
કોંગ્રેસે પાંચ રાજ્યોમાં વાપર્યા એનાથી વધુ ભાજપે બંગાળમાં ખર્ચ્યા બંગાળની ચૂંટણી જીતવા ભાજપે છૂટા હાથે ૨૮૭ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યાે આસામ, બંગાળ, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં ભાજપનો ચૂંટણી ખર્ચ ૫૨૯ કરોડ : ચૂંટણીપંચ સમક્ષ રજૂ થયેલા અહેવાલમાં ખુલાસો
તૃણમૂલ કોંગ્રેસને હરાવીને ભાજપે પહેલી વખત પશ્ચિમ બંગાળમાં ભગવો લહેરાવ્યો હતો. ૨૯૩માંથી ૨૦૭ બેઠકો જીતીને સૌને ચોંકાવી દીધા હતા. તૃણમૂલ કોંગ્રેસને માત્ર ૮૦ બેઠકો મળી હતી. આ અણધાર્યા ચૂંટણી પરિણામોને સ્વીકારવાનો પૂર્વ સીએમ મમતા બેનર્જીએ ઈનકા કરીને ભાજપ સામે આરોપો લગાવ્યા હતા. આ ચૂંટણીમાં ભાજપે આવી સફળતા મેળવી તે માટે પાર્ટીએ છૂટા હાથે પૈસા વેર્યા હતા. ચૂંટણીપંચ સમક્ષ રજૂ થયેલા અહેવાલમાં આ ખુલાસો થયો હતો.ભાજપે બંગાળમાં કુલ ૨૮૬.૯૯ કરોડ રૂપિયાનો માતબર ખર્ચ કર્યાે હતો. એમાં પાર્ટીએ ૨૧૭.૧૬ કરોડ ખર્ચ્યા હતા ને ઉમેદવારોએ ૬૯.૮૩ કરોડનો ખર્ચ કર્યાે હતો. પશ્ચિમ બંગાળ સહિત કુલ પાંચ રાજ્યોની ચૂંટણી થઈ હતી, જેમાં આસામ, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીનો સમાવેશ થતો હતો. એ તમામ રાજ્યોમાં મળીને ભાજપે કુલ ૫૨૯.૩૮ કરોડનો ખર્ચ કર્યાે હતો.તેની સામે કોંગ્રેસે પાંચ રાજ્યોમાં ૨૪૮ કરોડનો ખર્ચ કર્યાે હતો. કોંગ્રેસે પાંચ રાજ્યોમાં જે ખર્ચ કર્યાે એનાથી વધુ ખર્ચ તો ભાજપે બંગાળમાં જ કરી નાખ્યો હતો. બંગાળમાં કોંગ્રેસે કુલ ૪૨ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યાે હતો. જેમાં ૧૨.૯૭ કરોડ પાર્ટીએ કર્યાે હતો અને ૨૯.૧૨ કરોડ ઉમેદવારોએ ખર્ચ્યા હતા. તૃણમૂલ કોંગ્રેસે રાજ્યની ચૂંટણીમાં કેટલો ખર્ચ કર્યાે હતો તેની જાણકારી સામે આવી નથી. ડાબેરી પાર્ટી સીપીઆઈએમએ ૮.૨૩ કરોડ રૂપિયા ચૂંટણી પ્રચાર પાછળ ખર્ચ્યા હતા.કેરળમાં કોંગ્રેસે ભાજપથી વધારે ખર્ચ કર્યાે હતો. કેરળમાં ભાજપે ૮૨ કરોડ ખર્ચી નાખ્યા હતા. તેની સામે કોંગ્રેસે ૧૦૫ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યાે હતો. કેરળમાં સીપીએમની સરકાર હતી. સીપીએમે ૨૮ કરોડનો ખર્ચ કર્યાે હતો. ભાજપે તમિલનાડુમાં ૯૬.૨૭ કરોડ, આસામમાં ૫૧ કરોડ, પુડુચેરીમાં ૧૧.૯૦ કરોડ ચૂંટણી કેમ્પેઈન પાછળ ફાળવ્યા હતા. આ ચૂંટણીઓ ચાલતી હતી ત્યારે ભાજપને ૧૪૭૨ કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું તો કોંગ્રેસને ૨૦૭ કરોડ રૂપિયા દાનમાં મળ્યા હતા.




