
ઠગ લાખો રૂપિયા સેરવી ગયો.એક્ટર દિપક તિજાેરી સાથે ફિલ્મ ફંડિંગના નામે છેતરપિંડી થઈ !.ત્રણ શખસોએ અભિનેતા પાસેથી ૫ લાખ રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ મુંબઈના બાંગુરનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ.બોલિવૂડના જાણીતા અભિનેતા અને ફિલ્મ નિર્માતા દીપક તિજાેરી છેતરપિંડીનો શિકાર બન્યા છે. તેમની આગામી ફિલ્મ પ્રોજેક્ટ માટે ફંડિંગની વ્યવસ્થા કરી આપવાના બહાને ત્રણ શખસોએ તેની પાસેથી ૫ લાખ રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ મુંબઈના બાંગુરનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.અહેવાલો અનુસાર, દીપક તિજાેરી હાલમાં તેમની ચર્ચિત ફિલ્મ સીરીઝની સિક્વલ ‘ટોમ, ડિક એન્ડ હેરી ૨’ પર કામ કરી રહ્યા છે. આ ફિલ્મ માટે રોકાણકારો મેળવવાના પ્રયાસો દરમિયાન તે ઠગ ટોળકીના સંપર્કમાં આવ્યા હતા. એક મિત્ર મારફતે દીપક તિજાેરીનો પરિચય કવિતા શિબાગ કૂપર સાથે થયો હતો, જેણે પોતે ટી-સિરીઝ જેવી મોટી કંપની સાથે સંકળાયેલી હોવાનો દાવો કર્યાે હતો. કવિતાએ દીપકને ફૌઝિયા આર્શી નામની મહિલા સાથે મેળવ્યા હતા. ફૌઝિયાએ દાવો કર્યાે હતો કે તેના ઝી નેટવર્ક અને મીડિયા ઈન્ડસ્ટ્રીમાં મજબૂત સંબંધો છે અને તે ફિલ્મ માટે ‘લેટર ઓફ ઇન્ટરેસ્ટ’ અપાવી શકે છે. આ લેટર મેળવવાના નામે ફૌઝિયાએ ૫ લાખ રૂપિયાની માંગણી કરી હતી. દીપક તિજાેરીએ વિશ્વાસ રાખીને બે હપ્તામાં આ પૈસા ટ્રાન્સફર કર્યા હતા.
અભિનેતા દીપક તિજાેરીનો વિશ્વાસ જીતવા માટે આરોપીઓએ ઝી નેટવર્કના અધિકારી ‘જાેશી’ હોવાનો ડોળ કરીને એક વ્યક્તિ સાથે ફોન પર વાત પણ કરાવી હતી. કરાર કર્યા બાદ અને નાણાં મેળવ્યા બાદ આરોપીઓએ દસ્તાવેજાે આપવાનું ટાળ્યું હતું અને દીપકના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. જ્યારે દીપક તિજાેરીએ પોતે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે ઝી નેટવર્કમાં ‘જાેશી’ નામનો કોઈ અધિકારી જ નથી અને કવિતાએ ટી-સિરીઝમાંથી પહેલેથી રાજીનામું આપી દીધું હતું.આ મામલે દીપક તિજાેરીની ફરિયાદના આધારે બાંગુરનગર પોલીસે કવિતા કૂપર, ફૌઝિયા આર્શી અને અન્ય એક અજાણી વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતાની છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે જણાવ્યું છે કે ટૂંક સમયમાં ત્રણેય આરોપીઓની પૂછપરછ કરવામાં આવશે અને કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.




