
અંતિમ ક્ષણોની વાત કરતાં ભાવુક થયો પુત્ર મોહસિન બોલિવૂડના જાણીતા અભિનેતા મુશ્તાક ખાન સુપુર્દ-એ-ખાક મુંબઈના યારી રોડ કબ્રસ્તાન ખાતે સુપુર્દ-એ-ખાક કરાયા, રજત બેદી, અલી ખાન સહિત અનેક કલાકારો હાજર રહ્યા
બોલિવૂડ જગતમાંથી એક અત્યંત દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. વેલકમ, ગદર અને હેરા ફેરી જેવી ચર્ચાસ્પદ ફિલ્મોમાં પોતાના શાનદાર અભિનયથી દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવનાર જાણીતા અભિનેતા મુશ્તાક ખાન હવે આ દુનિયામાં નથી રહ્યા. ગુરુવારે કેન્સર સામેની લાંબી લડાઈ લડ્યા બાદ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ફિલ્મોમાં ભલે તેમણે સહાયક ભૂમિકાઓ ભજવી હોય, પરંતુ તેમની અભિનય શૈલી હંમેશાં માટે અમર થઈ ગઈ છે.
અભિનેતા મુશ્તાક ખાન લાંબા સમયથી કેન્સરથી પીડિત હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. ગત ગુરુવારે તેમણે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આજે શુક્રવારે મુંબઈના યારી રોડ કબ્રસ્તાન ખાતે તેમને સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા હતા.
મુશ્તાક ખાનની અંતિમ વિદાયમાં ફિલ્મ જગતના અનેક દિગ્ગજાે હાજર રહ્યા હતા. અભિનેતા રજત બેદી તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. આ ઉપરાંત અભિનેતા અલી ખાન પણ સામેલ થયા હતા. અલી ખાને નાણાવટી હોસ્પિટલની પોતાની મુલાકાતને યાદ કરતા જણાવ્યું કે, જ્યારે હું મુશ્તાક ખાનને મળ્યો ત્યારે તેઓ મને જાેઈને હસી પડ્યા હતા અને ખૂબ ખુશ થયા હતા. આ સાથે અભિનેતા શહેબાઝ ખાન પણ અંતિમયાત્રામાં પહોંચીને તેમને અંતિમ વિદાય આપી હતી.
મુશ્તાક ખાનના પુત્ર મોહસિને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પિતાને કેન્સર થયું હતું અને શરૂઆતમાં તે પહેલી સ્ટેજ પર હતું, પરંતુ તે ક્યારે વધી ગયું તેની કોઈ ખબર જ ન પડી. જ્યારે અમને સાચી વાતની જાણ થઈ ત્યારે તેઓ આ દુનિયામાં નહોતા. તેઓ પોતાના અંતિમ દિવસોમાં પણ સતત હસતા રહ્યા હતા અને હસતા-હસતા જ આ દુનિયા છોડીને ગયા છે.
મોહસિને વધુમાં જણાવ્યું કે, પિતા સાથેની છેલ્લી વાતચીતમાં તેઓ ખૂબ જ ખુશ હતા અને કહ્યું હતું કે, હું આ દુનિયામાં આવીને ખૂબ ખુશ છું અને મેં જે કામ કર્યું છે, તે લોકો સુધી ચોક્કસ પહોંચ્યું છે. મુશ્તાક ખાનને હિન્દુસ્તાનમાં જન્મ લેવા બદલ ખૂબ જ ગર્વ હતો.




