
મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો.ગાંધીનગરમાં સોનાની લગડીઓ અને રોકડ ચોરનારી ઘરઘાટી મહિલા ઝડપાઇ.વૃદ્ધ મકાન માલિક બહાર ગયા અને તકનો લાભ લઇ દાગીના અને રોકડ રકમ ચોરી લીધા : ૩૪ લાખનો મુદ્દામાલ જપ્ત.ગાંધીનગર શહેરના સેક્ટર – ૭માં આવેલા મકાનમાં કચરા-પોતા કરનાર ઘરઘાટી મહિલાએ બે માસ અગાઉ સોના-ચાંદીની લગડીઓ અને રોકડા રૂપિયાની ચોરીને અંજામ આપ્યો હતો. તે મહિલાને ગાંધીનગર LCB-2 ની ટીમે આજે ઝડપી લઇ તેની પાસેથી સોના-ચાંદીના દાગીના અને ૯૪,૫૦૦ની રોકડ સહિત અંદાજે રૂ. ૩૫ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
કામ કરતી વખતે ઘરમાં કબાટ ખુલ્લું જાેવા મળતાં તેમાંથી રૂપિયા ૫૦૦ના ચલણની નોટોના બંડલ પણ ચોરી કરીને લઇ ગઇ હતી. મિલકત સંબંધી અને નોકર દ્વારા થતી ચોરીના વધતા ગુનાને અંકુશમાં લેવા અને ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લેવા માટે ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીએ એક્શનપ્લાન તૈયાર કરવા LCB-2 ના પીઆઇ એચ.પી પરમારને તાકિદ કરી હતી. તેના આધારે પીઆઇની સૂચના મુજબ પીએસઆઇ કે.કે પાટડિયા અને એન.બી રાઠોડે જુદી જુદી ટીમ બનાવી બનાવની જગ્યાની વિઝિટ કરી ચોરીને અંજામ આપનારા શખ્સોની મોડસ ઓપરેન્ડીના આધારે ગુનાનો ભેદ ઉકેલવા કામે લગાડી હતી. તે દરમિયાન પીએસઆઇ પાટડિયાની ટીમને મળેલી બાતમીના આધારે મકાનમાં ચોરી કરનારી ઘરઘાટી અપ્લાબેન રાજેશભાઇ દત્ત (રહે- પ્લોટ નં-૭૫૨-૨ સેક્ટર-૭-બી, ગાંધીનગર)ને ઝડપી લીધી હતી અને તેના પર્સની તપાસ કરતા અંદરથી સોના-ચાંદીની ૮થી વધુ લગડીઓ અને ચાંદીના વાટકા મળી આવ્યા હતાં.
તેની કિંમત રૂ. ૩૩,૭૫,૦૩૬ થાય છે. આ ઉપરાંત રૂ. ૫૦૦ના દરની ચલણની નોટોના બંડલની ગણતરી કરતા રૂ. ૯૪,૫૦૦ની રોકડ મળી હતી. સોનાની લગડીઓ વેચવા માટે બજારમાં ફરતી હતી ત્યારે અપ્લાબેનને પોલીસે ઝડપી પાડી હતી.પોલીસની પૂછપરછમાં ઘરઘાટી અપ્લાબેન રાજેશભાઇ દત્તે જણાવ્યું હતું કે સેક્ટર-૭માં રહેતા રમણલાલ ઠક્કરના મકાનમાં તે કચરા-પોતાનું ૧૦ વર્ષથી ઘરકામ કરે છે અને આજથી બે માસ અગાઉ તે બેડરૂમમાં કચરો વાળતી હતી ત્યારે લાકડાનું કબાટ ખુલ્લું જાેવા મળ્યું હતું અને ઘરમાં કોઇ હાજર ન હતું. જેથી સોનાની લગડીઓ, ચાંદીની વાટકી અને રૂ. રૂ. ૫૦૦ના દરની ચલણી નોટનું બંડલ ચોરી લીધું હતું.




