
અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ વિરાટ કોહલીનેને નિવૃત્તિ લેવા માટે મજબૂર કરાયો વસીમ જાફરનું સ્પષ્ટ કહેવું છે કે વિરાટ સાથે જે રીતે વર્તન કરવામાં આવ્યું હતું, તેનાથી તેઓ દુ:ખી થયા હતા વર્ષ ૨૦૨૫માં ૭ મે અને ૧૨ મે આ બે તારીખો ભારતીય ક્રિકેટના ચાહકો લાંબા સમય સુધી યાદ રાખશે. આ એ જ તારીખો છે, જ્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેના લગભગ દોઢ વર્ષ બાદ દિગ્ગજ ક્રિકેટર વસીમ જાફરે આ મુદ્દે ખુલ્લેઆમ વાત કરી છે. જાફરનું સ્પષ્ટ કહેવું છે કે વિરાટ સાથે જે રીતે વર્તન કરવામાં આવ્યું હતું, તેનાથી તેઓ દુ:ખી થયા હતા અને આખરે તેમને મજબૂરીમાં સંન્યાસ લેવો પડ્યો હતો.
વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ભારત માટે ત્રીજાે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન તરીકે નિવૃત્ત થયો હતો. તેમણે ૯૨૩૦ રન બનાવ્યા હતા. તે ૧૦૦૦૦ રનનો આંકડો સ્પર્શવાથી માત્ર ૭૭૦ રન દૂર હતો. જ્યારે ૮૯૩ રન વધુ બનાવ્યા હોત તો તેઓ સુનીલ ગાવસ્કરના ૧૦૧૨૨ રનના રેકોર્ડને પણ પાછળ છોડી શક્યા હોત. પરંતુ હવે હકીકત એ છે કે વિરાટ લાલ બોલના ક્રિકેટને અલવિદા કહી ચૂક્યો છે.
ગયા વર્ષે વિરાટ કોહલીના લાલ બોલથી પ્રેક્ટિસ કરતા અનેક વીડિયો સામે આવ્યા હતા. આ વીડિયોમાંથી સ્પષ્ટ જણાતું હતું કે તેઓ ઇંગ્લેન્ડ પ્રવાસની તૈયારી કરી રહ્યો હતો.
આવી સ્થિતિમાં ૧૨ મે ૨૦૨૫ના રોજ તેમની નિવૃત્તિના સમાચાર ખરેખર ક્રિકેટ જગત માટે ચોંકાવનારા હતા. વસીમ જાફરે પોતાની યુટ્યુબ ચેનલ પર જણાવ્યું હતું કે અજિત અગરકરના નેતૃત્વવાળી પસંદગી સમિતિથી પરેશાન થઈને વિરાટે નિવૃત્તિ લીધી હતી.
વસીમ જાફરે કહ્યું, “મને લાગે છે કે વિરાટ કોહલી સાથે જે રીતે વર્તન કરવામાં આવ્યું હતું, તેનાથી તે ખુશ નહોતા. વિરાટ જેવા ખેલાડી લોકોને સ્ટેડિયમ સુધી ખેંચી લાવે છે અને તેમની ચાહક સંખ્યા પણ ઘણી મોટી છે. વિરાટ હજી ઘણી ટેસ્ટ ક્રિકેટ રમી શક્યા હોત. જ્યાં સુધી આપણે વિરાટના મોઢેથી આ વાત સાંભળી શકતા નથી, ત્યાં સુધી આપણને સાચી હકીકત ખબર નહીં પડે. તેઓ ઇંગ્લેન્ડ પ્રવાસની તૈયારી કરી રહ્યા હતા.”
એ વાત પણ સાચી છે કે વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો હતો. જાેકે, તેમને ફોર્મમાં પાછા ફરવામાં વધારે સમય લાગતો નથી. વનડે ક્રિકેટમાં તેમના તાજેતરના આંકડા આ વાતનો પુરાવો છે. આ વર્ષે ૯ વનડે ઇનિંગ્સમાં તેમણે ૬૯ની શાનદાર સરેરાશથી ૫૫૨ રન બનાવ્યા છે.
ટેસ્ટ ફોર્મેટની વાત કરીએ તો, તેમની છેલ્લી ૭ ઇનિંગ્સમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર માત્ર ૩૬ રન હતો. છેલ્લી ૭ ઇનિંગ્સમાં તેમણે માત્ર ૮૫ રન બનાવ્યા હતા. જ્યારે છેલ્લી ૧૩ ટેસ્ટ ઇનિંગ્સમાં તેઓ માત્ર એક જ વખત ૫૦ રનનો આંકડો પાર કરી શક્યો હતો.




