
ભગવાન શિવ 'નીલકંઠ' કેમ કહેવાયા?
ભારતીય સનાતન સંસ્કૃતિ અને પૌરાણિક પરંપરામાં ભગવાન શિવને 'મહાદેવ' એટલે કે દેવોના પણ દેવ તરીકે પૂજવામાં આવે છે.શિવજીના સહસ્ત્ર નામોમાં દરેક નામ પાછળ એક ગૂઢ કથા, દિવ્ય લીલા અને માનવજાત માટે અમૂલ્ય ઉપદેશ છુપાયેલો છે.શિવજીનું એક અત્યંત લોકપ્રિય અને સદભાવનાપૂર્ણ નામ 'નીલકંઠ' છે.મહાદેવનો કંઠ નીલા રંગનો છે તેથી તેમને નીલકંઠ કહેવાય છે પરંતુ પ્રશ્ન એ થાય કે ભગવાન શિવનો કંઠ નીલો કેમ થયો? આ નીલકંઠ બનવા પાછળ દેવાસુર સંગ્રામ,સમુદ્રમંથન અને સંસાર રક્ષાર્થ કરાયેલા મહા ત્યાગની એક ભાવપૂર્ણ કથા જોડાયેલી છે.
દેવો અને અસુરો વચ્ચે અનાદિકાળથી સંગ્રામ અને સ્પર્ધા ચાલ્યા કરતા હતા.એકવાર મહર્ષિ દુર્વાસાના શાપને કારણે સ્વર્ગની સમૃદ્ધિ અને શ્રી હણાઈ ગયા.ગુમાવેલી સમૃદ્ધિ પુનઃ પ્રાપ્ત કરવા અને અમરત્વ આપનાર અમૃત મેળવવા માટે ભગવાન શ્રીહરિ વિષ્ણુની સલાહથી દેવો અને અસુરોએ મળીને ક્ષીરસાગરનું મંથન કરી તેમાંથી રત્નો કાઢવાનું નક્કી કર્યું પરંતુ અફાટ સમુદ્રને મથવો શાનાથી? તે મોટો પ્રશ્ન હતો.આ માટે અતિ વિશાળ મંદરાચલ પર્વતને ઉપાડી લાવવામાં આવ્યો અને તેને રવૈયા તરીકે ગોઠવ્યો પરંતુ સમુદ્રના તળિયે પર્વતને સ્થિર શેના પર રાખવો? તેથી ભગવાન વિષ્ણુએ સ્વયં અતિ કઠોર કચ્છપ-કાચબાનું રૂપ ધારણ કર્યું અને મંદરાચલને પોતાની પીઠ પર પધરાવ્યો.હવે પર્વતને ફેરવવા માટે દોરડું શેનું બનાવવું? આ માટે નાગરાજ વાસુકીને વિનંતી કરવામાં આવી અને વાસુકી નાગ વીંટળાઈને નેત્રું બનવા તૈયાર થયા.આ રીતે મંથનની તમામ પૂર્વતૈયારીઓ પૂરી થઈ.
નારદજીની દિવ્ય ચતુરાઈ અને દેવ-દાનવનો સંવાદ..
નક્કી થયા મુજબ આગામી પ્રભાતે વલોણું વલોવવાનું શરૂ થવાનું હતું. રાત્રિના સમયે દેવો અત્યંત ચિંતાતુર વદને ભેગા થયા.દેવોને ચિંતા એ હતી કે મંથન વખતે જો વાસુકી નાગનું મુખ આપણી તરફ આવ્યું તો તેના મુખમાંથી નીકળતા ભયંકર વિષ અને ફુત્કારથી આપણું સત્યાનાશ વળી જશે. દૈત્યો સ્વભાવથી જ અવળચંડા છે એટલે તેઓ જરૂર આપણને નાગના મુખ તરફ રાખવાનો આગ્રહ કરશે. દેવો ચિંતાતુર હતા તેવામાં જ ત્યાં દેવર્ષિ નારદજી આવી પહોંચ્યા.નારદજી સનાતન પાત્ર છે,જે જગતના કલ્યાણ માટે યોગ્ય સમયે યોગ્ય સ્થળે ઉપસ્થિત થઈ જાય છે.દેવોની ચિંતા જાણીને નારદજીએ આશ્વાસન આપ્યું કે "તમે બિલકુલ ચિંતા ન કરો,હું યોગ્ય વ્યવસ્થા કરી દઉં છું." રાત્રે બાર વાગ્યે નારદજી દૈત્યોની છાવણીમાં ગયા,ત્યાં દૈત્યો જાગતા હતા પણ કોઈ ચિંતામાં નહીં પરંતુ ખાણીપીણી અને વિજયના ઉત્સવમાં મસ્ત હતા.નારદજીને જોઈને બધા દૈત્યો હરખાયા અને બોલ્યા કે "ઓહો ! નારદજી ! અત્યારે મધ્યરાત્રિએ આપનું આગમન કેમ થયું?" નારદજીની વિશેષતા એ છે કે પક્ષ અને વિપક્ષ બંને તેમને પોતાના ખાસ માણસ સમજે છે, બંને પક્ષોને આંગળીના ટેરવે નચાવીને ઈશ્વરીય કાર્ય સિદ્ધ કરાવવું એ નારદજીની શૈલી છે.થોડા આક્રોશ અને
ચિંતાનો ભાવ દર્શાવી નારદજીએ કહ્યું કે "અરે ! તમને કશી ખબર નથી શું? આવતીકાલે સમુદ્રમંથન થશે, તેમાં તમને નાના બાપના અને હલકા કુળના સમજીને વાસુકીનું પૂંછડું આપવાનું દેવોએ નક્કી કર્યું છે !
