
મા જગદંબાના પ્રાગટ્ય,શિવ-સતીની ગાથા અને ભાદરવા પૂનમના મેળાનું મહાત્મય
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિમાં આદ્યશક્તિ ર્માં જગદંબાની ઉપાસનાનું વિશેષ અને સર્વોચ્ચ સ્થાન છે.સૃષ્ટિની ઉત્પત્તિ-સ્થિતિ અને સંહારના મૂળમાં પરમાત્માની આદિ શક્તિ જ કાર્યરત છે.હિન્દુ ધર્મગ્રંથોમાં ખાસ કરીને શ્રીમદ્ દેવી ભાગવત પુરાણ, માર્કન્ડેય પુરાણ અને વાલ્મીકી રામાયણ જેવા પવિત્ર ગ્રંથોમાં દેવીના વિવિધ અવતારો,તેમનું પ્રાગટ્ય,શિવ-શક્તિના દિવ્ય સંબંધો અને પૃથ્વી પર શક્તિ પીઠોની સ્થાપનાની અત્યંત રોમાંચક તથા રહસ્યમય કથાઓ આલેખવામાં આવી છે. ગુજરાતના ઉત્તર ભાગમાં બનાસકાંઠા જિલ્લાના આરાસુર-અંબાજી પર્વતની ગિરીમાળાઓમાં આવેલું અંબાજી ધામ એ ૫૧ શક્તિપીઠોમાં મુકુટ સમાન અને અગ્રગણ્ય સ્થાન ધરાવે છે.ભાદરવા સુદ પૂનમના પવિત્ર અવસરે અહીં યોજાતો ભવ્ય મેળો એ માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના માઈભક્તો માટે આસ્થા-ભક્તિ અને સમર્પણનો સૌથી મોટો મહાસાગર છે.
મા જગદંબાનું દિવ્ય પ્રાગટ્ય અને મહિષાસુર વઘ..
શ્રીમદ્ દેવી ભાગવત પુરાણ અનુસાર સૃષ્ટિના આરંભે જ્યારે ચારેય તરફ અંધકાર અને જળ બંબાકાર હતો ત્યારે પરબ્રહ્મ પરમાત્માની પરમ ઈચ્છાથી આદ્યશક્તિ મહામાયા પ્રગટ થયા.બ્રહ્મા-વિષ્ણુ અને મહેશ પણ આ શક્તિની જ ઉર્જાથી જગતની ઉત્પત્તિ-પાલન અને લયનું કાર્ય કરે છે.
મહિષાસુરનો ત્રાસ અને દેવીનું પ્રાદુર્ભાવ..
એક પૌરાણિક કથા મુજબ મહિષાસુર નામના અસુરે બ્રહ્માજીની કઠિન તપસ્યા કરીને એવું અમરત્વ જેવું વરદાન મેળવ્યું કે તેનું મૃત્યુ કોઈ પુરૂષ કે દેવતાના હાથથી ન થઈ શકે.આ વરદાનથી ઉન્મત્ત થઈને મહિષાસુરે સ્વર્ગ પર આક્રમણ કર્યું, દેવતાઓને પરાજિત કર્યા અને ત્રિલોકમાં હાહાકાર મચાવી દીધો. દેવતાઓ જ્યારે ત્રાસીને ભગવાન બ્રહ્મા-વિષ્ણુ અને મહેશના શરણે ગયા ત્યારે ત્રણેય દેવોના મુખમાંથી અને સમસ્ત દેવતાઓના શરીરમાંથી એક અદભૂત અને દિવ્ય તેજ બહાર આવ્યું.આ સમસ્ત તેજનો પુંજ એકત્રિત થઈને એક અતિ તેજસ્વી નારી સ્વરૂપમાં પરિવર્તિત થયો.આ જ જગદંબા મહાશક્તિ ર્માં જગદંબાનું પ્રાગટ્ય હતું. દેવતાઓએ પ્રસન્ન થઈને મા અંબાને પોતપોતાના દિવ્ય શસ્ત્રો અર્પણ કર્યા.શિવે ત્રિશૂળ,વિષ્ણુએ ચક્ર,વરૂણે શંખ,અગ્નિએ શક્તિ અને ઇન્દ્રોએ વજ્ર આપ્યું. દિવ્ય શસ્ત્રોથી સજ્જ થઈને ર્માં અંબાએ હિમાલય પર આવીને મહિષાસુરને યુદ્ધ માટે લલકાર્યો.મહિષાસુરે અનેક માયાવી રૂપ બદલીને દેવીને ભ્રમિત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ર્માં અંબાએ તેના દરેક પ્રપંચને નિષ્ફળ બનાવ્યો,અંતે માતાજીએ પોતાના ત્રિશૂળથી મહિષાસુરનો વધ કરી દેવલોકને મુક્ત કરાવ્યો.આથી જ માતાજીને મહિષાસુરમર્દિની તરીકે પૂજવામાં આવે છે.
