
ઊંચા વળતરની લાલચે સાત કરોડની ઠગાઇના આરોપીને જામીનનો ઇનકાર વ્યક્તિગત સ્વતંત્રતા સર્વાેપરી પણ એ નિરંકુશ નહીં મર્યાદિત છે: હાઇકોર્ટ હાલના સંજાેગોમાં ‘બેનામી’ વ્યવહારો અને અન્ય નાણાકીય વ્યવહારો અથવા છેતરપિંડીની શક્યતાને નકારી શકાય તેમ નથી ઊંચા વળતરની લાલચ આપી કરોડોની ઠગાઇના કેસમાં ૨૭ વર્ષીય યુવાનની રેગ્યુલર જામીન અરજી રદ કરતાં ચુકાદામાં હાઇકોર્ટે જામીન મારફતે વ્યક્તિને અપાતી સ્વતંત્રતાની પણ એક મર્યાદા હોવાની બાબતને નોંધી હતી. હાઇકોર્ટે એવું અત્યંત મહત્ત્વપૂર્ણ અવલોકન કર્યું હતું કે, સુપ્રીમ કોર્ટે વારંવાર એ બાબત ઉપર ભાર મૂક્યો છે કે સ્વતંત્રતાનો ખ્યાલ નિરંકુશ નથી, પરંતુ તે મર્યાદિત છે. અરજદારે રોકાણકારો સાથે ઠગાઇ કરી છે અને મની ટ્રેઇલ શોધવાની બાકી છે. હાલના સંજાેગોમાં ‘બેનામી’ વ્યવહારો અને અન્ય નાણાકીય વ્યવહારો અથવા છેતરપિંડીની શક્યતાને નકારી શકાય તેમ નથી. તેથી આ બાબતમાં અરજદારની સંડોવણી છે કે કેમ તે નક્કી કરવા માટે એક ઝીણવટભરી અને વ્યવસ્થિત તપાસ જરૂરી છે, હોઇ તેને જામીન પર મુક્ત કરી શકાય નહીં. અરજદાર આરોપી વિરુદ્ધ રાજકોટના ગાંધીગ્રામ-૨ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી અને એમાં રેગ્યુલર જામીન મેળવવા તેણે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં હાઇકોર્ટના જસ્ટિસ એચ.ડી. સુથારે આદેશમાં એવું અવલોકન કર્યું છે કે, સામાજિક હિતના ભોગે સ્વતંત્રતા નિરપેક્ષ હોતી નથી. સમાજનો કોઈ પણ ઘટક એવી રીતે વર્તી શકે નહીં કે જેના પરિણામે અન્ય વ્યક્તિઓના જીવન કે સ્વતંત્રતા જાેખમમાં મુકાય. એ કહેવાની જરૂર નથી કે એક સુસંસ્કૃત સમાજમાં સ્વતંત્રતાની પવિત્રતા સર્વાેપરી છે. જાેકે, કાયદાના શાસનને વરેલા લોકશાહી સમાજમાં, વ્યક્તિએ કાયદા દ્વારા માન્ય સામાજિક મર્યાદાઓમાં રહીને પોતાનો વિકાસ સાધવો અપેક્ષિત છે. વ્યક્તિગત સ્વતંત્રતા વ્યાપક સામાજિક હિત દ્વારા મર્યાદિત હોય છે. એક વ્યવસ્થિત સમાજમાં, વ્યક્તિએ કાયદા પ્રત્યે આદર રાખીને ગરિમાપૂર્ણ જીવન જીવવું અપેક્ષિત છે. આ એક પ્રસ્થાપિત સિદ્ધાંત છે કે સ્વતંત્રતાનો ખ્યાલ નિરંકુશ નહીં પરંતુ મર્યાદિત અને સીમિત છે.આ કેસમાં બંને પક્ષોની રજૂઆતોને સાંભળ્યા બાદ હાઇકોર્ટે આદેશમાં નોંધ્યું હતું કે,આ કેસના રેકર્ડની ચકાસણી કરતાં આરોપીનું નામ ફરિયાદમાં નોંધાયેલું છે. તેની વિરૂદ્ધ એ મતલબના આક્ષેપો છે કે તેણે ફરિયાદીને નાણાકીય રોકાણની સામે ઊંચા વળતરની લાલચ આપી હતી. ફરિયાદી અને અન્ય રોકાણકારોને તેણે દર્શાવ્યું હતું કે તે હોપ સ્યોર કેપીટલ નામની ફર્મ ચલાવે છે અને સ્ટોક માર્કેટના ધંધા સાથે સંકળાયેલો છે. તેણે રોકાણકારોને ૧૦ ટકા સુધીનું વ્યાજ આપવાનો વાયદો કરી રૂપિયા મેળવ્યા હતા. કુલ ૬.૯૫ કરોડ તેણે વિવિધ રીતે લીધા હતા. આ રૂપિયા લઇ લીધાં બાદ તેણે રોકાણકારોને ન તો મૂળ ન તો વ્યાજ કોઇ પણ રકમની ચુકવણી કરી નહોતી.




