
(નીડર નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
ભારત જ્યાં માત્ર કાગળ ઉપર મજબૂત કાયદા સામે માનવતસ્કરો બેફામ અને બેખોફ બનીને બાળકોની તસ્કરી કરી રહ્યા છે. દેશમાં ૨૦૧૮ થી ૨૦૨૩ દરમિયાન પોણા ત્રણ લાખ બાળકો ગુમ થયા હોવાના સમાચાર છે. કારણ કે ગરીબી, ભૂખમરો અને લાચારીનો ફાયદો ઉઠાવીને ગુનાહિત ટોળકીઓ ફૂલ જેવા બાળકોને અપહરણ કરીને કે લલચાવી ફોસલાવી ને એવા અંધકારમાં ધકેલી દે છે, જ્યાંથી પાછા ફરવાની કોઈ ઉમ્મીદ બચતી નથી.
કાગળ ઉપર સેંકડો કલમો અને સંસ્થાઓ હોવા છતાં, આ ગંદી રમત નિર્વિરોધ ચાલી રહી છે. સૌથી વધુ ભય પેદા કરનારી બાબત તો એ છે કે, ગુમ થયેલા ૨.૭૫ લાખ કુલ બાળકોમાંથી ૬૨ હજારથી વધુ છોકરાઓ હતા, જ્યારે ૨ (બે) લાખ થી પણ વધુ સંખ્યા માત્ર અને માત્ર બાળકીઓની હતી.
આ આંકડો સીધો પુરાવો આપે છે કે બાળ તસ્કરીના કાળા બજારમાં બાળકીઓ સૌથી સરળ અને ક્રૂર નિશાનો બને છે. ૨૦૨૪ ના આંકડા મુજબ દેશભરમાં ૯૮,૩૭૫ બાળકો ગુમ થયાં, જે ૨૦૨૩ કરતાં ૮ (આઠ) ટકા વધુ હતા.
નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરો (NCRB) અનુસાર ૨૦૨૩ માં ગાયબ બાળકોની સંખ્યા ૯૧,૨૯૬ નોંધાઈ હતી, જે ૨૦૨૨ ના ૮૩,૩૫૦ ના આંકડાથી ૯.૫ ટકા વધારે હતી. ૨૦૨૦ થી અત્યાર સુધીમાં આશરે ૩૬ હજાર બાળકો એવાં છે જેઓ ગુમ થયા પછી આજ દિન સુધી ક્યારેય મળ્યાં જ નથી;
આપણા બંધારણના આર્ટિકલ ૨૩ માં સ્પષ્ટ શબ્દો માં માનવ તસ્કરી અને વેઠપ્રથા ઉપર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત દેશમાં અનૈતિક વેપાર નિવારણ અધિનિયમ (ITPA, 1956), પોક્સો (POCSO Act, 2012), કિશોર ન્યાય અધિનિયમ (Juvenile Justice Act, 2015), બાળ અને કિશોર શ્રમ નિષેધ કાયદા જેવા મજબૂત કાયદાઓ બનાવેલા છે.
પરંતુ આંતરરાજ્ય સ્તરે ફેલાયેલા તસ્કરીના અસલી સૂત્રધારો, વગદાર ફેક્ટરી માલિકો અને સેક્સ રેકેટ ચલાવતા ગુંડાઓ સુધી કાયદાના હાથ ક્યારેય પહોંચતા જ નથી.