ર્માં સતીનું પ્રાગટ્ય:દક્ષ પ્રજાપતિના ઘરે જન્મ..
બ્રહ્માજીના માનસ પુત્ર રાજા દક્ષ પ્રજાપતિએ સંસારની સૃષ્ટિના વિસ્તાર માટે ઘોર તપસ્યા કરી હતી.તેમની ભક્તિથી પ્રસન્ન થઈને આદ્યશક્તિ મહામાયાએ તેમને વરદાન આપ્યું કે તેઓ સ્વયં તેમના ઘેર પુત્રી તરીકે જન્મ લેશે.સમય જતાં દક્ષ પ્રજાપતિની પત્ની પ્રસૂતિના ગર્ભથી એક અત્યંત તેજસ્વી અને દિવ્ય કન્યાનો જન્મ થયો,તેમનું નામ સતી રાખવામાં આવ્યું.બાળપણથી જ માતા સતી અત્યંત ધર્મપરાયણ,તેજસ્વી અને શિવભક્ત હતા.જેમ જેમ સતી યુવાન થયા તેમ તેમ તેમના મનમાં દેવાધિદેવ મહાદેવ શિવ પ્રત્યે ગાઢ આકર્ષણ અને સમર્પણ ભાવ જાગૃત થયો. સતીએ મહાદેવને પામવા માટે કઠિન તપસ્યા કરી,તેમની આ કઠોર સાધનાથી પ્રસન્ન થઈને ભોલેનાથ શંકરે તેમને પોતાની પત્ની તરીકે સ્વીકાર્યા.શિવ અને સતીના વિવાહથી સમસ્ત દેવલોકમાં આનંદ છવાઈ ગયો કારણ કે આ વિવાહ માત્ર બે વ્યક્તિના નહીં પરંતુ પ્રકૃતિ અને પુરૂષ શિવ અને શક્તિનું દિવ્ય મિલન હતું.
રામાયણમાં વર્ણવેલ શિવ-સતીની કથા અને માતા સતીની પરીક્ષા..
