
ત્રિમૂર્તિ ફિલ્મ્સ બોમ્બે હાઈકોર્ટના શરણે.કાર્તિક, અનન્યાની ‘તુ મેરી મેં તેરા મેં તેરા તુ મેરી’ કાનૂની વિવાદમા.ફિલ્મમાં મંજૂરી વગર ‘સાત સમુંદર પાર’ ગીતની ટ્યૂન અને ગીતનો ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવ્યાનો દાવો કરાયો.કાર્તિક આર્યન તથા અનન્યા પાંડેને ચમકાવતી ફિલ્મ ‘તુ મેરી મેં તેરા મેં તેરા તુ મેરી’ની રિલીઝ પહેલા એક કાનૂની વિવાદ સર્જાયો છે. ત્રિમૂર્તિ ફિલ્મ્સ પ્રાઈવેટ લિમિટેડે કરણ જાેહરની ધર્મા પ્રોડક્શન્સ વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. ત્રિમૂર્તિ ફિલ્મ્સના આક્ષેપ અનુસાર, તુ મેરી.. ફિલ્મમાં ૧૯૯૨ની તેમની સુપરહિટ ફિલ્મ વિશ્વાત્માના આઇકોનિક ગીત ‘સાત સમુંદર પાર’નું કોપીરાઈટનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. પ્રોડક્શન હાઉસનો દાવો છે કે, ફિલ્મમાં મંજૂરી વગર આ ગીતની ટ્યૂન અને ગીતનો ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવ્યો છે.ત્રિમૂર્તિ ફિલ્મ્સે આ મામલે ધર્મા પ્રોડક્શન પાસે રૂ.૧૦ કરોડના વળતરની માંગ કરી છે. આ સાથે જ, ૨૫ ડિસેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મ અથવા અન્ય કોઈ પણ ફિલ્મમાં ‘સાત સમુંદર પાર’ ગીતના ઉપયોગ, એડપ્ટેશન અથવા રીમિક્સ પર કાયમી પ્રતિબંધ મૂકવા માટે સ્ટે ઓર્ડરની માંગ કરી છે.
ફિલ્મની રિલીઝ નજીક હોવાથી અને મોટા પ્રોડક્શન હાઉસ સામેલ હોવાથી આ કેસ પર સૌની નજર રહેશે.આ કાનૂની કાર્યવાહીમાં ફિલ્મના નિર્માતાઓ ધર્મા પ્રોડક્શન્સ અને નમ: પિક્ચર્સ પ્રાઈવેટ લિમિટેડને પ્રતિવાદી તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ ઉપરાંત મ્યુઝિક લેબલ ‘સારેગામા ઈન્ડિયા લિમિટેડ’ અને રેપર-કંપોઝર ‘બાદશાહ’ (આદિત્ય પ્રતીક સિંહ)ના નામ પણ સામેલ છે, જેઓ આ ગીતના નવા વર્ઝન સાથે જાેડાયેલા છે. ત્રિમૂર્તિ ફિલ્મ્સનું કહેવું છે કે આ ઉપયોગ તેમની મૂળ રચના પરના વિશેષ અધિકારોનું ઉલ્લંઘન કરે છે. જાેકે આ મામલે ફિલ્મના નિર્માતાઓ સહિતના પ્રતિવાદીઓએ કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. તાજેતરના વર્ષાેમાં જૂના હિન્દી ગીતોના રીમિક્સને લઈને કોપીરાઈટ વિવાદોની સંખ્યા વધી છે.૧૯૯૨માં રિલીઝ થયેલી ફિલ્મ ‘વિશ્વાત્મા’નું સુપરહીટ ગીત સાત સમંદર પાર… અભિનેત્રી દિવ્યા ભારતી પર ફિલ્માવવામાં આવ્યું હતું. સાધના સરગમે ગાયેલું અને વિજુ શાહે કમ્પોઝ કરેલું આ ગીત તે દાયકાનું સૌથી લોકપ્રિય ગીત બન્યું હતું. તેની લોકપ્રિયતા આજે પણ અકબંધ છે, જે તેને કોમર્શિયલ રીતે ખૂબ જ કિંમતી બૌદ્ધિક સંપત્તિ બનાવે છે.સમીર વિધ્વંસ દ્વારા ર્નિદેશિત ‘તુ મેરી મેં તેરા મેં તેરા તુ મેરી’ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે. જેમાં કાર્તિક આર્યન અને અનન્યા પાંડે મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે નીના ગુપ્તા, જેકી શ્રોફ અને ટીકુ તલસાણીયા સહાયક ભૂમિકામાં છે. ૨૫ ડિસેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મ હવે તેની સ્ટોરી કરતા આ કાનૂની વિવાદને કારણે વધુ ચર્ચામાં છે.




