
મળેલી ફરિયાદો બાદ સરકાર દ્વારા પગલું લેવાયું નેટફ્લિક્સને પાકિસ્તાની શો ભારતમાં પ્રસારિત નહીં કરવા કેન્દ્રની તાકીદ માહિતી અને પ્રસારણ મંત્રાલયે નેટફ્લિક્સને પાકિસ્તાનમાં નિર્મિત શો અને ફિલ્મોનું ભારતમાં પ્રસારણ ન થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું
પાકિસ્તાની કન્ટેન્ટના ભારતમાં પ્રસારણને લઈને કેન્દ્ર સરકારે નેટફ્લિક્સને મહત્વપૂર્ણ સૂચના આપી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે નેટફ્લિક્સને પાકિસ્તાનમાં નિર્મિત શો અને ફિલ્મોનું ભારતમાં પ્રસારણ ન થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. નેટફ્લિક્સના પ્રથમ પાકિસ્તાની શો ‘જાે બચે હૈ સંગ સમેટ લો‘ને લઈને મળેલી ફરિયાદો બાદ સરકાર દ્વારા આ પગલું લેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ શોનું ટ્રેલર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું હતું અને તેનું પ્રસારણ ૪ ડિસેમ્બરથી શરૂ થવાનું છે. જાેકે, નેટફ્લિક્સે હજુ સુધી ભારતમાં આ શો રજૂ કરવામાં આવશે કે નહીં તે અંગે સત્તાવાર સ્પષ્ટતા કરી નથી.
આ શોના ભારતમાં પ્રસારણ સામે સિનેમા ક્ષેત્રનાં બે સંગઠનોએ વાંધો ઉઠાવ્યો છે. ઓલ ઇન્ડિયન સિને વર્કર્સ એસોસિએશન (AICWA) અને ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ (FWICE)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને શોના ભારતમાં પ્રસારણ પર પ્રતિબંધ મૂકવાની માગ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, માહિતી અને પ્રસારણ મંત્રાલયે નેટફ્લિક્સને જૂન ૨૦૨૫માં સરકારને આપેલા વચનની યાદ અપાવી છે. તે સમયે નેટફ્લિક્સે ભારતીય દર્શકો માટે પાકિસ્તાનમાં બનેલી ફિલ્મો કે વેબ સિરીઝનું પ્રસારણ નહીં કરવાની ખાતરી આપી હતી.
ઉલ્લેખનીય છે કે પહલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાની મૂળના કન્ટેન્ટના પ્રસારણને લઈને કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. હવે નેટફ્લિક્સ આ સૂચનાનું કેવી રીતે પાલન કરે છે અને ૪ ડિસેમ્બરે નિર્ધારિત શો ભારતમાં રજૂ થાય છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.