વાલ્મીકી રામાયણ અને અન્ય પૌરાણિક ગ્રંથોમાં શિવ અને સતીની એક અત્યંત પ્રેરણાદાયી તથા રોમાંચક કથા આવે છે. એકવાર દેવી સતી અને ભગવાન શિવ ઋષિ અગસ્ત્યના આશ્રમે પધાર્યા,તે સમયે ભગવાન શ્રી રામ વનમાં પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે વસવાટ કરી રહ્યા હતા અને રાવણ દ્વારા સીતાનું અપહરણ થઈ ચૂક્યું હતું.ભગવાન શિવે શ્રી રામની કથા સાંભળી અને રામ નામનો જાપ કર્યો. ભગવાન શિવ જેમને પોતાના આરાધ્ય માને છે અને સદા રામ રામ નું સુમિરણ કરે છે તે શ્રી રામ એક સામાન્ય માનવીની જેમ પત્ની સીતાના વિરહમાં વનમાં કેમ રડે છે? આ વાત દેવી સતીના મનમાં સમજ ન આવી,તેમણે શિવજીને પૂછ્યું ત્યારે ભગવાન શિવે કહ્યું કે તેઓ પરબ્રહ્મ પરમાત્માના અવતાર છે,તેમની લીલા અગાધ છે. છતાં સતીના મનમાં શંકા રહી ગઈ. સતીની પરીક્ષા લેવાની જીદ જોઈને શિવજીએ તેમને જવાની પરવાનગી આપી.સતીએ સીતાજીનું રૂપ ધારણ કરીને શ્રી રામની પરીક્ષા લેવાનો પ્રયત્ન કર્યો પરંતુ સર્વજ્ઞ શ્રી રામે તરત જ તેમને ઓળખી લીધા અને હાથ જોડીને કહ્યું કે કૈલાશપતિ મહાદેવ સાથે આપ અહીં કેમ પધાર્યા છો?; આ ઘટના પછી સતીને પોતાની ભૂલનો અહેસાસ થયો કે તેમણે પોતાના પતિના આરાધ્ય ભગવાન શ્રી રામ અને માતા લક્ષ્મીના સ્વરૂપ સીતાજીનું રૂપ લઇ પરીક્ષા લઇને ભુલ કરી છે.જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે મહાદેવે અંતર્જ્ઞાનથી બધું જાણી લીધું અને સતીને કહ્યું કે આજે તમે માતા સીતાજીનું રૂપ ધારણ કર્યું છે,જે મારી માતા સમાન છે.આજથી તમે મારી પત્ની તરીકે રહી શકશો નહીં. આથી સતીએ માનસિક રીતે શિવજીને પોતાના પતિ માનીને પ્રાયશ્ચિત કર્યું.
દક્ષ પ્રજાપતિનો અહંકાર અને વિશાળ યજ્ઞ..
એકવાર બ્રહ્માજીની સભામાં મોટા-મોટા ઋષિઓ,મુનિઓ અને દેવતાઓ ઉપસ્થિત હતા,તે સમયે રાજા દક્ષ સભામાં આવ્યા.સભામાં ઉપસ્થિત તમામ લોકો તેમના સન્માનમાં ઊભા થયા પરંતુ દેવાધિદેવ મહાદેવ પોતાની સાધના મુદ્રામાં બેઠા હોવાથી ઊભા થયા નહીં. આ વાતથી દક્ષ પ્રજાપતિના મનમાં મહાદેવ પ્રત્યે ભારે તિરસ્કાર અને દ્વેષભાવ પેદા થયો.દક્ષે શિવજીને અપશબ્દો કહ્યા અને પ્રતિજ્ઞા લીધી કે હવે પછી તે ક્યારેય શિવજીને માન આપશે નહીં. સમય વીતતો ગયો.રાજા દક્ષે હરિદ્વાર પાસે બૃહસ્પતિ સવ નામનો એક મહાયજ્ઞનું આયોજન કર્યું.આ યજ્ઞમાં તમામ દેવતાઓને આમંત્રણ આપવામાં આવ્યું પરંતુ જાણી જોઈને પોતાના જમાઈ મહાદેવ શિવ અને પુત્રી સતીને આમંત્રણ મોકલવામાં આવ્યું નહીં.
પિતાના યજ્ઞમાં સતીનું આગમન અને દક્ષનું અપમાન..
જ્યારે આ યજ્ઞના સમાચાર માતા સતીને મળ્યા ત્યારે દેવી સતીને થયું કે પિતાના ઘરે મોટો ઉત્સવ છે તો પુત્રી તરીકે મારે જવું જોઈએ,તેમણે ભગવાન શિવને વાત કરી.શિવે સમજાવ્યું કે આમંત્રણ વગર જવું યોગ્ય નથી પરંતુ સતી મોહવશ રોકાઈ શક્યા નહીં અને પિતાના ઘરે પહોંચ્યા.તે સમયે સતીએ
નીતિવિષયક વાતો કહી કે ક્યા સ્થાને વિના આમંત્રણે જઇ શકાય તે કહ્યું..
