
(નીડર,નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહિલાઓના મિલકત અધિકારોની રક્ષા કરતા એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદામાં મહિલા દ્વારા ખરીદવામાં આવેલી જમીનના સોદા રદ કરતા દાયકા જૂના મહેસૂલી હુકમને ફગાવી દેવામાં આવ્યો છે. આ બાબતે ખેડૂતની પુત્રીનો જન્મસિધ્ધ ખેડૂત તરીકેનો દરજ્જો લગ્ન થવાથી કે પરિવારના મહેસૂલી ચોપડામાંથી ભાઈ દ્વારા કપટપૂર્વક નામ કમી કરી દેવાથી હક્ક નાબૂદ થઈ જતો નથી.
જસ્ટિસ દિવ્યેશ એ. જોષીની સિંગલ બેન્ચ દ્વારા મહિલાની તરફેણમાં આ ચુકાદો આપ્યો છે. આ સાથે જ કોર્ટે પોરબંદર કલેક્ટર દ્વારા ઓગસ્ટ ૨૦૧૬ માં આપેલા એ આદેશ કર્યો છે. જેની હેઠળ વર્ષ ૧૯૯૦ ની ત્રણ જમીન ફેરફાર નોંધો (મ્યુટેશન એન્ટ્રીઓ) રદ કરવામાં આવી હતી અને મહિલા બિન-ખેડૂત હોવાનો આરોપ મૂકી રૂપિયા ૫૦ લાખનો ભારે દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. હાઈકોર્ટે સરકારી રેકોર્ડમાં આ તમામ મહેસૂલી નોંધો તાત્કાલિક ધોરણે પુનઃસ્થાપિત કરવા આદેશ આપ્યો છે.
ચુકાદા દરમિયાન હાઈકોર્ટે નોંધ્યું હતું કે માત્ર અરજદાર મહિલાનું નામ મહેસૂલી રેકોર્ડમાંથી રદ થવાને કારણે કે કપટપૂર્વક દૂર કરવાને કારણે તેનો ખેડૂત તરીકેનો દરજ્જો છીનવાઈ જતો નથી. હિંદુ ઉત્તરાધિકારી કાયદાના આધુનિક સુધારા મુજબ પુત્રીને પણ પિતાની મિલકતમાં સમાન સહ-ભાગીદાર (કો-પાર્ટનર) ગણવામાં આવે છે. આથી, જે તૃતીય પક્ષને વિવાદિત નોંધો સાથે કોઈ લેવા દેવા જ નથી. તેની અરજીના આધારે જ મહેસૂલી સત્તામંડળ દ્વારા પુનરીક્ષણ (રીવિઝન) સત્તાઓનો ઉપયોગ કરવો કાયદાકીય રીતે યોગ્ય નથી.
અદાલતે વધુમાં જણાવ્યું હતું કે રેકોર્ડ પર રહેલું પ્રમાણપત્ર સ્પષ્ટ દર્શાવે છે કે અરજદારના ભાઈ પાસે વારસામાં મળેલી ખેતીની જમીન છે. આથી ખેડૂતની પુત્રી હોવાના નાતે અરજદાર મહિલા આપોઆપ ખેડૂત તરીકેનો દરજ્જો ધરાવે છે, જે હકીકતની મહેસૂલી સત્તામંડળે ઘોર ઉપેક્ષા કરી હતી.
આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે મહિલા પોતાના પરિવારના ખેડૂત દરજ્જાના આધારે સ્થાનિક મહેસૂલી અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા ખેડૂત ખરાઈ પ્રમાણપત્રના આધારે સને ૧૯૯૦ માં ખેતીની જમીન ખરીદી હતી. જોકે પાછળથી એ બાબત ધ્યાનમાં આવી હતી કે વર્ષ ૧૯૬૭ માં પિતાના અવસાન બાદ મહિલાના ભાઈએ બોગસ દસ્તાવેજો અને બનાવટી સહીઓ ઊભી કરી મહેસૂલી ચોપડામાંથી બહેનનું નામ ગાયબ કરી દીધું હતું.
આમ ભાઈ દ્વારા આચરવામાં આવેલા ફ્રોડ અને તે અંગે ચાલી રહેલા કાનૂની કેસો અંગેની મહિલાની રજૂઆતને મહેસૂલી અધિકારીઓએ નકારી કાઢતાં આખરે તેમણે (મહિલાએ) ન્યાય માટે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જ્યાંથી મહિલાને પૂર્ણ ન્યાય મળ્યો છે. આમ મૂળ જમીન રેકોર્ડમાં મહિલાનું નામ ન હોવાથી તેઓ ખેડૂત નથી અને મહિલાએ કરેલા જમીનના સોદા ગેરકાયદેસર છે. એવું કહેનાર સત્તામંડળને ગુજરાત હાઈકોર્ટે સત્યનો અરીસો બતાવી દીધો હતો.




