
સ્પેસએક્સના ફાલ્કન રોકેટથી લોન્ચ કરાશે નાસાનું ચાર અબજ ડોલરનું ‘રોમન ટેલિસ્કોપ’ બ્રહ્માંડના રહસ્યો ખોલશે તેનો ‘ફિલ્ડ ઓફ વ્યૂ’ હબલ કરતા ૧૦૦ ગણો વધુ : ડાર્ક એનર્જી, ડાર્ક મેટર, એક્સોપ્લેનેટ્સના અભ્યાસમાં મદદ મળશે નાસા નેન્સી ગ્રેસ રોમન સ્પેસ ટેલિસ્કોપને સ્પેસમાં મોકલવાની તૈયારીઓ કરી રહ્યું છે. આશરે ૪ અબજ ડોલરના આ મિશનનું લોન્ચિંગ ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટર પરથી સ્પેસએક્સના ફાલ્કન હેવી રોકેટથી કરવામાં આવશે. રોમન સ્પેસ ટેલિસ્કોપ તેના નિર્ધારિત સમય કરતા લગભગ ૯ મહિના વહેલું લોન્ચ થવાનું છે.રોમન સ્પેસ ટેલિસ્કોપનો મુખ્ય હેતુ બ્રહ્માંડના સૌથી મોટા રહસ્યોનો અભ્યાસ કરવાનો છે. તેમાં, ડાર્ક એનર્જી, ડાર્ક મેટર, બ્રહ્માંંડના વિસ્તરણ અને એક્સોપ્લેનેટ્સનો સમાવેશ થાય છે. નાસાના જણાવ્યા અનુસાર, રોમનનો ફિલ્ડ ઓફ વ્યૂ હબલ કરતા ઓછામાં ઓછો ૧૦૦ ગણો વધુ હશે એટલે તે એક સાથે આકાશના ઘણા મોટા વિસ્તારનો અભ્યાસ કરી શકશે.રોમન સ્પેસ ટેલિસ્કોપ અબજાે ગેલેક્સીઓના પ્રકાશ અને તેના વિતરણનો અભ્યાસ કરશે. તે ગેલેક્સી કેવી રીતે બને છે અને સમય સાથે કેવી રીતે બદલાય છે તેને સમજવામાં મદદ કરશે. આ માહિતીથી વૈજ્ઞાાનિકો તપાસી શકશે કે ડાર્ક એનર્જી સમય સાથે બદલાય છે કે નહીં. તે ગ્રેવીટેશનલ લેન્સિંગનો ઉપયોગ કરીને લાઈટ અને મેટર વચ્ચેના સંબંધનો અભ્યાસ કરશે. આ માપનથી વૈજ્ઞાાનિકો અબજાે પ્રકાશવર્ષના અંતરે પણ આઈન્સ્ટાઈનની જનરલ રેલેટિવીટી યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તેની તપાસ કરશે.