પૌરાણિક શાસ્ત્રો,નીતિશાસ્ત્રો અને લોકવ્યવહાર અનુસાર સામાન્ય સંજોગોમાં વગર આમંત્રણે ક્યારેય ક્યાંય જવું યોગ્ય નથી માનવામાં આવતું પરંતુ કેટલાક વિશેષ અને વિશિષ્ટ સંજોગો એવા હોય છે જ્યાં આમંત્રણ ન હોવા છતાં પણ જઈ શકાય છે કે જવું ધર્મ-કર્તવ્ય બને છે.શાસ્ત્રો અને વ્યાવહારિક દ્રષ્ટિએ નીચે જણાવેલી જગ્યાઓ કે પ્રસંગો પર વગર આમંત્રણે જવાની છૂટ કે વિશેષ નિયમ છે. ગુરૂ-માતા-પિતા અને વડીલોનું ઘર..જો વ્યક્તિના માતા-પિતા,ગુરૂજી કે સાચા સંતોનું નિવાસસ્થાન હોય તો ત્યાં જવા માટે ક્યારેય આમંત્રણની જરૂર પડતી નથી.સંતાન કે શિષ્ય કોઈપણ સમયે પોતાના વડીલો કે ગુરૂના આશ્રમે કે ઘરે જઈ શકે છે.
દીકરીનું પિયર-માતા-પિતાનું ઘર..જેવી રીતે આ કથામાં માતા સતી પોતાના પિતાના ઘરે વગર આમંત્રણે ગયા હતા,તે સંદર્ભમાં લોકવ્યવહાર અને શાસ્ત્રો કહે છે કે દીકરી માટે પિયરનું ઘર એ પોતાનું જ ઘર ગણાય છે.દીકરી પોતાના પિયરમાં કોઈપણ રોકટોક વગર કે આમંત્રણ વિના ગમે ત્યારે જઈ શકે છે.હા,આ કથામાં અપવાદ એ હતો કે દક્ષ પ્રજાપતિએ દ્વેષભાવ રાખીને જાણી જોઈને અપમાન કરવાનો હેતુ રાખ્યો હતો,બાકી સામાન્ય રીતે દીકરીને પિયર જવા માટે આમંત્રણની આવશ્યકતા હોતી નથી. આપત્તિ કે સંકટ સમયે કોઈ મુશ્કેલીમાં ફસાયેલ મિત્ર કે સગા..જો કોઈ સગાંસંબંધી,મિત્ર કે પાડોશી મુશ્કેલીમાં હોય,આપત્તિમાં હોય અથવા બીમાર હોય તો ત્યાં આમંત્રણની રાહ જોયા વગર તાત્કાલિક સહાયતા માટે પહોંચી જવું જોઈએ.આને માનવતા અને પરમ ધર્મ માનવામાં આવ્યો છે. ધાર્મિક અનુષ્ઠાન-પૂજા કે યજ્ઞશાળા..કોઈ સાર્વજનિક ધાર્મિક સ્થળ,મંદિર,મહાયજ્ઞ કે સત્સંગ હોય, તો ત્યાં જવા માટે વિશેષ વ્યક્તિગત આમંત્રણની જરૂર હોતી નથી.ઈશ્વરના દરબારમાં અને ધાર્મિક કાર્યોમાં સૌને પ્રવેશવાનો અધિકાર હોય છે.
