સંસારસુખ છીનવાઈ ગયું, ત્યારબાદ હું મારા પિતા કર્કટ અને માતા પુષ્કસી પાસે આવી.મારા પિતાને ઋષિમુનિઓ પ્રત્યે નફરત થઈ.ઋષિ અગત્સ્યના શિષ્ય સુતિક્ષ્ણ રાજા સાથેના સંઘર્ષમાં મારા પિતા પણ માર્યા ગયા.
કર્કટીએ આગળ જણાવ્યું કે ત્યારબાદ મારી સુંદરતા અને પરાક્રમ જોઈને લંકાના રાજકુંવર અને રાવણના ભાઈ કુંભકર્ણે મારો હાથ પકડ્યો.અમારી વચ્ચે પ્રીત બંધાઈ અને અમે લગ્ન કર્યા પરંતુ તારા જન્મ પહેલાં જ લંકામાં રામ-રાવણ યુદ્ધ શરૂ થયું અને કુંભકર્ણ લંકા ગયા.મેં સાથે આવવાની જીદ કરી પરંતુ તેણે વિજય મેળવીને ઠાઠમાઠથી લઈ જવાનું વચન આપ્યું પરંતુ યુદ્ધમાં રામના હાથે તારા પિતા કુંભકર્ણનો પણ વધ થયો,હવે આ દુનિયામાં તું જ મારો એકમાત્ર આશરો છે. આ કરૂણ ઇતિહાસ સાંભળીને ભીમના મનમાં ઋષિમુનિઓ,દેવતાઓ અને ખાસ કરીને ભગવાન વિષ્ણુ પ્રત્યે હળાહળ ઝેર ભરાઈ ગયું,તે અત્યંત ક્રોધે ભરાયો અને પોતાની માતા પર થયેલા અન્યાયનો બદલો લેવા તત્પર થયો.
ભીમની તપસ્યા અને ભીમાસુરનો અત્યાચાર.. અસીમ શક્તિ પ્રાપ્ત કરવા માટે ભીમે સહ્યાદ્રિ પર્વત પર જઈ બ્રહ્માજીની કઠોર તપશ્ચર્યા કરી. બ્રહ્માજીએ પ્રસન્ન થઈને તેને અજેય બનવાનું અને અસીમ બળનું વરદાન આપ્યું.વરદાન મેળવતાં જ ભીમ ભીમાસુર બનીને બેફામ બન્યો,તેણે યજ્ઞો,મૂર્તિપૂજા અને ધાર્મિક અનુષ્ઠાનો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો.ઋષિમુનિઓ અને સાધુઓનો સંહાર કરવા લાગ્યો,તેણે સ્વર્ગ પર આક્રમણ કરીને દેવરાજ ઇન્દ્ર સહિત તમામ દેવતાઓને સ્થાનભ્રષ્ટ કર્યા,ત્યારબાદ તેણે કામરૂપ દેશના પરમ શિવભક્ત મહારાજા સુદક્ષિણ (કામરૂપેશ્વર) પર આક્રમણ કરી તેમને હરાવ્યા અને સહ્યાદ્રિ પર્વત પર કારાગારમાં બંદી બનાવ્યા. શિવજીનું પ્રગટીકરણ અને ભીમાસુર વધ..
ભીમાસુરના અત્યાચારોથી ત્રાહિમામ પોકારી ઊઠેલા દેવો અને ઋષિમુનિઓ બ્રહ્મા અને વિષ્ણુની આગેવાનીમાં ભગવાન શિવના શરણમાં ગયા.મહાકોશી નદીના કિનારે તેમણે શિવજીની સ્તુતિ કરી.મહાદેવે પ્રસન્ન થઈને અભયદાન આપ્યું.શિવજીના ક્રોધપૂર્ણ હુંકાર અને શ્રમ-સ્વેદમાંથી જે પવિત્ર ધારા પ્રગટી તે જ આગળ જતાં ભીમા નદી તરીકે પ્રસિદ્ધ થઈ.
