
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત.
દેશમાં વધતા જતા વૃધ્ધાશ્રમ ની જ્યારે વાત કરીએ છીએ ત્યારે એક માતા-પિતા ચાર બાળકોને એકલે હાથે ઉછેરીને મોટા કરી શકે છે. પરંતુ ચાર બાળકો ભેગા મળીને પણ પોતાના માતા-પિતા ને સાચવી કેમ શકતા નથી? આપણે શરૂઆત કરીએ રેમન્ડના માલિક વિજયપત સિંઘાનિયાની દર્દભરી કહાનીથી. એક સમય હતો જ્યારે રેમન્ડના કપડા વિના કોઈ પણ લગ્ન પ્રસંગ અધૂરો ગણાતો હતો. જે વ્યક્તિએ રેમન્ડ ને ઘર ઘર સુધી પહોંચાડ્યું એજ વ્યક્તિને એક દિવસ પોતાના જ ઘરમાંથી બહાર નીકળી જવાની ફરજ પડી અને તેમના પોતાના જ ઘરમાંથી બહાર કાઢી મૂકનાર કોણ હતું જાણવું છે?
એ હતો તેમનો પોતાનો જ સગો પુત્ર જેનું નામ ગૌતમ સિંઘાનિયા છે. આ પુત્ર ને કારણે લાચાર વિજયપત સિંઘાનિયા ભાડાના મકાન માં રહેવા ગયા. છોકરાએ તેમની કાર અને ડ્રાઈવર પણ છીનવી લીધા અને કાનૂની લડાઈ લડતા-લડતા 28 માર્ચ, 2026 નો રોજ પધ્મભૂષણથી સન્માનિત રેમન્ડના સ્થાપક વિજયપત સિંઘાનિયાનું અવસાન થયું.
આ વિજયપત સિંઘાનિયા એવા વ્યક્તિ હતા જેઓ એક સમયે મુકેશ અંબાણીના એન્ટિલિયા કરતાં પણ ઊંચા મકાન માં રહેતા હતા. મુંબઈના મલબાર હિલ એરિયામાં 37 માળનું જે.કે. હાઉસ તેમનું સરનામું હતું. તેઓ વિમાન અને હેલીકોપ્ટરના ભારે શોખીન હતા. તેમની પાસે 5000 (પાંચ હજાર) કલાકોનો હવાઈ ઉડાનનો અનુભવ હતો. અને 67 વર્ષની ઉંમરે તેમણે હોટ એયર બલુનમાં વિશ્વની સૌથી ઊંચી ઉડાન ભરવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. પરંતુ જે વ્યક્તિ ક્યારેક આકાશમાં વિમાન ઉડાવતા હતા તેમને પોતાના જ દીકરાના કારણે જીવનનાં અંતિમ દિવસોમાં દર દરની ઠોકરો ખાવી પડી અને અંતે એક નાના ભાડાના મકાનમાં જીવનનો અંતિમ સમય પસાર કરવો પડયો હતો. આજે સમાજની કડવી વાસ્તવિકતા એ છે કે બે પરણેલા દીકરાના માતા-પિતા ને બંને દીકરાઓએ 15- 15 દિવસની ગોઠવણથી રાખવાનું નક્કી કર્યું. અને 31 મો દિવસ આવ્યો એટલે ઝઘડો શરૂ થઈ ગયો કે આ એક વધારાનો દિવસ માતા-પિતાને કોણ રાખશે?
આજે આપણા દેશના વૃધ્ધ માતા-પિતાને કેટલાક પુત્રો બાંકે બિહારીનાં દર્શન કરાવવાના બહાને વૃંદાવન લાવ્યા પછી તેમને રસ્તા પર લાવારીસ હાલતમાં છોડીને ચાલ્યા જાય છે. વૃન્દાવનમાં કેટલાય સ્ત્રી-પુરુષો આ રીતે રહીને જીવન ગુજારતા હોય છે.
જેમાં આપણે ઘણીવાર આપણા શહેરોમાં સફેદ સાડી પહેરીને ૬ થી ૭ ની ટુકડીઓમાં વૃધ્ધાઓને શેરીઓમાં ફરતી જોઈએ છીએ અને જ્યારે પૂછીએ કે આપ કહાંસે આતે હૈ ત્યારે એ કહે છે "હમ તો વૃન્દાવન સે આતે હૈ" એમની સાથે ઘણીવાર વૃધ્ધો પણ ૬ થી ૭ ની ટોળીમાં સફેદ કપડાઓમાં જોવા મળતાં હોય છે. ઉપરોક્ત બાબતો થી એક વાત ચોક્કસ છે કે રેમન્ડના માલિક વિજયપત સિંઘાનિયા એ એક ઈન્ટરવ્યુ માં જે કહ્યું હતું એ દરેક માતા-પિતા એ ગાંઠ બાંધવા જેવું છે. વિજયપત સિંઘાનિયા એ જણાવ્યું હતું કે "મેં જીવનમાં દીકરાને બધું જ આપીને સૌથી મોટી ભૂલ કરી હતી. મેં તેને (મારા દીકરાને) બધું જ આપ્યું, પણ એણે મારી પાસેથી બધું જ છીનવી લીધું હતું. મારી પાસે ભૂલથી થોડા પૈસા બચી ગયા હતા, જેના કારણે હું મારું પાછલું જીવન ભાડાના ઘરમાં વિતાવી રહ્યો હતો. નહીં તો હું રસ્તા પર આવી ગયો હોત." આ કિસ્સાથી માતા-પિતા સાવધાન?




