
સૈફ અલી ખાન પર હુમલાનો કેસ ગુના મામલે પસ્તાવો છે, ઓછી સજા કરવામાં આવે : આરોપી શરીફુલ લગભગ દોઢ વર્ષ પહેલા, અભિનેતા સૈફ અલી ખાનના બાંદ્રા સ્થિત ઘરમાં ઘૂસીને તેના પર છરીથી હુમલો કરવાની ઘટનાએ સમગ્ર દેશને ચોંકાવી દીધો હતો
બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન પર તેના જ ઘરમાં છરીથી હુમલો કરવાના કેસમાં એક મોટો ખુલાસો સામે આવ્યો છે. આ કેસમાં ધરપકડ કરાયેલ આરોપી શરીફુલ ઇસ્લામ શેખે હવે કબૂલાત કરવાની તૈયારી દર્શાવી છે. આરોપીએ કોર્ટમાં અરજી દાખલ કરીને જણાવ્યું છે કે, તેને પોતાના કૃત્યોનો પસ્તાવો છે અને તે ગુનો કબૂલ કરવા માંગે છે. તેણે કોર્ટને ઓછામાં ઓછી સજાની પણ વિનંતી કરી છે.લગભગ દોઢ વર્ષ પહેલા, અભિનેતા સૈફ અલી ખાનના બાંદ્રા સ્થિત ઘરમાં ઘૂસીને તેના પર છરીથી હુમલો કરવાની ઘટનાએ સમગ્ર દેશ એ ચોંકાવી દીધો હતો. હવે, આ કેસમાં ધરપકડ કરાયેલ આરોપી શરીફુલ ઇસ્લામ શેખે કોર્ટનો સંપર્ક કર્યાે છે અને પોતાનો ગુનો કબૂલ કરવાની તૈયારી દર્શાવી છે. કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં, આરોપીએ જણાવ્યું છે કે તે પોતાનો ગુનો કબૂલ કરવા માંગે છે. તેણે કોર્ટ પાસેથી ઉદારતા અને ઓછામાં ઓછી સજાની પણ વિનંતી કરી છે.કોર્ટે આરોપીની અરજી પર ફરિયાદ પક્ષ પાસેથી જવાબ માંગ્યો છે. આ કેસની આગામી સુનાવણી ૧૧ સપ્ટેમ્બરના રોજ થશે. આ મહિનાની શરૂઆતમાં એડિશનલ સેશન્સ જજ જી.પી. દેશમુખની કોર્ટે આરોપીઓ સામે આરોપો ઘડ્યા હતા.આ કેસ ૧૬ જાન્યુઆરી, ૨૦૨૫નો છે. એવો આરોપ છે કે આરોપી મુંબઈના બાંદ્રા વિસ્તારમાં સૈફ અલી ખાનના ઘરમાં ચોરીના ઈરાદાથી ઘુસ્યો હતો. આરોપી બાથરૂમ દ્વારા ઘરમાં પ્રવેશ્યો અને બાદમાં પરિવારના સભ્યો સમક્ષ હાજર થયો. એવું કહેવાય છે કે, આરોપી સૈફ અલી ખાનના નાના પુત્ર જેહના રૂમમાં પહોંચ્યો હતો. જ્યારે સૈફ અલી ખાન પોતાના પુત્રને બચાવવા માટે ત્યાં દોડી ગયો, ત્યારે આરોપીએ તેના પર છરીથી હુમલો કર્યાે હતો. ત્યારબાદ આરોપી ઘટના સ્થળેથી ભાગી ગયો.હુમલામાં સૈફ અલી ખાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની સર્જરી કરવામાં આવી હતી. સર્જરી દરમિયાન તેના શરીરમાંથી છરીનો તૂટેલો ટુકડો પણ કાઢી નાખવામાં આવ્યો હતો. ઘણા દિવસોની હોસ્પિટલમાં સારવાર બાદ સૈફ અલી ખાનને રજા આપવામાં આવી હતી.આ ઘટના બાદ, મુંબઈ પોલીસે વ્યાપક તપાસ શરૂ કરી. સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ પુરાવાઓના આધારે, આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. હવે, આરોપીએ કોર્ટમાં પોતાનો ગુનો કબૂલ કરવાની તૈયારી દર્શાવી છે, જેનાથી કેસને નવો વળાંક મળ્યો છે.હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આરોપી કબૂલાત કરવાની તૈયારી દર્શાવ્યા પછી કોર્ટ શું વલણ અપનાવશે. હાલમાં, કોર્ટે ફરિયાદ પક્ષ પાસેથી જવાબ માંગ્યો છે, અને કેસની આગામી સુનાવણી ૧૧ સપ્ટેમ્બરના રોજ થશે.




