
સેન્સરની સરપ્રાઇઝ.‘હેપ્પી પટેલ: ખતરનાક જાસૂસ’માં મોટાભાગની ગાળો, અપશબ્દોને મંજૂરી.થોડા સમય પહેલાં જ ‘ધુરંધર’માં ‘એ’ રેટિંગ હોવા છતાં કેટલીક ગાળોને મ્યુટ કરવામાં આવી હતી.ધમાલ કોમેડી ફિલ્મ ‘હેપ્પી પટેલ: ખતરનાક જાસૂસ’ ૧૬ જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે અને તેનું અનોખું ટ્રેલર, કાસ્ટિંગ તેમજ આમિર ખાન પ્રોડ્યૂસર તરીકે અને એક કેમિયો માટે ફિલ્મ સાથે જાેડાયેલો હોવાના કારણે ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા તેના ડિરેક્ટર વિર દાસે કહ્યું હતું કે, ફિલ્મને ‘એ’ સર્ટિફિકેટ મળ્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને ‘હેપ્પી પટેલ: ખતરનાક જાસૂસ’ને ‘એ’ સર્ટિફિકેટ સાથે પાસ કરી છે. જાેકે, સેન્સરે થોડા ફેરફાર કરવા કહ્યું છે. ચાર જગ્યાએ સંવાદોને યોગ્ય વન-લાઇનર્સથી બદલવા જણાવાયું છે. પરંતુ કટ લિસ્ટમાં આ સંવાદોની વિગત આપવામાં આવી નથી. બીજું, ‘બ્રાઉન’ શબ્દવાળો એક સીન ડિલીટ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ સીન ૪૩ સેકન્ડનો હતો અને તેની જગ્યાએ ૨૧ સેકન્ડનો મંજૂર કરાયેલો સીન મૂકવામાં આવ્યો છે. અંતમાં, તમામ એન્ટી-આલ્કોહોલ, સ્મોકિંગ અને તમાકુ સંબંધિત ડિસ્ક્લેમર્સના ફોન્ટ સાઈઝ વધારવા માટે પણ નિર્માતાઓને સૂચના આપવામાં આવી છે.
સારા સમાચાર એ છે કે ‘હેપ્પી પટેલ ખતરનાક જાસૂસ’માં ઘણી ગાળો અને અપશબ્દો છે અને તે તમામને મંજૂરી આપવામાં આવી છે. હકીકતમાં, લાંબા સમય બાદ સેન્સર આટલું ઉદાર બન્યું હોય એવું કહી શકાય.થોડા સમય પહેલાં જ ‘ધુરંધર’માં ‘એ’ રેટિંગ હોવા છતાં કેટલીક ગાળોને મ્યુટ કરવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ પણ છે કે સામાન્ય રીતે આવા પ્રકારની ફિલ્મોમાં એક્ઝામિનિંગ કમિટી અનેક કટ્સ માંગે છે, જેથી નિર્માતાઓને રિવાઇઝિંગ કમિટી પાસે જવું પડે અને ઓછી કાપકૂપની આશા રાખવી પડે છે. પરંતુ ‘હેપ્પી પટેલ: ખતરનાક જાસૂસ’ના કેસમાં ઈસીએ જ ફિલ્મને ઓછામાં ઓછા ફેરફારો સાથે પાસ કરી દીધી છે. ‘હેપ્પી પટેલ: ખતરનાક જાસૂસ’ના નિર્માતાઓને ૧૩ જાન્યુઆરીએ સેન્સર સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. સર્ટિફિકેટમાં દર્શાવ્યા મુજબ ફિલ્મની લંબાઈ ૧૨૧.૪૨ મિનિટ છે. એટલે કે ‘હેપ્પી પટેલ: ખતરનાક જાસૂસ’ ૨ કલાક, ૧ મિનિટ અને ૪૨ સેકન્ડ લાંબી છે. ‘હેપ્પી પટેલ: ખતરનાક જાસૂસ’નું ડિરેક્શન વીર દાસ અને કવિ શાસ્ત્રીએ કર્યું છે અને પ્રોડ્યૂસર્સ તરીકે વીર, કવિ, આમિર ખાન અને અપર્ણા પુરોહિત જાેડાયેલા છે. ફિલ્મમાં વીર દાસ, મોના સિંહ, મિથિલા પાલકર સહિત અન્ય કલાકારો મહત્વના રોલમાં જાેવા મળશે.




