
હિંદ મહાસાગરની સુરક્ષા પર રહેશે ખાસ ભાર રાજનાથ સિંહ ૯-૧૦ સપ્ટેમ્બરે શ્રીલંકા જશે ખાસ કરીને હિંદ મહાસાગર ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા, નૌકાદળ સહયોગ અને પ્રાદેશિક સુરક્ષા અંગે સંકલન વધારવા પર ભાર રહેશે
ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ૯ અને ૧૦ સપ્ટેમ્બરે શ્રીલંકાની સત્તાવાર મુલાકાતે જશે. આ દરમિયાન બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગને વધુ મજબૂત બનાવવા અંગે મહત્વપૂર્ણ ચર્ચા થવાની શક્યતા છે. ખાસ કરીને હિંદ મહાસાગર ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા, નૌકાદળ સહયોગ અને પ્રાદેશિક સુરક્ષા અંગે સંકલન વધારવા પર ભાર રહેશે.
મુલાકાત દરમિયાન રાજનાથ સિંહ શ્રીલંકાના રાષ્ટ્રપતિ અને સંરક્ષણ મંત્રી અનુરા કુમારા દિસાનાયકે સાથે મુલાકાત કરશે. તેઓ વડાપ્રધાન હરિની અમરસૂર્યા અને સંરક્ષણ મંત્રાલયના સચિવ એર વાઈસ માર્શલ (નિવૃત્ત) સંપથ થુયાકોન્થા સાથે પણ ચર્ચા કરે તેવી શક્યતા છે. બંને દેશો વચ્ચે થયેલા સંરક્ષણ સહયોગના કરારની પ્રગતિની સમીક્ષા પણ મુલાકાતના એજન્ડામાં રહેશે.
આ કરાર એપ્રિલ ૨૦૨૫માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શ્રીલંકા મુલાકાત દરમિયાન થયો હતો. પાંચ વર્ષ માટે લાગુ આ વ્યાપક સંરક્ષણ સહયોગ વ્યવસ્થામાં બંને દેશો વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ વધારવા, સૈન્ય ક્ષમતા અને તાલીમને મજબૂત કરવા તેમજ માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત કામગીરીમાં સહયોગ વધારવાની જાેગવાઈ છે.
આ ઉપરાંત બંને દેશોની નૌકાદળ વચ્ચે સહયોગ વધારવા, નૌકાદળના જહાજાેના પોર્ટ કોલમાં વધારો કરવા અને સંરક્ષણ ઉદ્યોગ ક્ષેત્રે સહકારની નવી તકો શોધવા પર પણ ચર્ચા થઈ શકે છે. હિંદ મહાસાગરમાં ઉભા થતા સંયુક્ત સુરક્ષા પડકારો અંગે બંને દેશો વચ્ચે માહિતી અને સંકલન વધારવાનું પણ કરારનું મહત્વપૂર્ણ પાસું છે.
શ્રીલંકાનું ભૌગોલિક સ્થાન ભારત માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ છે. ભારતના દક્ષિણમાં હિંદ મહાસાગરના મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગોની નજીક આવેલું શ્રીલંકા દરિયાઈ સુરક્ષા અને પ્રાદેશિક સ્થિરતામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેથી રાજનાથ સિંહની મુલાકાત દરમિયાન દરિયાઈ દેખરેખ, નૌકાદળ તાલીમ અને સુરક્ષા સહયોગ પર વિશેષ ધ્યાન રહેવાની શક્યતા છે.
કરારને ત્રણ મહિનાની નોટિસ આપીને સમાપ્ત કરી શકાય છે અને બંને દેશોની પરસ્પર સંમતિથી તેને વધુ ત્રણ વર્ષ માટે લંબાવી શકાય છે. આ મુલાકાતથી ભારત-શ્રીલંકા સંરક્ષણ સંબંધોને નવી ગતિ મળવાની અને હિંદ મહાસાગરમાં બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક સહયોગ વધુ મજબૂત થવાની અપેક્ષા છે.