માથું તો દેવો પોતાની પાસે જ રાખશે કારણ કે તેઓ પોતાને મોટા બાપના કુળવાન માને છે.સવારે તમારૂં નાક કપાવાનું છે,મારાથી આ ન જોવાયું એટલે તમને સાવધાન કરવા આવ્યો છું." નારદજીની વાત સાંભળીને દૈત્યો ક્રોધથી ઊકળી ઊઠ્યા અને બોલ્યા કે "એ કદાપિ નહીં બને ! અમે પૂંછડું નહીં લઈએ,અમે તો વાસુકીનું માથું જ લઈશું !" નારદજીએ જોયું કે તીર બરાબર નિશાન પર વાગ્યું છે એટલે તેમણે આગળ કહ્યું કે "પરંતુ સવારે આ અંગે ઝઘડો થાય તો શું કરશો? તમે કહેજો કે નારદજીને
ન્યાયાધીશ તરીકે નીમી દો.હું જે નિર્ણય આપું તે બંને પક્ષને માન્ય રહે તેવી વ્યવસ્થા કરજો પછી હું નિર્ણય આપીશ." દૈત્યો કૃતજ્ઞભાવથી નારદજીના ચરણોમાં નમી પડ્યા અને નારદજીએ વિદાય લીધી. નારદજી પાછા દેવોના કેમ્પમાં આવ્યા અને ચિંતાતુર દેવોને કહ્યું કે "તમારૂં કામ થઈ ગયું છે.સવારે તમારે વાસુકીનું મુખ તમારા પક્ષ તરફ જ રાખવાનું છે.દૈત્યો માગે તો પણ આપવાનું નથી, ત્યારબાદ કોલાહલ થાય અને દૈત્યો ન્યાયાધીશ તરીકે મારૂં નામ મૂકે તો તમારે માન્ય રાખવું, બાકીનો નિર્ણય હું
સંભાળી લઈશ."
મંથનનો પ્રારંભ અને ભયાનક 'હળાહળ'નું પ્રાગટ્ય..
સવારે તેવું જ થયું.મંદરાચલને વીંટળાયેલો વાસુકી નાગ દેવો તરફ મુખવાળો હતો અને દૈત્યો તરફ પૂંછડું હતું.દૈત્યોને રાત્રે નારદજીએ આપેલી ચેતવણી યાદ આવી.દેવોએ કહ્યું કે ચાલો મંથન શરૂ કરીએ પરંતુ દૈત્યોએ મક્કમતાથી કહ્યું કે "એ નહીં બને ! અમે પૂંછડા તરફ રહેવાના નથી, અમારે તો માથાવાળો ભાગ જ જોઈએ."
બંને વચ્ચે ઉગ્ર વિવાદ ચાલ્યો,ત્યાં જ નારદજી પધાર્યા.બંને પક્ષોએ મળીને તેમને ન્યાયાધીશ બનાવ્યા અને નારદજીએ નિર્ણય સંભળાવ્યો કે દૈત્યો મોઢા તરફ રહેશે અને દેવો પૂંછડા તરફ રહેશે.આ નિર્ણય સાંભળીને દૈત્યો રાજીરાજી થઈ ગયા કે તેમને ઈચ્છિત મસ્તક મળ્યું.આ બાજુ દેવો પણ મનોમન અત્યંત પ્રસન્ન હતા કારણ કે નારદજીની ચતુરાઈથી તેઓ નાગના વિષથી બચી ગયા હતા.સમાજમાં પણ ઘણા લોકો એવા હોય છે કે જેમને સીધી રીતે કહો તો નથી માનતા પરંતુ યુક્તિથી ઊંધી રીતે કહેવામાં
આવે તો જ માને છે.
