
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
ભારતમાં શિક્ષણ સુધારણા અંગે વર્ષોથી ચર્ચાઓ ચાલતી રહી છે. સરકારો પોતપોતાના સ્તરે નવી નીતિઓ, યોજનાઓ અને મોડેલોની સિદ્ધિઓ ગણાવતી રહે છે. એવા દાવા કરાય છે કે પ્રાથમિક શિક્ષણમાં બાળકોની પહોંચ વધી છે, શાળાકીય માળખાકીય સુવિધાઓ સુધરી છે અને શિક્ષક-વિદ્યાર્થી ગુણોત્તરમાં સુધારો થયો છે.
આ ઉપલબ્ધિઓનું મહત્ત્વ ચોક્કસ છે, પરંતુ શિક્ષણની સફળતાનો આંક માત્ર શાળામાં નોંધાવવાના આંકડા પરથી ન કાઢી શકાય. વાસ્તવિક પ્રશ્ન એ છે કે કેટલા બાળકો નિયમિત શાળાએ જાય છે, કેટલા બાળકો પોતાનો અભ્યાસ પૂરો કરે છે અને સૌથી મહત્ત્વનું, કેટલા બાળકો આધુનિક સમયની જરૂરિયાતો મુજબનું જ્ઞાન મેળવી શકે છે?
આજે પણ શાળા અધવચ્ચેથી છોડી દેનારા બાળકોની સમસ્યા ગંભીર છે. ગરીબી અને આર્થિક લાચારી બાળકોને બાળમજૂરી કે ઘરકામ તરફ ધકેલી દે છે. પરિણામે શિક્ષણનો અધિકાર માત્ર કાગળ પર જ સુરક્ષિત દેખાય છે પણ તેનો વાસ્તવિક લાભ ગરીબ બાળક સુધી પહોંચતો નથી. આ સિવાય શાળાઓમાં સ્વચ્છતા અને સુવિધાઓના દાવાઓ વચ્ચે તૂટેલા શૌચાલયો, જર્જરિત શાળાના મકાનો અને સાધનોની અસમાન વહેંચણી કડવી વાસ્તવિકતા છે. ક્યાંક એક જ શિક્ષક અનેક વર્ગો સંભાળે છે તો ક્યાંક શિક્ષક અને વિદ્યાર્થીઓનું યોગ્ય સંતુલન જ નથી.
અને આ તમામ સમસ્યાઓનું મુખ્ય મૂળ શિક્ષણ ક્ષેત્રે પર્યાપ્ત જાહેર રોકાણનો અભાવ છે. દાયકાઓથી દેશના કુલ આંતરિક ઉત્પાદન (બજેટ) ના માત્ર ૬ ટકા રકમ શિક્ષણ પાછળ ખર્ચવાની ભલામણ કરવામાં આવે છે અને એને કારણે શિક્ષણની ગુણવત્તાનું ધોરણ નીચું જતા શિક્ષણ જગત સંકટમાં છે.




