
વડાપ્રધાન મોદીએ અભિનંદન પાઠવ્યા દિગ્ગજ એક્ટર અનંત નાગને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ આ એવોર્ડ કેવડિયામાં ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ ૭૨મા નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહમાં આપવામાં આવશે
ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ કામ કરતી મુખ્ય નોડલ એજન્સી Press Information Bureau (PIB) એ અનંત નાગની એક તસવીર પોતાના એક્સ હેન્ડલ પર શેર કરી અને માહિતી આપતા લખ્યું, દાદા સાહેબ ફાળકે પુરસ્કાર ૨૦૨૪ અનંત નાગને આપવામાં આવશે.
આગળ લખ્યું, ભારત સરકાર દાદા સાહેબ ફાળકે પુરસ્કાર સિલેક્શન કમિટીની ભલામણ પર આ જાહેરાત કરતા ખુશી અનુભવી રહી છે કે અનંત નાગને ઈન્ડિયન સિનેમામાં તેમના શાનદાર સફર અને યોગદાન માટે પ્રતિષ્ઠિત દાદા સાહેબ ફાળકે પુરસ્કાર ૨૦૨૪ થી સન્માનિત કરવામાં આવશે. તેમણે અનેક પેઢીઓને મોટિવેટ કરી છે. આ એવોર્ડ કેવડિયામાં ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ ૭૨મા નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહમાં આપવામાં આવશે. અનંત નાગ દિગ્ગજ એક્ટર અને પોલિટિશિયન છે. અનંત નાગને કન્નડ સિનેમામાં તેમના શાનદાર યોગદાન માટે ઓળખવામાં આવે છે. તેમનો જન્મ ૪ સપ્ટેમ્બર ૧૯૪૮ ના રોજ થયો હતો. તેમણે પોતાના કરિયરમાં ૩૦૦ થી વધુ ફિલ્મો કરી છે. અનંતની ફિલ્મોમાં કન્નડ, હિન્દી, તેલુગુ, તમિલ, મરાઠી અને મલયાલમ ફિલ્મો સામેલ છે.
પીએમ નરેન્દ્ર મોદીએ અભિનેતા અનંત નાગને પણ આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે. પોતાની પોસ્ટમાં વડાપ્રધાન મોદીએ લખ્યું, દાદાસાહેબ ફાળકે પુરસ્કાર પ્રાપ્ત કરવા બદલ વરિષ્ઠ કલાકાર અનંત નાગ-જીને અભિનંદન. દાયકાઓ સુધી તેમની સહજ અભિનયશૈલી, અદભૂત વિવિધતા અને શ્રેષ્ઠ કાર્યોએ ભારતીય સિનેમા અને ખાસ કરીને કન્નડ સિનેમા પર ઊંડી છાપ છોડી છે. તેમણે ભજવેલી દરેક ભૂમિકામાં એક અનોખી ઊંડાણ અને વાસ્તવિકતાનો સંચાર કર્યો છે. એક અસાધારણ કલાકાર માટે આ ખરેખર યોગ્ય સન્માન છે.




