
‘ચૌહાણ’નું દિગ્દર્શન નીરજ યાદવ કરી રહ્યા છે કારગિલમાં ‘ચૌહાણ’નું શૂટિંગ શરૂ, ૨૩ વર્ષ બાદ લદ્દાખ પરત ફર્યાે અજય નીરજ યાદવના દિગ્દર્શનમાં બની રહેલી વૉર ડ્રામા ફિલ્મ ૧ ઑક્ટોબર, ૨૦૨૭ના રોજ રિલીઝ થશે અજય દેવગન દૃશ્યમની સફળતા સાથે પોતાની આગામી વૉર ડ્રામા ફિલ્મ ‘ચૌહાણ’ના શૂટિંગ માટે લદ્દાખના કારગિલ પહોંચ્યો છે. અહેવાલો અનુસાર, અજયે થોડા દિવસ પહેલાં કારગિલમાં શૂટિંગ શરૂ કર્યું છે. ફિલ્મનાં કેટલાંક મહત્ત્વપૂર્ણ દૃશ્યો આ સુંદર પર્વતીય વિસ્તારમાં ફિલ્માવવામાં આવશે.લદ્દાખના એક સુત્રના જણાવ્યા અનુસાર, ફિલ્મનાં નિર્માતાઓએ શૂટિંગ માટે જરૂરી મંજુરીઓ અગાઉથી મેળવી લીધી છે અને શૂટિંગ સરળતાથી પૂરું થાય તે માટે ખાસ વ્યવસ્થાઓ પણ કરી છે. કારગિલમાં હાલ ઠંડીનું પ્રમાણ વધુ છે, જે ફિલ્મનાં દૃશ્યોને વાસ્તવિક બનાવશે.અજય દેવગન માટે લદ્દાખમાં શૂટિંગ કરવાનો આ પહેલો અનુભવ નથી. વર્ષ ૨૦૦૩માં જે. પી. દત્તાની વૉર ફિલ્મ ‘એલઓસી: કારગિલ’ના કેટલાંક મહત્ત્વપૂર્ણ દૃશ્યોનું શૂટિંગ પણ તેમણે આ પર્વતીય વિસ્તારમાં કર્યું હતું. હવે લગભગ ૨૩ વર્ષ બાદ તેઓ ફરી આ જ વિસ્તારમાં ફિલ્મના શૂટિંગ માટે પરત ફર્યા છે.‘ચૌહાણ’નું દિગ્દર્શન નીરજ યાદવ કરી રહ્યા છે, જ્યારે જ્યોતિ દેશપાંડે, આનંદ એલ. રાય અને હિમાંશુ શર્મા નિર્માતા તરીકે જાેડાયેલા છે. જિયો સ્ટુડિયોઝ અને કલર યેલો પ્રોડક્શન્સના સહયોગથી બની રહેલી આ ફિલ્મની જાહેરાત ૨૫ જૂન, ૨૦૨૬ના રોજ અજય દેવગનના પિતા અને જાણીતા એક્શન ડિરેક્ટર વીરુ દેવગનની જન્મજયંતી નિમિત્તે કરવામાં આવી હતી.ફિલ્મની જાહેરાતના વીડિયોમાં ‘જુમ્મા ચુમ્મા દે દે’ ગીતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વીડિયોના અંતે સંવાદ સંભળાય છે, “પઠાણોને કહેજાે, ચૌહાણ આવી રહ્યો છે.” ‘ચૌહાણ’ અજય દેવગન અને દિગ્દર્શક આનંદ એલ. રાયની પ્રથમ ફિલ્મ છે. આ ફિલ્મ ૧ ઑક્ટોબર, ૨૦૨૭ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.




