
બાંગ્લાદેશમાં ચૂંટણી અગાઉ જમાતના નેતાનું એલાન ‘હવે દેશમાં ફક્ત ઈસ્લામિક કાયદો ચાલશે’ : મુજીબુર રહેમાન આગામી ચૂંટણીઓમાં જીત મેળવવા માટે જમાતે ૧૧ પક્ષો સાથે મળીને એક મજબૂત રાજકીય ગઠબંધન તૈયાર કર્યું છે
બાંગ્લાદેશમાં આગામી સામાન્ય ચૂંટણીઓ પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ખાસ કરીને કટ્ટરપંથી ગણાતી પાર્ટી જમાત-એ-ઇસ્લામી ફરી એકવાર વિવાદોના કેન્દ્રમાં આવી ગઈ છે. રાજશાહીમાં આયોજિત એક વિશાળ ચૂંટણી સભાને સંબોધતા પાર્ટીના કેન્દ્રીય નાયબ-એ-અમીર પ્રોફેસર મુજીબુર રહેમાને અત્યંત વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, આઝાદી પછી અત્યાર સુધી દેશમાં અલ્લાહનો કાયદો લાગુ થયો નથી, પરંતુ હવે પછીની સંસદ માત્ર કુરાન અને સુન્નત પર આધારિત અલ્લાહના કાયદાથી જ ચાલશે.મુજીબુર રહેમાને પદ્મા નદીના કિનારે મદ્રેસા મેદાનમાં જનસભાને સંબોધતા કહ્યું કે,
‘ભવિષ્યમાં દેશમાં મનુષ્યો દ્વારા બનાવવામાં આવેલો કોઈ પણ કાયદો સ્વીકારવામાં આવશે નહીં.’ તેમણે મતદારોને અપીલ કરી હતી કે જાે તેઓ દેશમાં ઈસ્લામિક કાયદો જાેવા માંગતા હોય, તો તેમણે જમાત-એ-ઇસ્લામીના નેતૃત્વ હેઠળના ૧૧ પક્ષોના ગઠબંધનને મત આપીને વિજયી બનાવવા જાેઈએ.બાંગ્લાદેશમાં શેખ હસીનાના શાસનકાળ બાદ બદલાયેલી રાજકીય સ્થિતિમાં જમાત-એ-ઇસ્લામી ફરી એકવાર પોતાની જૂની અને કટ્ટરપંથી વિચારધારા તરફ વળી રહી હોય તેવું સ્પષ્ટપણે જણાય છે. આગામી ચૂંટણીઓમાં જીત મેળવવા માટે જમાતે ૧૧ પક્ષો સાથે મળીને એક મજબૂત રાજકીય ગઠબંધન તૈયાર કર્યું છે, જેના માધ્યમથી તેઓ ધર્મના નામે મતોનું ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ આક્રમક વલણની પરાકાષ્ઠા પ્રોફેસર રહેમાનના નિવેદનમાં જાેવા મળી હતી, જેમાં તેમણે સીધો સંસદ પર પ્રહાર કરતા જણાવ્યું કે હવે પછીની સંસદ મનુષ્ય નિર્મિત કાયદાઓને બદલે સંપૂર્ણપણે ધાર્મિક કાયદાઓ દ્વારા સંચાલિત થશે. આ સ્થિતિ સૂચવે છે કે લોકશાહી ઢબે ચૂંટણી લડતી હોવા છતાં, પાર્ટીનો અંતિમ ઉદ્દેશ્ય દેશના બંધારણીય માળખાને બદલીને કટ્ટરપંથી વ્યવસ્થા સ્થાપિત કરવાનો છે.




