
કેન્દ્ર સરકાર પર ભડક્યા સોનમ વાંગચુક કેન્દ્ર સરકાર પોતાના વચનોથી પીછેહટ કરી રહી છે : વાંગચુક લદ્દાખના નેતાઓ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય વચ્ચેની ઉચ્ચસ્તરીય બેઠક અનિર્ણાયક રહેતા સોનમ વાંગચુકે નારાજગી વ્યક્ત કરી તાજેતરમાં લદાખના નેતાઓ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય વચ્ચે થયેલી ઉચ્ચસ્તરીય વાતચીત કોઈ સંતોષકારક પરિણામ વિના જ સમાપ્ત થઈ છે. આ બેઠક અનિર્ણાયક રહેતા પ્રસિદ્ધ એન્વાયરમેન્ટ એન્ડ ક્લાઈમેટ એક્ટીવિસ્ટ સોનમ વાંગચુકે કેન્દ્ર સરકાર પર સખત નારાજગી વ્યક્ત કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે કેન્દ્ર સરકારે લદાખના લોકોને આપેલું વચન પૂર્ણ ન કરીને વચનભંગ કર્યું છે. વાંગચુકે આશ્ચર્ય વ્યક્ત કરતા સવાલ કર્યો કે, ‘આ કેવું રામરાજ્ય છે, જ્યાં વચનો તોડી નાખવામાં આવે છે?‘
સોનમ વાંગચુકે એક વીડિયો નિવેદનમાં જણાવ્યું હતું કે લદાખના લોકોને આશા હતી કે વાતચીતમાં કેટલાક નાના-મોટા મતભેદો જ સામે આવશે, પરંતુ વાસ્તવમાં બંને પક્ષો વચ્ચેનો તફાવત ખૂબ મોટો નીકળ્યો. તેમણે આરોપ લગાવ્યો કે સરકારે પ્રસ્તાવિત નાની વિધાનસભા આપવાની વાત કરી છે અને તેના અધિકારક્ષેત્રમાં મુખ્ય સચિવને પણ રાખવામાં આવશે નહીં. આ ઉપરાંત, બંધારણના અનુચ્છેદ ૩૭૧ હેઠળ વિશેષ સુરક્ષા ઉપાયો આપવાના વચનથી પણ સરકારે પીછેહઠ કરી છે.
વાંગચુકે યાદ અપાવ્યું કે લદાખના લોકોએ હંમેશાં દેશના દરેક યુદ્ધમાં અને મુશ્કેલ સમયમાં સાથ આપ્યો છે, પરંતુ પોતાના જ દેશની સરકાર દ્વારા આવું વર્તન થવાથી લોકોમાં ભારે નિરાશા અને રોષ ફેલાયો છે.
વાંગચુકે લદાખને લઈને ચીન દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે લદાખના નેતાઓ અને જનતાએ ચીનના નિવેદનની સખત નિંદા કરી છે અને ભારત સાથે જ રહેવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. તેમણે કટાક્ષ કર્યો કે ચીનના નિવેદનની નિંદા કર્યાના માત્ર ત્રણ જ કલાક બાદ લદાખના નેતાઓએ પોતાના જ દેશના ગૃહ મંત્રાલયના અધિકારીઓ સાથે બેસવું પડ્યું, જ્યાં તેમને માત્ર નિરાશા જ મળી. વાંગચુકે ૨૦૧૯માં લદાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવતી વખતે આપવામાં આવેલા લોકતાંત્રિક વ્યવસ્થા અને વિશેષ સુરક્ષાના વાદોને પણ યાદ કરાવ્યા હતા.