બીજી તરફ જેલમાં બંદી બનાવાયેલા રાજા સુદક્ષિણ નિરાશ થયા વગર માટીનું પાર્થિવ શિવલિંગ બનાવી ગહન ધ્યાનમાં લીન થઈ ગયા.ભગવાન શિવ ગુપ્તરૂપે તે લિંગમાં સ્થિત થયા.ભીમાસુરને આની જાણ થતાં તે તલવાર લઈને રાજા પાસે પહોંચ્યો અને ધમકી આપી કે જો તારો શિવ સાચો હોય તો તેને પ્રગટ કર !રાજાએ શાંતિથી કહ્યું કે જે થવાનું છે તે થઈને જ રહેશે,મારા દયાળુ શિવજી આ પાર્થિવ લિંગમાં વિરાજમાન છે."
ક્રોધિત ભીમાસુરે પાર્થિવ લિંગ પર ભયંકર તલવારથી પ્રહાર કર્યો, બરાબર એ જ ક્ષણે શિવલિંગમાંથી સાક્ષાત મહાદેવ પ્રગટ થયા ! તેમણે પોતાના પિનાક ધનુષ્ય વડે ભીમાસુરની તલવારના ટુકડા કરી નાખ્યા.ભીમાસુરે ફેંકેલા અસ્ત્રો-શસ્ત્રોને ક્ષણવારમાં નિષ્ફળ બનાવી દીધા.મહર્ષિ નારદજીની વિનંતી પર ભગવાન શિવે પોતાના રૂદ્ર અવતારથી ભીમાસુર અને તેના અસુરગણનો સંહાર કરી તેમને ભસ્મીભૂત કરી દીધા.
કામરૂપેશ્વર રાજા બન્યો ત્યારે તેણે કહ્યું કે ભગવાન અમારૂં સદભાગ્ય કે આપના દર્શન થયા.અમારા કરતાં વધારે તપશ્ચર્યા કરનારને પણ આપનાં દર્શન થતા નથી પરંતુ અમોને દર્શન થયા તેનું કારણ ભીમ હતો તે વીર હતો તેને અને આ રાક્ષસોનો સંહાર કરવા તમે આવ્યા.તેમણે જે સત્યાનાશ કર્યો છે તેના પુનઃનિર્માણ કરવા, ભક્તોને સાંત્વના આપવા તમે અહી જ રહો. ભક્તોની ભક્તિના લીધે ભગવાનને આવવું પડ્યું તે રીતે શત્રુની પ્રચંડ શક્તિના લીધે ભગવાનને આવવું પડ્યું તેનું લોકોને સ્મરણ રહે તેથી ભીમનું નામ ભગવાન શિવના નામ સાથે જોડી દેવામાં આવ્યું તે ભીમાશંકર જ્યોર્તિલિંગ.
ભીમાશંકર જ્યોતિર્લિંગનું દર્શન કરનાર જીવ સંસારના તમામ પાપો અને તાપોમાંથી મુક્તિ મેળવે છે.મહાશિવરાત્રિના પવિત્ર પર્વ પર અહીં દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.આખી રાત ચાર પ્રહરની પૂજા,આરતી અને જલાભિષેક કરવામાં આવે છે.શ્રાવણ મહિનામાં અહીં ભવ્ય મેળો ભરાય છે.પવિત્ર ભીમા નદીમાં સ્નાન કરીને શિવજી પર જલાભિષેક અને બિલિપત્ર અર્પણ કરવાનું વિશેષ મહાત્મ્ય છે. ભીમાશંકર જ્યોતિર્લિંગ આપણને એ અમર સંદેશ આપે છે કે અધર્મ,અહંકાર અને ભોગવાદ ગમે તેટલા બળવાન કેમ ન હોય,ઈશ્વરીય શક્તિ અને સત્ય આગળ તેમનો પરાજય નિશ્ચિત છે.સહ્યાદ્રિની ગિરિમાળાઓ વચ્ચે સ્થિત આ દિવ્ય સ્થાન આજે પણ કરોડો ભક્તોની આસ્થા અને શ્રદ્ધાનું આલંબન બનીને શોભી રહ્યું છે.