મંથન શરૂ થયું.પર્વતના ઘર્ષણથી વાસુકી નાગના ઝેરભર્યા શ્વાસોચ્છ્વાસ અને ગરમીથી મુખ તરફ રહેલા ઘણા દૈત્યો પીડાવા લાગ્યા અને મરવા લાગ્યા.મંથન આગળ વધતાં જ ક્ષીરસાગરમાંથી સૌપ્રથમ કોઈ રત્ન નીકળે તે પહેલાં જ અતિ ભયાનક,કાળું અને ખદખદતું 'હળાહળ' કાળકૂટ નામે વિષ નીકળ્યું. ઝેરની અતિ ઉગ્ર જ્વાળાઓ જોઈને બધા ભાગવા લાગ્યા કે અલ્યા,આપણે તો અમૃત અને રત્નો લેવા આવ્યા હતા,આ તો મહાવિનાશક ઝેર નીકળ્યું ! આ ઝેર કોણ પચાવે? બધા દોડ્યા ભગવાન વિષ્ણુ પાસે,પરંતુ વિષ્ણુ ભગવાને તો પહેલાં જ કહી દીધું કે આ ઝેર પચાવવાનું કામ મારૂં નથી,મારૂં કામ તો બાળભોગ અને રાજભોગ પચાવવાનું છે.બધા દેવો બ્રહ્માજી પાસે ગયા પણ તેઓ પણ તૈયાર થયા નહીં. ઝેરની ગરમીથી ત્રણેય લોક બળવા લાગ્યા હતા.
સંસાર રક્ષાર્થે મહાદેવનું વિષપાન અને 'નીલકંઠ નામનો મહિમા..
આવી અતિ વિકટ અને ભયાનક સ્થિતિમાં સર્વે દેવો,દૈત્યો અને ઋષિમુનિઓ કૈલાસ પર્વત પર સ્થિત ભગવાન શંકર પાસે ગયા અને આર્તપુકાર કરી કહ્યું કે "હે મહાદેવ ! વિશ્વને ભસ્મ થતું બચાવવા માટે આ વિષનો સ્વીકાર કરો." ભગવાન શંકર મૃદુ હાસ્ય સાથે સમગ્ર વિશ્વની રક્ષા માટે તૈયાર થયા.તેમણે સંપૂર્ણ નિર્લિપ્ત ભાવથી તે હળાહળ કાળકૂટ વિષને પોતાની અંજલિમાં લીધું અને ગટગટાવી ગયા.ભયાક્રાંત સંસાર ક્ષણવારમાં શાંત થઈ ગયો.વિષપાન કરીને સમગ્ર સૃષ્ટિનું રક્ષણ કરવાના આ મહાન કાર્યોને કારણે જ શંકર ભગવાનનું નામ 'મહાદેવ' થયું.
અહીં એક અદભુત રહસ્ય રહેલું છે:અમૃત પીએ તે દેવ પરંતુ પારકાં ઝેરને પીઈને પણ જે સંસારને અમર રાખે તે મહાદેવ ! અમૃત પીનારા તો આપણને બધે જ મળી રહે છે પરંતુ અન્યોના દુઃખ અને ઝેર પીનારા ભાગ્યે જ મળે છે પરંતુ મહાદેવે જે વિષ પીધું તેને પેટમાં ઉતરવા ન દીધું નહીંતર નસેનસમાં ફેલાઈને વિષ અનર્થ સર્જત કારણ કે શિવજીના ઉદરમાં આખું બ્રહ્માંડ સમાયેલું છે તેમજ તેમણે તે ઝેરને બહાર પાછું થૂંકી પણ ન દીધું નહીંતર બહારની સૃષ્ટિ ભસ્મ થઈ જાત.મહાદેવે તે વિષને પોતાના કંઠમાં જ
રોકી રાખ્યું.વિષના પ્રભાવથી તેમનો કંઠ નીલા રંગનો થઈ ગયો.આમ,જે વિષ એક દૂષણ હતું તે મહાદેવના કંઠમાં જઈને એક આભૂષણ બની ગયું ! કંઠ નીલો થવાના કારણે જ ભગવાન શિવ સમગ્ર જગતમાં 'નીલકંઠ' તરીકે પ્રસિદ્ધ થયા.
