
આંતંકવાદ સંપૂર્ણપણે ખતમ થાય : મોદી SCO શિખર સંમેલન પહેલાંt PM મોદીએ શેર કર્યો ભારતનો રોડમેપ પ્રધાનમંત્રી મોદી ૨૯ ઓગસ્ટથી ૧ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી ઉઝબેકિસ્તાન અને કિરગિઝ ગણરાજ્યના પ્રવાસે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કિરગિઝ ગણરાજ્યની રાજધાની બિશ્કેકમાં યોજાનાર ૨૬મી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO ) શિખર સંમેલનને લઈને ભારતનો રોડમેપ જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે વિસ્તારમાંથી આંતંકવાદ સંપૂર્ણપણે નાબૂદ થવો જાેઈએ. પીએમ મોદી ૨૯ ઓગસ્ટથી ૧ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી ઉઝબેકિસ્તાન અને કિરગિઝ ગણરાજ્યના પ્રવાસે રહેશે. આ દરમિયાન તેઓ ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શૌકત મિર્ઝિયોયેવના આમંત્રણ પર તાશ્કંદની રાજ્ય મુલાકાત લેશે અને ત્યારબાદ SCO શિખર સંમેલનમાં ભાગ લેશે. પ્રધાનમંત્રીએ પોતાના પ્રવાસ પહેલાં કહ્યું કે આ મુલાકાત દરમિયાન મધ્ય એશિયા સાથે ભારતના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત કરવા, વેપાર, રોકાણ, ડિજિટલ કનેક્ટિવિટી, સંરક્ષણ અને ઊર્જા સહિત અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા થશે. પ્રધાનમંત્રી મોદી ૨૯ અને ૩૦ ઓગસ્ટે ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંદમાં રહેશે. તેમણે જણાવ્યું કે તાજેતરના વર્ષોમાં ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીમાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. પ્રધાનમંત્રી ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શૌકત મિર્ઝિયોયેવ સાથે મુલાકાત કરશે. આ દરમિયાન બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણ, ડિજિટલ કનેક્ટિવિટી, સંરક્ષણ અને ઊર્જાના ક્ષેત્રમાં સહયોગને વધુ મજબૂત કરવા અંગે ચર્ચા થશે.
પ્રધાનમંત્રી તાશ્કંદમાં શાસ્ત્રી સ્મારક અને તાશ્કંદ સ્ટેટ યુનિવર્સિટી ઓફ ઓરિએન્ટલ સ્ટડીઝ ખાતે આવેલા મહાત્મા ગાંધી કેન્દ્રની પણ મુલાકાત લેશે. તેમણે કહ્યું કે આ બંને દેશો વચ્ચેના મજબૂત સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના સંબંધોના પ્રતીક છે. ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે સભ્યતા અને પ્રજાકીય સ્તરના સંબંધો લાંબા સમયથી ચાલી આવ્યા છે. તાશ્કંદ પછી પ્રધાનમંત્રી મોદી કિરગિઝ ગણરાજ્યના રાષ્ટ્રપતિ સદ્યર જાપારોવના આમંત્રણ પર બિશ્કેક જશે. ત્યાં તેઓ ૨૬મી SCO શિખર સંમેલનમાં ભાગ લેશે. આ સંમેલન એવા સમયે યોજાઈ રહ્યું છે જ્યારે SCO ની સ્થાપનાના ૨૫ વર્ષ પૂરા થઈ રહ્યા છે. ભારત ૨૦૧૭થી SCO નું સક્રિય અને રચનાત્મક સભ્ય રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ આ વિસ્તાર માટે ભારતની વિચારસરણીને આગળ વધારવાની દિશામાં કામ કરશે. આ વિચારસરણી સુરક્ષા, કનેક્ટિવિટી અને તકો પર આધારિત છે.
મોદીએ કહ્યું કે ભારત SCO ના અન્ય સભ્ય દેશો સાથે મળીને એવા વિસ્તારના નિર્માણ માટે કામ કરવા માંગે છે, જે આંતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદની સમસ્યાથી મુક્ત હોય. તેમણે કહ્યું કે આ પડકારો ભારતના પડોશ અને તેનાથી આગળ પણ શાંતિ અને સ્થિરતા માટે સતત જાેખમ બનેલા છે.




