
૬ વર્ષમાં દર્દીઓ ૬૫ ટકા વધ્યા! ગાંધીના ગુજરાતમાં નશાનો ભરડો: રોજ સરેરાશ ૩૪૪ યુવાનો સારવાર લેવા મજબૂર વ્યસનનો અર્થ માત્ર દારૂ કે ડ્રગ્સ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેમાં તમાકુ, ગાંજાે, અફીણ અને અન્ય નશાકારક પદાર્થાેનો પણ સમાવેશ થાય છે
ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ જેવા નશાકારક પદાર્થાેના સેવનના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો જાેવા મળી રહ્યો છે. સરકારી માનસિક આરોગ્ય હોસ્પિટલના આંકડા મુજબ, ‘સબ્સ્ટન્સ રીલેટેડ ડિસઓર્ડર્સ’ (નશાકારક પદાર્થાેના સેવન સાથે સંકળાયેલા કેસ) વર્ષ ૨૦૧૯-૨૦માં ૭૯,૦૯૮ હતા, જે વધીને ૧.૨૫ લાખ સુધી પહોંચી ગયા છે. આમ, માત્ર ૬ વર્ષમાં જ આ કેસોમાં ૯૫ ટકાનો મોટો ઉછાળો આવ્યો છે.નશાની શરૂઆત મોટે ભાગે મિત્રોની સંગત, ઉત્સુકતા, તણાવમાંથી મુક્તિ મેળવવાની ઇચ્છા કે માત્ર એક જ વાર અજમાવવાના વિચારથી થતી હોય છે. પરંતુ ધીમે ધીમે આ આદત એટલી ગંભીર બની જાય છે કે વ્યક્તિ લાખ પ્રયત્નો છતાં તેને છોડી શકતી નથી. નશાની આ અસરો માત્ર શારીરિક સ્વાસ્થ્ય પર જ નહીં, પરંતુ વિચારવાની ક્ષમતા, લાગણીઓ, પારિવારિક સંબંધો અને રોજગાર પર પણ ભારે નુકસાન પહોંચાડે છે.વ્યસનનો અર્થ માત્ર દારૂ કે ડ્રગ્સ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેમાં તમાકુ, ગાંજાે, અફીણ અને અન્ય નશાકારક પદાર્થાેનો પણ સમાવેશ થાય છે. કેટલાક કિસ્સાઓમાં વ્યક્તિ પદાર્થ સેવન પરનો કાબૂ ગુમાવી દે છે અને જીવનમાં અનેક મુશ્કેલીઓ ઊભી થવા છતાં તેનું સેવન ચાલુ રાખે છે. જાેકે, સક્ષમ માર્ગદર્શનથી આ સમસ્યામાંથી બહાર આવવું સંપૂર્ણપણે શક્ય છે.છેલ્લા એક દાયકામાં ગુજરાતમાં ડ્રગ્સનું સેવન કરનારાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને યુવાનોને ડ્રગ્સના રવાડે ચઢાવવા માટે એક સુવ્યવસ્થિત નેટવર્ક સક્રિય છે. રાજ્યમાંથી દર વર્ષે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાતું હોય છે, પરંતુ આ તો માત્ર હિમશીલાની ટોચ સમાન છે. જે ડ્રગ્સ ઝડપાય છે તેમાંથી માત્ર ૧૦ ટકા જ સત્તાવાર રીતે જાહેર થાય છે અને ૯૦ ટકા જેટલો જથ્થો વેચાણ માટે મૂકી દેવાતો હોય છે. ચર્ચા અનુસાર, આ ડ્રગ્સ નેટવર્કમાં રાજકારણીઓની પણ સંડોવણી હોવાનું મનાય છે.