ભગવાન નીલકંઠ પ્રસંગમાંથી મળતું મહાન જીવન દર્શન..
શિવજીનું આ વિષપાન માનવજીવન માટે એક પરમ વ્યવહારિક ઉપદેશ આપે છે.આપણા રોજિંદા જીવનમાં પણ અનેકવાર કડવાશ,અપમાન અને કલેશરૂપી ઝેરનો સામનો કરવો પડે છે.આ ઝેર સામે માણસે કેવો વ્યવહાર કરવો જોઈએ તેનો માર્ગ શિવજી બતાવે છે.
કડવાશને પાછી થૂંકી ન દેવી,બાહ્ય કલેશ અટકાવવો: ઝેરને પાછું થૂંકી દેવું એટલે શું? જ્યારે કોઈ આપણને કડવી ઝેર જેવી વાતો કે ગાળો સંભળાવે ત્યારે સામેથી તેને બમણી કડવી વાતો સંભળાવવી કે સામા મેણાં મારવાં-તે ઝેરને થૂંકી દેવા બરાબર છે,પરિણામે ઝેર વધ્યા જ કરે છે.
આ સંદર્ભે સંત કબીરદાસજીનો સુંદર દોહો યાદ કરવા જેવો છે:
આવત ગાલી એક હૈ,ઊલટત હોય અનેક, કહે કબીર ના ઊલટીએ, વહી એક કી એક.. કોઈ ગાળ કે કડવું વચન આપે ત્યારે તે એક જ હોય છે.જો આપણે સામે ગાળ આપીએ તો તે વ્યાજ સાથે અનેક થઈને પાછી આવે છે.આમ ગાળોની આપ-લે ચાલ્યા કરે તો કલહ અગ્નિ જેવો મોટો થઈ જાય છે તેથી કબીરજી કહે છે કે સામો જવાબ ન આપવો,જેથી તે કડવાશ ત્યાં જ શાંત થઈ જાય.સંસારની
કડવાશને સહન કર્યા વિના મહાદેવના માર્ગે ચાલી શકાતું નથી.
કડવાશને પેટમાં ન ઉતારવી,આંતરિક ગૂંગળામણથી બચવું: મહાદેવ પેટમાં ઝેર ન ઉતારી ગયા તેનો અર્થ શું? કડવી વાતને માણસ મનમાં ઉતારી લે પછી તેને વારંવાર વાગોળી વાગોળીને મનોમન દુઃખી થયા કરે,યાદ કરી કરીને ક્લેશ અને ઈર્ષ્યા અનુભવ્યા કરે તો મહિનાઓ અને વર્ષો સુધી તે ઝેર તેના પોતાના મન અને શરીરમાં પ્રસર્યા કરે છે.આનાથી પૂરૂં જીવન વિષમય થઈ જાય છે તેથી કોઈની કડવી વાતની આંતરિક અસર પોતાના મન પર થવા દેવી નહીં.
કડવાશને કંઠમાં સ્થિર કરી પચાવી જવી,ગમ ખાઈ લેવો:મહાદેવે વિષને ગળામાં રોકી રાખ્યું, એનો અર્થ એ કે સંસારી માણસે કડવી વાત આવે ત્યારે તેને સહન કરી લેવી,ખંખેરી નાખવી અને ગમ ખાઈ લેવો.જે વ્યક્તિ કડવાશને પચાવી જાણે છે તે પોતાના કુટુંબને,સમાજને અને પોતાના આત્મકલ્યાણને બચાવી શકે છે.ગમ ખાવામાં અને ક્ષમતા રાખવામાં અપરંપાર શક્તિ રહેલી છે.
જીવનરૂપી સમુદ્રના મંથનમાંથી સૌપ્રથમ કડવાશ અને મુશ્કેલીઓરૂપી હળાહળ જ બહાર આવશે પરંતુ જે મનુષ્ય ધૈર્ય,વિવેક અને સહનશીલતાથી તે કડવાશને પોતાના કંઠમાં ધારણ કરી પચાવી જાણે છે તેના જીવનમાં જ પાછળથી સુખ,શાંતિ અને અમૃતનો અનુભવ થાય છે.નીલકંઠ મહાદેવનો આ પ્રસંગ આપણને સહનશીલતા,ત્યાગ અને સમર્પણ દ્વારા જગતનું કલ્યાણ કરવાનો અમર સંદેશ આપે છે.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)




