
ગુજરાતમાં ઠંડીનું જાેર ઘટશે આગામી બે દિવસમાં લઘુતમ તાપમાન ૩ ડિગ્રી સુધી વધવાની શક્યતા ગાંધીનગર, અમરેલી, રાજકોટ, ડાંગ, પોરબંદર અને ડીસામાં પણ લઘુતમ તાપમાન ૧૫ ડિગ્રીથી નીચે નોંધાયું
ઉત્તર ભારત તરફથી ફૂંકાઈ રહેલા ઠંડા પવનોને કારણે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું પ્રમાણ વધ્યું છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડા પવનોની અસરથી લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. જાેકે, હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી બે દિવસમાં રાજ્યના લઘુતમ તાપમાનમાં ૨થી ૩ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે. પરિણામે રાજ્યમાં ઠંડીનું જાેર ઘટશે અને લોકોને આંશિક રાહત મળી શકે છે. હવામાન વિભાગના તાજેતરના આંકડા મુજબ, રવિવારની રાત્રે કચ્છના નલિયામાં ૧૧ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. સામાન્ય કરતાં ૩.૫ ડિગ્રીનો ઘટાડો થતાં નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું હતું. નલિયા ઉપરાંત ગાંધીનગર, અમરેલી, રાજકોટ, ડાંગ, પોરબંદર અને ડીસા સહિતના શહેરોમાં પણ લઘુતમ તાપમાન ૧૫ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. આમ, ઠંડીની અસર માત્ર કચ્છ પૂરતી મર્યાદિત ન રહેતાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં પણ જાેવા મળી રહી છે.
અમદાવાદમાં પણ ઠંડીનો ચમકારો યથાવત્ રહ્યો છે. શહેરમાં ૧૫.૫ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું, જે ચાલુ સિઝનનું અત્યાર સુધીનું સૌથી નીચું તાપમાન છે. સામાન્ય કરતાં ૦.૫ ડિગ્રીનો ઘટાડો નોંધાતાં વહેલી સવારે ઠંડીનો અહેસાસ વધુ થયો હતો. જાેકે, હવામાન વિભાગના અનુમાન મુજબ અમદાવાદમાં આગામી ત્રણ દિવસ દરમિયાન લઘુતમ તાપમાન વધીને આશરે ૧૭ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બેથી ત્રણ દિવસમાં લઘુતમ તાપમાનમાં તબક્કાવાર વધારો થવાની શક્યતા છે. તાપમાનમાં ૩ ડિગ્રી સુધીનો વધારો થતાં હાલની ઠંડીની તીવ્રતામાં ઘટાડો થશે. જાેકે, વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ યથાવત્ રહી શકે છે. હાલ ઉત્તર ભારત તરફથી આવતા ઠંડા પવનો ગુજરાતના હવામાનને અસર કરી રહ્યા છે. આગામી દિવસોમાં પવનની સ્થિતિ અને તાપમાનમાં થતા ફેરફારને પગલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ બદલાઈ શકે છે. આમ, કાતિલ ઠંડીનો અનુભવ કરી રહેલા ગુજરાતીઓને આગામી દિવસોમાં આંશિક રાહત મળવાની આશા છે.




