
યુદ્ધની અસર બજાર પર ચાંદીમાં એકાએક ૫,૦૦૦થી વધુનો ઉછાળો, સોનું પણ રૂ. ૧.૬૨ લાખને પાર ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને મજબૂત ડોલરની અસર ભારતીય રૂપિયા પર પડી : રૂપિયો ડોલર સામે ૦.૩% ગગડ્યો વધતા વૈશ્વિક તણાવને કારણે સ્થાનિક કોમોડિટી બજારમાં ગુરુવારે કિંમતી ધાતુઓના ભાવમાં તેજી જાેવા મળી છે. શરૂઆતી કારોબારમાં સોનામાં સામાન્ય ઘટાડો રહ્યા બાદ નીચલા સ્તરેથી આવેલી ખરીદીને પગલે સોનું અને ચાંદી બંને ફરી ઉછળ્યા છે.
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર બપોરે ૧.૩૬ વાગ્યા સુધીમાં એપ્રિલ ડિલિવરી વાળું સોનું ૦.૨૨% (રૂ.૩૬૧) વધીને રૂ.૧,૬૨,૧૫૦ પ્રતિ ૧૦ ગ્રામ પર ટ્રેડ કરતું જાેવા મળ્યું હતું. નિષ્ણાતોના મતે સોના માટે રૂ.૧,૫૬,૦૦૦ થી રૂ.૧,૫૭,૦૦૦નું સ્તર મજબૂત સપોર્ટ ઝોન છે. જાે સોનું રૂ.૧,૬૫,૦૦૦ની સપાટી પાર કરે છે, તો તે આગામી સમયમાં રૂ.૧,૭૫,૦૦૦ થી રૂ.૧,૮૦,૦૦૦ સુધી પહોંચી શકે છે.
ચાંદીના ભાવમાં આજે જાેરદાર મજબૂતી જાેવા મળી છે. MCX પર મે ડિલિવરી વાળી ચાંદી રૂ.૫,૯૧૧ (૨.૨૦%) ના ઉછાળા સાથે રૂ.૨,૭૪,૪૦૨ પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. વૈશ્વિક બજારમાં અસ્થિરતા છતાં ભારતીય બજારમાં ચાંદીમાં જાેરદાર લેવાલી જાેવા મળી રહી છે.
ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને મજબૂત ડોલરની અસર ભારતીય રૂપિયા પર પડી છે. ગુરુવારે રૂપિયો ડોલર સામે ૦.૩% ગગડીને ૯૨.૩૫૭૫ ના ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચી ગયો છે. આ અગાઉ આ જ સપ્તાહમાં રૂપિયો ૯૨.૩૪૭૫ ના સ્તરે પહોંચ્યો હતો, જે રેકોર્ડ આજે તૂટ્યો છે.
પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં વધતા તણાવને કારણે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાનો માહોલ છે. જાેકે, વૈશ્વિક સ્તરે સ્પોટ ગોલ્ડમાં ૦.૨% નો સામાન્ય ઘટાડો નોંધાયો છે, પરંતુ ભારતીય બજારમાં ડોલર સામે રૂપિયાની નબળાઈને કારણે કિંમતી ધાતુઓ મોંઘી થઈ રહી છે.




