
લોકોની મુસાફરીની આદત બદલાઈ અમદાવાદમાં ટ્રાફિક-પાર્કિંગની મુશ્કેલીના કારણે કેબ, રાઇડ અને સાયકલનો ક્રેઝ અમદાવાદમાં સ્માર્ટફોન એપ્સ દ્વારા સરળ બુકિંગ સુવિધાને કારણે લોકોની મુસાફરીની આદતો બદલાઈ
એક સમય હતો જ્યારે પરિવારની સામાજિક ઓળખ ઘરની બહાર પાર્ક કરેલા વાહનોથી થતી હતી. જાે કે, આજે બદલાતા શહેરી જીવનમાં અનેક લોકોને સવાલ થાય છે કે, આ ભયાનક ટ્રાફિક અને પાર્કિંગની મુશ્કેલીઓ વચ્ચે પોતાનું વાહન રાખીને તેનો ખર્ચ ઉઠાવવો કે જરૂરિયાત મુજબ કેબ, બાઈક કે સાયકલ ભાડે લઈને મુસાફરી કરવી? સ્માર્ટફોન અને વિવિધ એપ દ્વારા સરળતાથી વાહન બુક કરવાની સુવિધાએ લોકોની મુસાફરીની આદતોમાં મોટો ફેરફાર લાવ્યો છે. ખાસ કરીને અમદાવાદ, સુરત કે રાજકોટ જેવા ઝડપથી વિસ્તરતા શહેરમાં રેલવે સ્ટેશન કે એરપોર્ટથી ઘર સુધી પહોંચવા, ઓફિસ જવા કે ટૂંકા અંતરની મુસાફરી માટે કેબ, બાઇક રાઇડ કે શેર કરવાના વિકલ્પો ઝડપથી લોકપ્રિય બની રહ્યા છે.
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા કેટલાક આંકડા જાહેર કરાયા છે.
અમદાવાદ જંક્શન (કાલુપુર): ટ્રાન્ઝિટ હબ તરીકે સપ્ટેમ્બર ૨૦૨૫થી અત્યાર સુધીમાં ૧૦ લાખ (૧ મિલિયન)થી વધુ કેબ બુકિંગ નોંધાયા છે.
સાબરમતી સ્ટેશન: સપ્ટેમ્બર ૨૦૨૫થી અત્યાર સુધીમાં ૧.૫ લાખ (૧૫૦,૦૦૦) થી વધુ બાઈક રાઈડ્સ નોંધાઈ છે.
આ આંકડા સ્પષ્ટ દર્શાવે છે કે રેલવે સ્ટેશને પહોંચવા અને ત્યાંથી આગળની મુસાફરી (લાસ્ટ માઈલ કનેક્ટિવિટી) માટે એપ-આધારિત વાહનસેવાનો ઉપયોગ ઉત્તરોત્તર વધી રહ્યો છે.
અમદાવાદમાં આ નવો ટ્રેન્ડ માત્ર કેબ કે બાઈક પૂરતો સીમિત નથી. જાહેર સાયકલ શેરિંગ (Public Bicycle Sharing) અંગેના એક અભ્યાસ મુજબ શહેરમાં ૫,૭૭,૨૨૮ થી વધુ સાયકલ રાઈડ્સ નોંધાઈ હતી. ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાઓ અને મનોરંજનના સ્થળોની આસપાસ સાયકલનો ઉપયોગ વધુ જાેવા મળ્યો હતો. ટૂંકા અંતરની મુસાફરી અને ફિટનેસ/મનોરંજન માટે લોકો સાયકલ પસંદ કરી રહ્યા છે. આમ, વાહનો ભાડે લેવાનો અર્થ માત્ર મોટી ગાડીઓ વાપરવી નથી, પણ પોતાની જરૂરિયાત મુજબ યોગ્ય સાધન પસંદ કરવું તેવો થાય છે. પોતાનું વાહન ખરીદવામાં ડાઉન પેમેન્ટ, બેંક લોનના હપ્તા (EMI), વીમો (Insurance), પાર્કિંગ, સર્વિસ-મેન્ટેનન્સ અને બળતણનો નિયમિત ખર્ચ થાય છે. જ્યારે બીજી તરફ, કેબ કે બાઈક સેવામાં માત્ર કરેલી મુસાફરીનું જ ભાડું ચૂકવવું પડે છે. વાહનની ખરીદી ત્યારે જ યોગ્ય સાબિત થાય છે, જ્યારે વ્યક્તિએ રોજ લાંબુ અંતર કાપવાનું હોય. આ ઉપરાંત રેન્ટલ/કેબ સેવા એ લોકો માટે યોગ્ય છે, જેમને ક્યારેક જ વાહનની જરૂર પડતી હોય અથવા પાર્કિંગની સમસ્યા નડતી હોય.
નોંધનીય છે કે, મુસાફરીનો કયો વિકલ્પ સસ્તો અને યોગ્ય રહેશે, તેનો આધાર વ્યક્તિના રોજના કિલોમીટર, મુસાફરીની આવૃત્તિ, પાર્કિંગની સ્થિતિ અને વાહનના ઉપયોગ પર રહેલો છે.




