
ખેલાડીઓએ પરંપરાગત ટાંગલિયા શર્ટ પહેર્યા.ગુજરાત ટાઇટન્સે ટીમ ડિનર સાથે ગુજરાત દિવસની ઉજવણી કરી.ખેલાડીઓએ ગુજરાતની ભાતીગળ લોકકળાને જીવંત કરતા પરંપરાગત પોશાક ધારણ કરી રાજ્યના સમૃદ્ધ વારસાને સલામી આપી.આઈપીએલ ૨૦૨૬માં શાનદાર પ્રદર્શન કરી રહેલી ગુજરાત ટાઇટન્સની ટીમે મેદાનની બહાર પણ પોતાની પ્રાદેશિક ઓળખ અને સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે. ૧ મેના રોજ ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે ફ્રેન્ચાઇઝી દ્વારા એક ખાસ ટીમ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખેલાડીઓએ ગુજરાતની ભાતીગળ લોકકળાને જીવંત કરતા પરંપરાગત પોશાક ધારણ કરી રાજ્યના સમૃદ્ધ વારસાને સલામી આપી હતી.
આ ઉજવણીની સૌથી આકર્ષક બાબત એ હતી કે, ગુજરાત ટાઇટન્સના મેનેજમેન્ટ દ્વારા તમામ ખેલાડીઓને ખાસ તૈયાર કરેલા ટાંગલિયા શર્ટ ભેટમાં આપવામાં આવ્યા હતા. કેપ્ટન શુભમન ગિલ સહિત વિદેશી ખેલાડીઓએ પણ આ પરંપરાગત વસ્ત્રો પહેરીને ગુજરાતની હસ્તકલા પ્રત્યે પોતાનો ઉત્સાહ અને આદર વ્યક્ત કર્યો હતો. આ પહેલ દ્વારા ફ્રેન્ચાઇઝીએ ક્રિકેટની રમતની સાથે સાથે રાજ્યના સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક મંચ પર એક પ્લેટફોર્મ આપવાનો પ્રયાસ છે.
ટાંગલિયાએ ગુજરાતની એક એવી અદભૂત હસ્તકલા છે જેનો ઇતિહાસ ૭૦૦ વર્ષ કરતા પણ વધુ જૂનો છે. સુરેન્દ્રનગરના ડાંગસિયા સમુદાય દ્વારા વિકસાવવામાં આવેલી આ કળા તેની મણકા જેવી અનોખી ડિઝાઇન માટે જાણીતી છે.
આ વણાટમાં દોરાઓની ગૂંથણી એવી રીતે કરવામાં આવે છે કે જાણે કાપડ પર મોતી જડ્યા હોય. પરંપરાગત રીતે આ કાપડ ખાસ પ્રસંગો કે સામાજિક રિવાજાેમાં પહેરવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી આ હસ્તકલાને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખૂબ લોકપ્રિયતા મળી છે.
ગુજરાત ટાઇટન્સની ટીમ હંમેશાથી ગુજરાત-પ્રથમના અભિગમ સાથે કામ કરી રહી છે. ટીમ ડિનરના આ આયોજન પાછળ માત્ર ઉજવણી જ નહીં, પરંતુ ખેલાડીઓમાં એકતા અને સ્થાનિક સંસ્કૃતિ પ્રત્યેની સમજ વધારવાનો પણ હેતુ હતો. જ્યારે વિદેશી અને અન્ય રાજ્યના ખેલાડીઓ ગુજરાતની આ પરંપરાગત શૈલીમાં સજ્જ થયા, ત્યારે એક અનોખી ટીમ બોન્ડિંગ જાેવા મળ્યું હતું.
સાંસ્કૃતિક ઉજવણી બાદ હવે ટીમનું સંપૂર્ણ ધ્યાન રમત પર છે. IPL 2026માં સળંગ બે શાનદાર જીત મેળવ્યા બાદ શુભમન ગિલની આર્મી પૂરા આત્મવિશ્વાસમાં છે. ગુજરાત ટાઇટન્સનો આગામી મેચ રવિવારે પંજાબ કિંગ્સ સામે છે, જ્યાં ટીમ પોતાની જીતની લય જાળવી રાખવા મેદાનમાં ઉતરશે.



