
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા) સુરત
કેન્દ્ર સરકારે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ ૧૯૮૯ના વ્યાપક સુધારાના ભાગરૂપે ઘણી ડ્રાઇવિંગ લાઇસન્સ સેવાઓ મફત બનાવવાનો અને લર્નિંગ લાઇસન્સ મેળવવા માટેની આવશ્યકતાઓને કડક બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે આ માટે એક ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે.
પ્રસ્તાવિત ફેરફારો હેઠળ અરજદારોએ હાલના ૭ દિવસના સમયગાળાની જગ્યાએ ૧૫ દિવસની અંદર સલામત-ડ્રાઇવિંગ ટ્યુટોરિયલ પૂર્ણ કરવાનું રહેશે. પાસ માર્ક ૬૦ ટકા વધીને ૭૫ ટકા થશે અને લઘુત્તમ ટ્યુટોરિયલનો સમયગાળો ૩૦ મિનિટ હશે.
ડ્રાફ્ટ નિયમોમાં ઓનલાઇન આધાર પ્રમાણીકરણ દ્વારા એક્સેસ કરવામાં આવતી સેવાઓ માટે ફી માફ કરવાનો પ્રસ્તાવ છે. ડ્રાઇવિંગ લાઇસન્સ ધારકના નામ અથવા અન્ય વિગતોમાં ફેરફાર
પણ મફત રહેશે; જ્યારે સરનામું, મોબાઇલ નંબર અથવા ઈ-મેઇલ આઇડી અપડેટ કરવા પર કોઇ ફી લાગશે નહીં.
સરનામાના પુરાવા તરીકે આધાર કાર્ડ, મતદાર ઓળખ કાર્ડ, પાસપોર્ટ અથવા સરકાર દ્વારા અપાયેલું ફોટો ઓળખ કાર્ડ રજૂ કરી શકાય છે. ઉંમર અથવા જન્મતારીખના પુરાવા માટે પાસપોર્ટ, માન્ય શૈક્ષણિક સંસ્થા દ્વારા અપાયેલી માર્કશીટ કે પ્રમાણપત્રનો સમાવેશ થાય છે.
ઓળખના પુરાવા તરીકે આધાર, માન્ય ભારતીય પાસપોર્ટ, સરકાર દ્વારા અપાયેલા ચોક્કસ સેવા કે પેન્શન દસ્તાવેજો અને સાથે પર્મનન્ટ એકાઉન્ટ નંબર (PAN) સ્વીકારવામાં આવશે.




