
વિવાદ વચ્ચે દલેર મહેંદીની ભાવુક પોસ્ટ.મંત્રી સાથેના વિવાદ પર આખરે દલેર મહેંદીએ તોડ્યું મૌન.દલેર મહેંદીએ કપરા સમયમાં પોતાની પડખે ઊભા રહેનારા તમામ ચાહકો, મ્યુઝિક ઈન્ડસ્ટ્રી અને પરિવારજનોનો દિલથી આભાર માન્યો.પ્રખ્યાત પંજાબી ગાયક દલેર મહેંદીએ ઉત્તરાખંડના માં કુંજાપુરી પ્રવાસન અને વિકાસ મેળામાં પોતાના પરફોર્મન્સ દરમિયાન સર્જાયેલા વિવાદ અંગે આખરે મૌન તોડ્યું છે. દિવાળીના તહેવાર નિમિત્તે સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરીને તેમણે આ કપરા સમયમાં પોતાની પડખે ઊભા રહેનારા તમામ ચાહકો, મ્યુઝિક ઈન્ડસ્ટ્રી અને પરિવારજનોનો દિલથી આભાર માન્યો હતો.ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર મહિનામાં ઉત્તરાખંડમાં યોજાયેલા એક શો દરમિયાન સ્થાનિક મંત્રી સુબોધ ઉનિયાલે પરફોર્મન્સ અટકાવીને દલેર મહેંદી પર નશામાં હોવાનો અને લાઈવ ગાવાને બદલે લિપ-સિંક કરવાનો આરોપ લગાવ્યો હતો, જે બાદ મોટો વિવાદ ઊભો થયો હતો.પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં દલેર મહેંદીએ જણાવ્યું હતું કે, આ દિવાળીએ તેઓ તમામ લોકોના પ્રેમ અને વિશ્વાસ માટે અત્યંત આભારી છે. તેમણે લખ્યું કે, “આ મુશ્કેલ સમયમાં મારો પરિવાર મારી સૌથી મોટી તાકાત બન્યો છે. મારો ભાઈ મીકા સિંહ મારી સાથે ઢાલ બનીને ઊભો રહ્યો, જ્યારે મારી પત્ની તરન, પુત્ર ગુરદીપ અને પુત્રીઓએ પોતાના પ્રેમ અને ધીરજથી મને સંભાળ્યો. પરિવાર માત્ર એ નથી જ્યાં આપણો જન્મ થાય છે, પરંતુ એ લોકો પણ છે જે મુશ્કેલીના સમયે આપણી સાથે ઊભા રહે છે.” તેમણે ઉમેર્યું હતું કે ચાહકો પાસેથી મળેલા પ્રેમ અને સમર્થનને કારણે તેમના હૃદયમાં એક અનોખો પ્રકાશ ફેલાયો છે.આ સમગ્ર વિવાદ સામે આવ્યા બાદ દલેર મહેંદીના નાના ભાઈ અને ગાયક મીકા સિંહે મંત્રી સુબોધ ઉનિયાલના આક્ષેપોનો સખત વિરોધ કરીને પોતાના ભાઈનો બચાવ કર્યાે હતો. ત્યારબાદ સ્થિતિને સમજીને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પોતે પણ દલેર મહેંદી સાથે વાતચીત કરી ચૂક્યા છે. ગાયકે જણાવ્યું કે તેઓ પોતાને નસીબદાર માને છે કે ચાહકોનો આટલો મોટો પ્રેમ અને માન-સન્માન તેમને પોતાના જીવનકાળ દરમિયાન જ જાેવા અને અનુભવવા મળી રહ્યો છે.




