
દિવાળીના કાર્યક્રમમાં જાતિવાદી નારાબાજી અમેરિકાના સિયેટલમાં હિન્દુઓ વિરુદ્ધ નફરતનું પ્રદર્શન કરાયું ડિપોર્ટ ઓલ ડોટ હેડ્સના પોસ્ટરો દર્શાવતાં હોબાળો અમેરિકામાં હિન્દુ સમુદાય વિરુદ્ધ નફરત અને જાતિવાદી માનસિકતાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમેરિકાના સિયેટલ શહેરમાં દિવાળીના પર્વની ઉજવણી કરી રહેલા ભારતીય અને હિન્દુ પરિવારો વચ્ચે કેટલાક દક્ષિણપંથી કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરતાં ભારે હોબાળો મચ્યો હતો. પ્રદર્શનકારીઓએ હિન્દુઓ અને દક્ષિણ એશિયાઈ મૂળના લોકો વિરુદ્ધ વાંધાજનક નારા લખેલાં પોસ્ટરો પ્રદર્શિત કર્યાં હતાં. આ ઘટનાને પગલે કાર્યક્રમમાં હાજર પરિવારોમાં ભારે રોષ ફેલાયો હતો. મળતી માહિતી અનુસાર, શનિવાર, ૭ નવેમ્બરના રોજ સિયેટલ સેન્ટર આર્મરીમાં ભારતીય પરિવારો દિવાળીની ઉજવણી કરી રહ્યા હતા. બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત વિવિધ આયોજનો ચાલી રહ્યાં હતાં. આ દરમિયાન દક્ષિણપંથી કાર્યકરોનું એક જૂથ વિરોધ પ્રદર્શન કરતાં કાર્યક્રમ સ્થળે પહોંચ્યું હતું. પ્રદર્શનકારીઓએ ‘ડિપોર્ટ ઓલ ડોટ હેડ્સ‘ અને ‘સ્ટોપ હિન્દુ રિપ્લેસમેન્ટ ઓફ ક્રિશ્ચિયન્સ‘ જેવાં વાંધાજનક સૂત્રો લખેલાં પોસ્ટરો દર્શાવ્યાં હતાં. આ નારાઓને હિન્દુઓ અને દક્ષિણ એશિયાઈ સમુદાય વિરુદ્ધ જાતિવાદી ગણાવવામાં આવી રહ્યા છે. ઘટનાને પગલે આયોજકો અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બાદમાં પ્રદર્શનકારીઓને કાર્યક્રમ સ્થળની બહાર કાઢવામાં આવ્યા હતા. પ્રદર્શનકારીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલા ‘ડોટ હેડ્સ‘ શબ્દને દક્ષિણ એશિયાઈ લોકો, ખાસ કરીને હિન્દુઓ માટે અપમાનજનક અને જાતિવાદી શબ્દ માનવામાં આવે છે. આ શબ્દ કપાળ પર લગાવવામાં આવતી બિંદી અને તિલક સાથે જાેડાયેલો છે. બીજી તરફ, ‘સ્ટોપ હિન્દુ રિપ્લેસમેન્ટ ઓફ ક્રિશ્ચિયન્સ‘ જેવા નારા દ્વારા અમેરિકામાં હિન્દુઓની વધતી હાજરીને ખ્રિસ્તી સમુદાય માટે જાેખમ તરીકે દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રકારની ભાષા અમેરિકામાં પ્રચલિત ‘ગ્રેટ રિપ્લેસમેન્ટ‘ નામની કાવતરાકીય વિચારધારા સાથે જાેડાયેલી છે. આ વિરોધ પ્રદર્શનમાં જેક લેંગ અને થોમસ એલન સામેલ હોવાનું જણાવવામાં આવ્યું છે. જેક લેંગ અગાઉ પણ અમેરિકાની રાજનીતિમાં ચર્ચામાં રહ્યો છે. વર્ષ ૨૦૨૬માં તેણે ફ્લોરિડામાંથી રિપબ્લિકન પાર્ટી તરફથી સેનેટની ચૂંટણી લડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પ્રાથમિક ચૂંટણીના બેલેટમાં સ્થાન મેળવી શક્યો નહોતો. લેંગનું નામ ૬ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ અમેરિકી સંસદ ભવન કેપિટલ પર થયેલા હુમલાના કેસમાં પણ સામે આવ્યું હતું. તેને ફેડરલ કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. જાેકે, બાદમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેને માફી આપી હતી. જેલમાંથી મુક્ત થયા બાદ તે દક્ષિણપંથી રાજકીય પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યો હોવાનું અહેવાલમાં જણાવાયું છે.




