
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરત મહાનગરપાલિકામાં સફાઈ કામદારો, બેલદારોની ૬૦૦૦ કરતાં વધુ જગ્યાઓ ખાલી છે. સુરત મ.ન.પા. ગુજરાત સરકારશ્રીના નાણાં વિભાગ, સચિવાલય ગાંધીનગરના ઠરાવ ક્રમાંક. ખરચ-૧૦૨૦૧૦-૧૧૮- ઝ.૧, તા.૧૪/૦૮/૨૦૧૪ અને સામાન્ય વહીવટી વિભાગના તા.૦૧/૦૪/૨૦૧૦ ના ઠરાવની જોગવાઈ અનુસાર ડ્રાઈવર તેમજ વર્ગ-૪ ની પટાવાળા, પટાવાળા કમ ડ્રાયવર, પ્યુન કમ એટેન્ડન્ટ, માળી, ધોબી, ચોકીદાર, પ્યુન કમ ચોકીદાર, સ્વીપર, લીફ્ટમેન, લીફટ એટેન્ડન્ટ, સફાઈ કામદાર, વોર્ડબોય, ડ્રેસર, આયા, કલીનર, ઓપરેશન થીયેટર એટેન્ડન્ટ, સ્ટ્રેચર બેરર, વોટરબેરર, હેલ્પર, મુકાદમ, રસોઈયા, મદદનીશ રસોઈયા, હમાલ, નાયક, હવાલદાર જેવી
જગ્યાઓ ભરવા ઉપર રોક લગાવી,આવી જગ્યાઓ આઉટ સોર્સિંગથી ભરવાની જોગવાઈ કરવામાં આવેલ છે.અને આમ કરી ગુજરાત રાજ્યમાં વર્ગ-૪ની જગ્યાઓની ભરતી કરવા ઉપર પ્રતિબંધ મૂકેલો છે.સુરત મ.ન.પા. એ સફાઈ કામદારો, બેલદારોની જગ્યાઓ કોન્ટ્રાક્ટથી ભરવાની અને તે અંગે જુદા-જુદા ઝોનોમાંથી રિક્રુટમેન્ટ દ્વારા માહિતી મંગાવવામાં આવેલ છે. અને આમ કરી સુરત મ.ન.પા. ચોક્કસ કોન્ટ્રાક્ટરોના લાભાર્થે સફાઈ કામદાર, સફાઈ કામદાર (ડ્રેનેજ), બેલદાર, બેલદાર (વી.બી.ડી.સી) ની જગ્યાઓ કોન્ટ્રાક્ટ થી ભરવાના ચક્રો ગતિમાન કરેલ છે. જેનો સુરત મ.ન.પા. કર્મચારી યુનિયન મહામંડળ સખત વિરોધ કરે છે. સુરત મ.ન.પા.માં હાલમાં કોન્ટ્રાક્ટ હેઠળ સફાઈ કામદારો,બેલદારોની ભરતી કરવામાં આવે છે અને આવા કર્મચારીઓ દીઠ ૧૯,૫૦૦/- રૂપિયા મહિને મ.ન.પા. દ્વારા કોન્ટ્રાક્ટરને ચૂકવણી કરવામાં આવે છે. જ્યારે કોન્ટ્રાક્ટરો કોન્ટ્રાક્ટના કર્મચારીઓને રૂપિયા ૯૦૦૦/- ચૂકવે છે. આમ સુરત મ.ન.પા.ના કોન્ટ્રાક્ટરો,કોન્ટ્રાક્ટના કર્મચારીઓને મળતા નાણાં કરતા વધુ નાણાં કોન્ટ્રાક્ટરો લઈ જાય છે. આ રીતે કોન્ટ્રાક્ટર ભારે શોષણ કરે છે. આ હકીકત સુરત મ.ન.પા.ના અધિકારીઓ દ્વારા પણ સ્વીકારવામાં આવેલ છે. સુરત મ.ન.પા.માં સફાઈ ની કામગીરી સાથે વાલ્મીકી સમાજ, નાડિયા સમાજ અને મેઘવાળ સમાજ હાલ કામગીરી કરી રહેલ છે. જો કોન્ટ્રાક્ટ સિસ્ટમથી કામગીરી શરૂ કરવામાં આવશે તો આ સમાજના યુવાન-યુવતીઓને ભારે આર્થિક નુકશાની ભોગવવાનો સમય આવશે. રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૦ અને ૨૦૧૪ માં આઉટસોર્સિંગથી કામગીરી લેવાના ઠરાવો કરેલ છે.તેમ છતાં સુરત મ.ન.પા.માં વર્ષ ૨૦૧૨ અને વર્ષ ૨૦૧૭ માં સફાઈ કામદારો, બેલદારોની ભરતી કરવામાં આવેલ છે. ત્યારે અત્યારે અચાનક એવી શું પરિસ્થિતિ સર્જાઈ કે સુરત મ.ન.પા.એ કાયમી
ભરતી બંધ કરવા નિર્ણય લીધો. કોન્ટ્રાક્ટ સિસ્ટમનો અમો કર્મચારી યુનિયન મહામંડળ સખ્ત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. કોઈ સમાજના શોષણના ભોગે આઉટસોર્સિંગનો અમલ નહીં થવા દઈએ. તા.૨૪/૦૯/૨૦૨૬ નાં રોજ સવારે ૧૧:૩૦ કલાકે યુનિયન મહામંડળ અને દલિત અનુસૂચિત જાતિના આગેવાનો અર્ધનગ્ન અવસ્થામાં સુરત કલેકટરશ્રીને આવેદનપત્ર આપી,આંદોલનના શ્રીગણેશ કરવામાં આવશે. જરૂર પડે હાઈકોર્ટમાં પણ રીટ પીટીશન કરવાની ફરજ પડશે. આજની આ સભામાં મહામંડળના પ્રમુખ ભાઈલાલભાઈ વૈષ્ણવ,ઉપપ્રમુખ કિરીટ વાઘેલા, મહામંત્રી મોહમ્મદ ઈકબાલ શેખ, હરીશભાઈ રાઠોડ,જુદા જુદા યુનિયનના પ્રમુખો સર્વશ્રી જયંતીભાઈ વાઘેલા, શશીકાંતભાઈ સોલંકી, મહેશભાઈ પટેલ, હરીશ સોલંકી, દેવેન્દ્રભાઈ પ્રજાપતિ, અશોક જોગડીયા,જેઠાભાઈ
બોરીચા,મોહનભાઈ રાઠોડ, અશોકભાઈ સોલંકી વગેરે આગેવાનો સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત સભ્યોએ આ નિર્ણય લીધો હતો.




