
આમ આદમી પાર્ટીના સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ કમલેશ કોટેચાએ જણાવ્યું હતું કે ગુજરાતના આશરે દોઢ કરોડ વીજ ગ્રાહકો જેમાં કોમર્શિયલ, રેસિડેન્શિયલ, ઇન્ડસ્ટ્રિયલ કે ખેતી ક્ષેત્રના વીજ ગ્રાહકો સામેલ છે તેઓ અત્યારે પારાવાર સમસ્યાઓ ભોગવી રહ્યા છે. તેનું મુખ્ય કારણ એ છે કે હાલ ગુજરાતમાં ગંભીર વીજ કટોકટી સર્જાયેલી છે અને લોકોને પૂરતી તથા સમયસર વીજળી મળતી નથી. બીજી તરફ કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રિયલ અને રેસિડેન્શિયલ વીજ ગ્રાહકોને ત્યાં વીજ કંપનીના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરો દાદાગીરી કરીને, ધમકાવી તથા ડરાવીને સ્માર્ટ મીટર ફીટ કરી જાય છે. આ સ્માર્ટ મીટર ફીટ કર્યા પછી ગ્રાહકોના વીજ બિલ અને ખર્ચ ખૂબ જ વધી ગયા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. આમ છતાં ગુજરાતની ભાજપ સરકાર માત્ર મૂકપ્રેક્ષક બનીને જોઈ રહી છે જે અત્યંત નિંદનીય બાબત છે.
’આપ’ નેતા કમલેશ કોટેચાએ વધુમાં આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આટલું ઓછું હોય તેમ, વીજ કંપનીઓએ તાજેતરમાં અલગ-અલગ વીજસરચાર્જ અને બેઇઝ ચાર્જ મળીને 6.44 રૂપિયા જેટલો વધારે છે જેના કારણે યુનિટ દીઠ 30 થી 45 પૈસાનો વધારો થશે. એક તરફ વીજ ખર્ચ વધી ગયો છે, સ્માર્ટ મીટર ખૂબ જ ફાસ્ટ ચાલી રહ્યા છે અને બીજી તરફ ગુજરાતના વીજ ગ્રાહકોને પૂરતી અને સમયસર વીજળી મળતી નથી છતાં ગુજરાતની ભાજપ સરકાર તાયફા જોવામાં મગ્ન છે. તેથી હવે તમામે તમામ વીજ ગ્રાહકોએ જાગવાની જરૂર છે. અમે ગુજરાતના મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રીને સ્પષ્ટપણે કહીએ છીએ કે રાજ્યની પ્રજાને વીજળી બાબતે જે વિકટ સમસ્યાઓ ઊભી થઈ છે તેમાં સરકારે તાત્કાલિક ધોરણે નક્કર અને યોગ્ય કામગીરી કરવાની જરૂરિયાત છે.




