
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
ગુજરાતમાં વર્ષો પહેલાં થયેલાં કોમી રમખાણો અને તેના પરિણામે ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અશાંતધારા કાયદો અમલમાં આવ્યો હતો. તેનો મુખ્ય હેતુ કોમી તણાવગ્રસ્ત વિસ્તારોમાં મિલકતના વ્યવહારો દરમિયાન દબાણ, ધાકધમકી કે અન્યાયી સંજોગોમાં થતી મિલકતની હેરફેર અટકાવવાનો અને મિલકતના માલિકોના હિતોનું રક્ષણ કરવાનો હતો.
આ કાયદા હેઠળ જાહેર કરાયેલા અશાંત વિસ્તારમાં મિલકતના વેચાણ, ખરીદી કે ટ્રાન્સફર માટે કાયદામાં નિર્ધારિત મંજૂરીની પ્રક્રિયા અનુસરવી પડે છે. તેમાં સંબંધિત સત્તાધિકારી સમક્ષ વિગતો રજૂ કરવી, વ્યવહારની પરિસ્થિતિ તપાસવી અને કાયદા મુજબ નિર્ણય લેવાની જોગવાઈ છે. સરકારનો હેતુ જો નાગરિકોની સુરક્ષા અને મિલકતના માલિકોના હિતોનું રક્ષણ કરવાનો હોય તો તે આવકાર્ય છે. પરંતુ કોઈ પણ કાયદાનો અમલ એવો ન હોવો જોઈએ કે એક ચોક્કસ સમાજના નાગરિકોને તેમની પસંદગીના વિસ્તારમાં રહેવા, મિલકત ખરીદવા કે વેચવા માટે વ્યવહારમાં અસમાનતા અનુભવવી પડે.
અને છેલ્લી વાત: ગુજરાતને જોડવાનું છે, વહેંચવાનું નથી.
ગુજરાતની ઓળખ વેપાર, ઉદ્યોગ, શિક્ષણ, વિકાસ અને સામાજિક સૌહાર્દ છે. આ ઓળખને વધુ મજબૂત બનાવવાની જવાબદારી સરકારની પણ છે અને સમાજની પણ છે. અમે એવો સમાજ ઇચ્છીએ છીએ જ્યાં મુસ્લીમ યુવાન હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારમાં આત્મવિશ્વાસથી ઘર ખરીદી શકે અને હિન્દુ પરિવાર મુસ્લીમ બહુમતી ધરાવતા વિસ્તારમાં કોઈ ભય કે ભેદભાવ વિના રહી શકે. આ જ સાચું ભારત છે અને આ જ બંધારણીય લોકશાહી છે. અને આ જ સામાજિક એકતાનો સંદેશ છે.
અશાંતધારાનો હેતુ જો કોમી શાંતિ અને મિલકતના માલિકોનું રક્ષણ કરવાનો હોય તો તેની અમલવારીમાં કોઈ વાંધો ન હોવો જોઈએ. પરંતુ જો તેની જોગવાઈઓ કે અમલ નાગરિકોની સમાન તક, પસંદગી અને સામાજિક એકીકરણને અવરોધે છે તો તેના પર ખુલ્લી ચર્ચા અને કાયદાકીય સમીક્ષા થવી જ જોઈએ. અમારી માંગણી કોઈ વિશેષાધિકારની નથી. અમારી માંગણી સમાન અધિકાર, સમાન તક અને સન્માનપૂર્વક જીવન જીવવાની છે. ચાલો, સમગ્ર ગુજરાતમાં એક અવાજ ઉઠાવીએ: ધર્મના આધારે નહીં, ન્યાયના આધારે વહીવટ કરો ! ગુજરાતને જોડો, સમાજને વહેંચો નહીં !