ભંડારો કે અન્નક્ષેત્ર..જ્યાં ગરીબો,જરૂરિયાતમંદો કે સાધુ-સંતો માટે અન્નદાન કે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યાં કોઈપણ વ્યક્તિ આમંત્રિત થયા વગર જઈને પ્રસાદ ગ્રહણ કરી શકે છે. જ્યારે સતી યજ્ઞમંડપમાં પહોંચ્યા ત્યારે દક્ષ પ્રજાપતિએ સતીને જોતાં જ ક્રોધે ભરાઈને જાહેરમાં તેમનું અને ભગવાન શિવનું ભારે અપમાન કર્યું.દક્ષે શિવજીને અમંગળકારી કહીને અપશબ્દો કહ્યા. પોતાના સ્વામી મહાદેવનું આ રીતે જાહેરમાં અપમાન સાંભળીને માતા સતીનો ક્રોધ સાતમાં આસમાને પહોંચ્યો.સતીએ ક્રોધમાં આવીને પિતા દક્ષને કહ્યું કે જે મુખથી મારા સ્વામી મહાદેવનું અપમાન કરવામાં આવ્યું છે તે મુખ જોવા યોગ્ય નથી. સતીએ યોગાગ્નિ પ્રગટ કરવાનો નિર્ણય કર્યો,તેમણે પોતાના યોગબળથી પોતાના જ શરીરમાં એવો અગ્નિ પ્રગટ કર્યો કે ક્ષણભરમાં તેમનું ભૌતિક શરીર ભસ્મીભૂત થઈ ગયું.આ અપ્રિય સમાચાર મળતા જ મહાદેવ ક્રોધ અને શોકથી બેબાકળ થઈ ગયા.શિવજીએ વીરભદ્રને મોકલીને દક્ષના યજ્ઞનો ધ્વંસ કરાવી નાખ્યો.
ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર અને અંગોનું પતન..
મહાદેવ પ્રિય સતીના મૃતદેહને ખભે ઉપાડીને આખા બ્રહ્માંડમાં પ્રલય તાંડવ કરવા લાગ્યા.સૃષ્ટિના વિનાશને અટકાવવા માટે ભગવાન વિષ્ણુએ પોતાના દિવ્ય સુદર્શનચક્રનો પ્રયોગ કર્યો.સુદર્શન ચક્રએ શિવજીના ખભા ઉપર રહેલા માતા સતીના પાર્થિવ શરીરના ૫૧ ટુકડા કરી નાખ્યા. જે-જે સ્થળો પર માતા સતીના શરીરના અંગો પડ્યા તે પવિત્ર સ્થળો શક્તિપીઠો તરીકે પ્રખ્યાત થયા.
અંબાજી ખાતે હૃદય પડવું અને પ્રથમ શક્તિપીઠની સ્થાપના..
શાસ્ત્રો અનુસાર જ્યારે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી સતીના શરીરના ભાગો વિખેર્યા ત્યારે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા આરાસુર-અંબાજી પર્વત પર માતા સતીનું હૃદય પડ્યું હતું.આ સ્થાનને તમામ શક્તિપીઠોમાં અગ્રગણ્ય માનવામાં આવે છે.અંબાજી ધામમાં ગર્ભગૃહમાં કોઈ ભૌતિક મૂર્તિ નથી પરંતુ પવિત્ર શ્રી યંત્રની પૂજા થાય છે અને અખંડ જ્યોત પ્રજ્વલિત રહે છે.
ભાદરવા પૂનમનો મેળો:આસ્થા અને ભક્તિનો સંગમ..
ભાદરવા સુદ પૂનમ એ મા અંબાનો પ્રાગટ્ય દિવસ ગણવામાં આવે છે.આ દિવસે લાખો ભક્તો પદયાત્રા કરીને અંબાજી પહોંચે છે અને બોલ મારી અંબે, જય જય અંબેના નાદથી વાતાવરણ ગુંજી ઉઠે છે.ર્માં સતીના પ્રાગટ્યથી લઈને તેમના હૃદયના પતન અને અંબાજીની સ્થાપના સુધીની આ દિવ્ય ગાથા અખૂટ શ્રદ્ધા અને સમર્પણનું પ્રતિક છે.અંબાજી ધામ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે,જ્યાં ભાદરવા પૂનમના મેળામાં મા જગદંબા સૌની મનોકામના પૂર્ણ કરે છે.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)




