
ફિલ્મ કાલા હિરનના ડિરેક્ટરે બાંયો ચડાવી! અભિનેતા સલમાન ખાન કોઈ ભગવાન નથી જે મને રોકે! બ્રેસલેટની સમાનતા માત્ર એક સંયોગ: ડિરેક્ટર
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અને તેમની સાથે જાેડાયેલા વિવાદો પર આધારિત હોવાના આક્ષેપોનો સામનો કરી રહેલી ફિલ્મ કાલા હિરન: ધ બેટલ ફોર લેગસીની જાહેરાત બાદથી જ સતત ચર્ચામાં છે. ફિલ્મનું મુખ્ય પાત્ર, વાર્તા અને પોસ્ટરમાં દેખાડવામાં આવેલું બ્રેસલેટ સલમાન ખાનના ૧૯૯૮ના બ્લેકબક શિકાર કેસ અને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથેના વિવાદોને મળતું આવે છે. આ પોસ્ટર સામે આવ્યા બાદ સલમાન ખાને કોર્ટના દ્વાર ખખડાવી ફિલ્મની રિલીઝ રોકવાની માંગ કરી છે. આ તમામ વિવાદો વચ્ચે હવે ફિલ્મના ડિરેક્ટર ભરત એસ. શ્રીનેત અને પ્રોડ્યુસર અમિત જાનીએ આકરી પ્રતિક્રિયા આપી છે.
પોસ્ટરમાં દેખાતા સલમાન ખાન જેવા જ ફેમસ ફિરોઝા સ્ટોન વાળા બ્રેસલેટ અંગે ડિરેક્ટર ભરત એસ. શ્રીનેતે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે,આ બ્રેસલેટ કોઈ પેટન્ટ કરાવેલી વસ્તુ નથી. જાે સલમાન ખાનને એવું લાગતું હોય કે માત્ર તેઓ જ આ પહેરી શકે છે, તો તેમણે તેની પેટન્ટ કરાવી લેવી જાેઈએ, જેથી તે દુનિયામાં ક્યાંય ન મળે. હું એ વાત સાથે બિલકુલ સહમત નથી કે આ ફિલ્મ અથવા તેનું પાત્ર સલમાન ખાન પર આધારિત છે. અમારું પાત્ર સલમાન ખાન નથી, આ માત્ર એક કાલ્પનિક ફિલ્મ છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, ફિલ્મનો મુખ્ય અભિનેતા કુદરતી રીતે જ સલમાન ખાન જેવો દેખાય છે અને આ કોઈ પ્રોસ્થેટિક મેકઅપનું પરિણામ નથી. નવાઝુદ્દીન સિદ્દીકીએ ઠાકરે ફિલ્મમાં બાલ ઠાકરે જેવા દેખાવા માટે મેકઅપનો સહારો લીધો હતો, પરંતુ આ ફિલ્મમાં એવું કંઈ નથી. ડિરેક્ટરે સવાલ કર્યો કે જાે કોઈ અભિનેતા કુદરતી રીતે કોઈના જેવો દેખાતો હોય, તો તેઓ તેનો ચહેરો કેવી રીતે બદલી શકે?
ફિલ્મ સામે સલમાન ખાન દ્વારા કરવામાં આવેલી કાનૂની કાર્યવાહી અંગે ડિરેક્ટરે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “સલમાન ખાન કોઈ ભગવાન નથી, કે તે મારા ગૉડફાધર પણ નથી. તેઓ મને રોકી શકતા નથી અને ન તો મારું કરિયર બનાવી કે બગાડી શકે છે. આ ફિલ્મને બનાવવામાં ઘણા લોકોની સખત મહેનત લાગી છે અને અચાનક અમને લીગલ નોટિસ મોકલીને રિલીઝ રોકવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેનાથી ઘણું દુ:ખ થાય છે. અંતે ફિલ્મનું ભવિષ્ય દર્શકો જ નક્કી કરશે.”
દિલ્હી હાઈકોર્ટની વેકેશન બેન્ચે સલમાન ખાનની અરજી પર અંતિમ રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો છે. જસ્ટિસ મધુ જૈનની બેન્ચે સલમાન ખાનની લીગલ ટીમને આદેશ આપ્યો છે કે તેઓ ફિલ્મમેકર્સને કેસને લગતા તમામ દસ્તાવેજાે સોંપે, જેથી તેઓ પોતાનો જવાબ રજૂ કરી શકે. કોર્ટે આ મામલાની આગામી સુનાવણી ૧ જુલાઈના રોજ નક્કી કરી છે.
સલમાન ખાનનો આરોપ છે કે આ ફિલ્મ તેમની પરવાનગી વિના તેમના જીવનના વિવાદો અને શિકારના કેસ પર આધારિત રાખીને વ્યાવસાયિક લાભ ખાટવા માટે બનાવવામાં આવી રહી છે.




